આપણે ત્યાં છેલ્લા ઘણા વખતથી સંગઠિત ક્ષેત્રોમાં પાંચ દિવસના અઠવાડિયાનું ચલણ શરૂ થયું છે. વળી બીજો અને ચોથો શનિવાર લગભગ સરકારી ખાતાઓમાં તથા બીજો શનિવાર તો ઘણાં ખાતાઓમાં રજાનો ગણાય છે. હા, તેની સામે કામના કલાકો બાકીના દિવસોએ વધારવામાં આવ્યા છે તે પણ એક સારી વાત છે. પરંતુ આ પધ્ધતિ સમાજમાં વિસંગતતા ઊભી એટલા માટે કરે છે કે હવે ઘરમાં એક કમાય અને બાકીના ખાય તે શક્ય રહ્યું નથી અને ફરી ક્યારેય એ દિવસ આવવાનો નથી. દરેક કુટુંબમાં પત્ની, દીકરી, દીકરો ભાઈ કે કુટુંબના કોઈ પણ સભ્ય જે બધા સાથે રહેતા હોય તે બધા જ કોઈ ને કોઈ વ્યવસાયમાં રોકાયેલા છે અને દરેક વ્યક્તિને સંગઠિત ક્ષેત્રમાં કાર્ય મળતું નથી.
પતિ બેન્ક કે વિમા કંપનીમાં હોય અને પત્ની ખાનગી સંસ્થામાં નોકરી કરતી હોય તો અઠવાડિયાના ચાર શનિ રવિ યુગલ માટે ઘણા સામાજિક અને કૌટુંબિક પ્રશ્નો ઊભા કરશે અથવા યુગલ મોટી ઉંમરનું હોય અને તેમના અપરિણીત પુખ્ત સંતાનો પણ જો ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોય, ખાસ કરીને દીકરીઓ, તો તેઓ સહકુટુંબ કશે જ જઈ શકશે નહીં. ખરેખર તો એક દેશ એક પધ્ધતિ હોવી આવકાર્ય હોઈ શકે.
અમેરિકાની જેમ, દુકાનોને હોટલો સિવાય તમામ સંસ્થાઓ ખાનગી, સરકારી કે અર્ધ સરકારી બધી જ સંસ્થાઓમાં પાંચ દિવસનું અઠવાડિયું હોવું જોઈએ. આવું થાય તો ઈંધણનો બચાવ, ટ્રાફિકની હળવાશ અને પર્યાવરણને વત્તે ઓછે અંશે ફાયદો થાય. વળી હાલમાં બેન્કોમાં જે પાંચ દિવસના અઠવાડિયાનું નક્કી થયું છે, તેવો જ સમય બધી સંસ્થાઓમાં રહે તો વધુ ઈચ્છનીય હશે. શક્ય છે કે મારા આ વિચારની તરફેણ અને વિરુધ્ધમાં અનેક વાચકો હોય, માટે ‘ગુજરાતમિત્ર’ને મારી ખાસ વિનંતી છે કે આ વિષય પર લોકવિચારોને એક બે દિવસ એક જુદી જ કોલમ કે પાના પર સ્થાન આપે.
સુરત – રાજેન્દ્ર કર્ણિક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.