બાંધકામ અધૂરું રાખનાર યા ખામીભર્યું બાંધકામ કરનાર બિલ્ડર/કોન્ટ્રાકટર ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે સેવામાં ખામી બદલ દોષિત ઠરી ગ્રાહકને વળતર ચૂકવવા જવાબદાર ઠરશે. આ અંગેના એક મહત્ત્વના કેસ ટેન્ઝીન વિ. બી.કે. પાલમાં નેશનલ કમિશને આપેલ ચુકાદાની વિગતો જોઇએ તો- બી.કે. પાલ (મૂળ ફરિયાદી) એ બિલ્ડર-કમ-કોન્ટ્રાકટર ટેન્ઝીન (મૂળ સામાવાળા)ની સેવા 3 મજલાનું મકાન બાંધવા માટે મેળવી હતી. ફરિયાદી અને સામાવાળા વચ્ચે સૂચિત બાંધકામનો કરાર પણ એકઝીકયુટ કરાયો હતો. જે અન્વયે પક્ષકારો વચ્ચે સૂચિત બાંધકામનો ખર્ચ રૂ. 17 લાખ નક્કી થયો હતો તથા બાંધકામ પૂર્ણ કરવાની સમયાવધિ 8 માસની નક્કી કરાઇ હતી.
ફરિયાદીએ સામાવાળાને જુદા જુદા તબક્કે મળીને કુલ રૂ.14.52 લાખની ચૂકવણી કરી દીધી હતી. માત્ર રૂ. 2.50 લાખનું પેમેન્ટ બાકી પડતું હતું પરંતુ કરાર કર્યા બાદ 2 વર્ષ વીત્યા પછી પણ મકાનના એક માળનું બાંધકામ પણ પૂર્ણ થઇ શકયું ન હતું અને બાંધકામ બનતી ત્વરાએ પૂરું કરી કબજો આપવાની ફરિયાદીની વારંવારની રજૂઆતોને સામાવાળા બિલ્ડર/કોન્ટ્રાકટરે કોઇ દાદ આપી ન હતી. જેથી ત્રસ્ત ફરિયાદીએ ન્યાય મેળવવા સ્ટેટ કન્ઝયુમર ડિસ્પ્યુટસ રીડ્રેસલ કમિશનના દ્વાર ખટખટાવ્યા હતા. સ્ટેટ કમિશન સમક્ષ ફરિયાદીએ જણાવ્યું હતું કે સામાવાળાએ અધૂરું છોડેલું બાંધકામ પૂર્ણ કરાવવામાં તેમજ થયેલ બાંધકામમાંની ખામીઓ દુરસ્ત કરાવવામાં તેને રૂ. 3 લાખનો વધારાનો ખર્ચ થયો હતો.
સ્ટેટ કમિશન સમક્ષ સામાવાળા બિલ્ડર-કોન્ટ્રાકટરે પોતે બાંધકામ પૂર્ણ કરેલ હોવાની તેમ જ થયેલ બાંધકામમાં કોઇ જ ક્ષતિ ન હોવાની રજૂઆત કરી હતી. સ્ટેટ કમિશને જાહેર બાંધકામ ખાતાના નિવૃત્ત એકઝીકયુટીવ એન્જિનિયરની કમિશનર તરીકે નિમણૂક કરી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. કમિશન દ્વારા નિયુકત કમિશનરે પક્ષકારો વચ્ચે કરારનો અભ્યાસ તેમજ સાઇટ ઇન્સ્પેકશન કરી રિપોર્ટ તૈયાર કર્યો હતો અને સ્ટેટ કમિશનને સુપ્રત કર્યો હતો. મજકૂર રિપોર્ટમાં સામાવાળાએ કરેલ બાંધકામ અપૂર્ણ હોવાનું તેમજ જે બાંધકામ થયું હતું તે પણ ક્ષતિયુકત હોવાનું જણાવ્યું હતું.
સ્ટેટ કમિશને ફરિયાદીની ફરિયાદ અંશત: મંજૂર કરી, સામાવાળાએ કરેલ બાંધકામ અધૂરું અને ક્ષતિયુકત હોવાનું ઠરાવી ફરિયાદીને રૂ. 3 લાખનું વળતર તેમજ માનસિક ત્રાસ તથા કાર્યવાહીના ખર્ચ માટે બીજા રૂ. 7 હજાર ચૂકવી આપવાનો સામવાળા બિલ્ડર/કોન્ટ્રાકટરને હુકમ કર્યો હતો. સ્ટેટ કમિશનના મજકૂર હુકમ વિરુધ્ધ સામાવાળાએ નેશનલ કમિશન સમક્ષ કરેલ અપીલ પણ નેશનલ કમિશને ફગાવી દીધી હતી. આમ અધૂરું યા ખામીભર્યું બાંધકામ કરનાર બિલ્ડર/કોન્ટ્રાકટર ગ્રાહકને નુકસાન વળતર ચૂકવવા જવાબદાર બનશે.