થોડા સમય પૂર્વે એક નિર્દેશ ગુજરાત સરકાર દ્વારા થયો કે, રાજ્યના તમામ દુકાનો કે સંસ્થાનાં બોર્ડ (ગુજરાતી?) માતૃભાષામાં કહેતાં ગુજરાતીમાં જ હોવાં જોઈએ. આછું સ્મરણ છે કે, થોડા અરસા પહેલાં મહારાષ્ટ્રમાં આવું કંઇક આવ્યું હતું. થોડે થોડે સમયે આવાં ગતકડાં ભિન્ન ભિન્ન રાજ્યમાં આવતાં હોય છે. કેમ એ તો મનોવૈજ્ઞાનિકો જ બતાવી શકે. હાલમાં ગુજરાતીમાં શું કે અંગ્રેજીમાં શું, બધું દાટ વળવા બેઠેલ છે. અંગ્રેજી શબ્દોના ઉચ્ચારોની સાચી જોડણીની તો વાત જ નથી. બારડોલીમાં પાંતરાં ખૂબ વખણાય છે. અમે એક રેસ્ટોરંટમાં શિક્ષક મિત્રો હતા અને પેઈન્ટર બોર્ડ લખતા હતા જેમાં એમણે પાંતરા લખ્યું.
અમે સુધારો સૂચવ્યો તો પણ આજે ત્રણ-સાડા ત્રણ વર્ષ પશ્ચાત્ પણ એ લખાણ જેમનું તેમ છે. ‘વધરાવળ’ નામનો એક રોગ છે. અહીંની એક હોસ્પિટલમાં લખ્યું છે ‘વધરામણ’. વધરાવળ થતાં દર્દીને ગભરામણ થતી હશે કે શું? કોઈ સાર્થ જોડણી કોશ કે ભગવદ્ગોમંડળ વાપરતું નથી. છાત્રો પણ જેમ બોલે છે તેમ જ લખે છે. ‘ત’ ને બદલે ‘ટ’ કે ‘ડ’ ને બદલે ‘દ’ જાણીતું છે. આપના દાદાને શું થયેલું પૂછતાં જવાબ મળશે, ‘એતેક’ આવી ગયેલ. ‘ણ’ તો લગભગ ભુંસાઈ જ ગયો છે. શુદ્ધિની અપેક્ષા રાખી હોય તે વ્યક્તિ ‘આપણે’ ને સ્થાને ‘આપડે’ લખે ત્યારે રતન રક્તરંજિત થઇ જાય. ‘ળ’નું સ્થાન ‘ર’ એ ઝૂંટવી લીધું છે. ‘સંભાળ’ ને બદલે ‘સંભાર’. તો પછી ઈડલી સંભારવાળા સંભારનું કે અથાણાના સંભારનું શું.
આ બધાંમાં હ્રસ્વ ઇ કે દીર્ઘ ઈ નો તો સવાલ જ નથી. ડીલ એટલે શરીર અને દિલ એટલે હૃદય. કોણ જાણે? કેટલાં લોકો જાણે? કોણ જાણે ને બદલે ‘કોન જાને’ અત્યંત સામાન્ય થતું જાય છે. ‘હું’ નું સ્થાન ‘મેં’ એ લઇ લીધું છે. આ બન્યું રાજસ્થાની ડાયાસ્પોરાને કારણે. અનેક વાર સરકારી કચેરીઓમાં પણ લખાણમાં અશુદ્ધ જોડણી જોઈ શકાય. અમે નાના હતા ત્યારે એક છોકરો હંમેશા વાર્તા કહેતો, ‘એક રાજા હતો. એક રાની હતી. રાનીની એક આંખ કાની હતી.’ શિક્ષક સહિત સૌ હસી હસીને બેવડ વળી જતાં. ૨૮ વર્ષ શિક્ષણમાં રહ્યા બાદ એક તારણ પર અવાય કે, દરેક વિષયમાં છીછરાપણું આવી રહ્યું છે અને આ પરિવર્તન અત્યંત વેગવાન છે.
બારડોલી – વિરલ વ્યાસ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.