Comments

રોજગારી દ્વારા આવક સર્જાય, આવકથી ખર્ચ અને તો ઉત્પાદન અને વિકાસ થાય, એમને એમ ના થાય!

આર્થિક વિકાસ એ તમામ દેશોની પ્રાથમિક જરુરિયાત છે. જેમનો વિકાસ બાકી છે તે વિકાસ માટે પ્રયત્નશીલ છે અને જેમનો વિકાસ થઈ ગયો છે, તે વિકાસને ટકાવી રાખવા પ્રયત્ન કરે છે. આજે વિકાસ એ રાજનીતિનો હિસ્સો બની ગયો છે અને ભારત જેવા દેશમાં તમે વિકાસ ના કરો તો ચાલે પણ તમારે વાતો તો વિકાસની જ કરવી પડે. ભારતમાં ઘણા અત્યારે પાકિસ્તાનની મોંઘવારી, શ્રીલંકાની અંધાધૂધી આ બધી ચર્ચામાં મશગુલ છે. સામે દેશમાં આંકડાઓ નિરાશાજનક આવી રહ્યા છે. અહેવાલો છે કે રોજગારીમાં રોજેરોજ ઘટાડો થઈ રહ્યો છે. આધુનિકીકરણ અને કોમ્પ્યુટરાઈજેશનને લીધે જ્યાં દસ માણસો કામ કરતા હતા ત્યાં હવે એક-બે માણસો કામ કરે છે. હવે આપણે નક્કી એ કરવાનું છે કે આપણે કામમાં ઝડપ જોઈએ છે કે દેશમાં રોજગારી? “કામ થોડું ધીમું થાય પણ બે ઘરનો ચૂલો ચાલે”- એમ આપણે માનતા હોઈએ તો હવે એ નક્કી કરવાનો સમય આવી ગયો છે.

ચીની વસ્તુઓનો વિરોધ માત્ર આતંકવાદના મુદ્દે નથી કરવાનો, ભારતની રોજગારીનો મુદ્દો પણ એટલો જ અગત્યનો છે. અર્થશાસ્ત્ર માનવીનાં આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. અને સાધનોની પસંદગી અને વપરાશમાં પસંદગીનો ક્રમ નક્કી કરવામાં મદદ કરે છે. એક રીતે તે નિર્ણયો કરવામાં મદદ કરે છે. મૂડીવાદમાં બજાર અને સામ્યવાદમાં સરકાર નિર્ણયો કરે છે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું? કેટલા પ્રમાણમાં કરવું? કઈ પદ્ધતિથી કરવું? ઉત્પાદન થાય તે વેચવું કઈ રીતે? આ બધા જ આર્થિક નિર્ણયો કાં તો રાજ્ય કરે અથવા બજાર કરે. ભારત જેવા મિશ્રઅર્થતંત્ર વાળા દેશમાં બજાર અને રાજ્ય બંને આ નિર્ણય કરે ત્યારે એને જોવું જોઈએ કે દેશમાં બેકારી વધારે છે.

અતિવસ્તી વાળા દેશમાં યુવાનો વધારે છે એક રીતે આ માનવશક્તિ છે, જો એનો ઉપયોગ કરવામાં આવે તો દેશના વિકાસનો દર ઝડપથી ઊંચો જાય પણ કમનસીબે ભારતમાં બેરોજગારીનો દર ઊંચો જઈ રહ્યો છે અને આપણું તેના પર ધ્યાન જ નથી વળી બેકારીને કારણે આર્થિક શોષણ વધ્યું છે. એટલે આવકવૃદ્ધિ દર ખુબ નીચો છે આવકની અસામાન વહેંચણી રાષ્ટ્રીય આવકનાં આંકડામાં દેખાતી નથી. એટલે વૃદ્ધિ અને વિકાસની ભ્રમણાઓ ઉભી થાય છે સરકારનું અગત્યનું કામ આ વહેંચણી સુધારવાનું છે ખાનગી ક્ષેત્ર પર વેતન બાબતે કોઈ નિયંત્રણ જ નથી, આ ન ચાલે. જેમ ટેલિફોનથી માંડીને વીજળીનાં દર નક્કી કરનારી સંસ્થાઓ છે તેમ આ તમામ ક્ષેત્રમાં વેતન નક્કી કરનારા અને તેનું મોનીટરીંગ કરનારા પણ હોવા જોઈએ.

આપણે પરિસ્થિતિની ગંભીરતા સમજતા નથી, આપણી આસપાસનું જગત જોતા નથી. કળાના ક્ષેત્રથી માંડીને બેન્કિંગ, ઉદ્યોગ, શિક્ષણના તમામ ક્ષેત્રોમાં જરૂર કરતા ઓછા માણસોથી ચલાવાય છે. અને ખુબ જ ઓછા પગાર ચૂકવાય છે. મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવાના આપણે ભલે ૨૫૦ થી ૩૦૦ ચૂકવીએ પણ આ જગ્યા એ કામ કરનાર સફાઈ કામદારથી માંડીને મેનેજર સુધીનાને ૫૦૦૦થી ૧૨૦૦૦નો જ પગાર મળે છે.

મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલોમાં દર્દીઓ ભલે લાખો ચૂકવે પણ નર્સ અને પટાવાળાને તો નામનું જ ચૂકવાય છે. ખાનગી શાળાઓમાં તમે લાખોના ડોનેશન ભલે આપો પણ ત્યાનાં શિક્ષકોનું તો શોષણ જ થાય છે. હવે અર્થશાસ્ત્રનાં નિયમ મુજબ નાણું ફરતું નથી. આવક થાય એ મુજબ ખર્ચ થતો નથી. આપણે રૂપિયા ઉપાડવા માટે એટીએમનો ઉપયોગ કરીએ છીએ જ્યાં દરેક એટીએમ પર એક ચોકીદાર છે હવે આના કરતા ૨૪ કલાકમાં ત્રણ પાલીમાં ક્લાર્ક બેસાડી રૂપિયા આપવાની વ્યવસ્થા થાય તો શું વાંધો આવે?

આપણે જે બજારો વિકસાવી રહ્યા છીએ તેમાં વેચાતી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે લોકો પાસે આવક જોઈએ. આ આવક તો તેમની પાસે છે નહિ! હવે સ્થિતિ એ આવશે કે દવાખાનુ છે, દર્દી પણ છે, પણ દર્દી પાસે દવખાનમાં જવાનાં રૂપિયા નથી. હોટલો, સિનેમા ઘરો છે પણ ત્યાં જવાના રૂપિયા નથી! એક સાદું ગણિત આપણા નેતાઓ સમજતા નથી કે રોજગારી હોય તો આવક હોય અને આવક હોય તો ખર્ચ હોય અને ખર્ચ થાય તો માંગ થાય ઉત્પાદન થાય અને દેશનો વિકાસ થાય. અમેરિકા જેવા વિકસિત દેશો પોતાના દેશમાં રોજગારી ટકાવી રાખવા દુનિયાને ખાનગીકરણ અને ઉદારીકરણના રસ્તા બતાવે છે. દુનિયાને યુદ્ધના રસ્તે લઇ જાય છે. વર મારો વહુમારો પણ ગોરનું તરભાણું ભરો- એ વાત એ દેશો સમજે છે. આપણે જ સમજતા નથી. રિઝર્વ બેંકનો અહેવાલ જણાવે છે કે બિનબેંક ધિરાણ વધતું જાય છે. ક્રેડિટ કાર્ડ અને ખાનગી ફાઈનાનસ કંપનીઓ દ્વારા લોન અપાય છે તેમાં એન.પી.એ.નું પ્રમાણ મોટું છે.

સામાન્ય માણસ દેવાદાર થતો જાય છે. બાકી લોનની સંખ્યા વધતી જાય છે અને બચતો ઘટતી જાય છે. કારણકે રોજગારી નથી અને જે છે તે યોગ્ય પગારની નથી. કોમ્પ્યુટર અને યંત્રિકીકરણ વધવાના લીધે રોજની ૫૦૦ નોકરીઓ ઓછી થતી જાય છે. આ સમાચાર ગંભીર છે. વસ્તી એ મુડી છે તો સાથે જવાબદારી પણ છે. આપણે સ્માર્ટસીટીની જરુર નથી. કામ કરતા સીટીની જરૂર છે. યુવાનો હાથમાં મોબિલ લઇ બેસી રહેશે અને ચેટીંગમાં સમય વિતાવશે તો દેશનો વિકાસ નહિ થાય. રોજગારલક્ષી આયોજન એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ કોઈની દુકાનમાંથી વસ્તુ વેચાશે તો એના ઘરમાં દિવાળીનો દીવો થશે કે ઈદ ઉજવાશે.

છેલ્લા વર્ષોમાં ચોમાસું બહુ અનિયમિત બન્યું છે. તૈયાર પાક નિષ્ફળ જાય ત્યારે ઘણા પ્રશ્નો સર્જાય છે. આપણા ગ્રામીણ વિકાસ અને રોજગારીનો મોટો આધાર ખેતી છે. અરે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના વિકાસ માટે પણ ખેતીનો વિકાસ જરૂરી છે. વધતી યુવા વસ્તી આવનારા સમયમાં ઘરડાઓમાં પરિવર્તીત થશે અને તે વાત, દેશનું આર્થિક ભવિષ્ય નક્કી કરનારા એ સમજવાની જરૂર છે. અને નેતાઓ ના સમજે તો પ્રજાએ તો સમજવી જ પડશે કે રોજગારી જ આપણો સૌથી મોટો પ્રશ્ન છે. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top