Charchapatra

આવકચક્ર

પરિવહનમાં હાઇ વે પર દોડતાં વાહનોનાં ચક્રો વેપાર ઉદ્યોગ જીવન વ્યવહાર પ્રવાસની સાથે સરકારી આવકનાં ચક્રો પણ બની રહે છે. હાઇ વે આવક ચક્રને ફરતો રાખતો રસ્તો બને છે. જકાતરૂપે વસુલાતો ટોલ ટેક્ષ જંગી આવકનું સાધન સિધ્ધ થાય છે. સમસ્ત ભારતમાં આ આવકચક્ર સરકારને માટે વરદાનરૂપ છે. ઇજારદારો આવી ધરખમ કમાણી હસ્તગત કરવા તમામ રીત રસમ અજમાવી ટેક્ષ ઉઘરાવવા અધિકાર પ્રાપ્ત કરે છે. આ આવકચક્ર સાથે ભ્રષ્ટાચારનું ચક્ર પણ ફરે છે તેને નાથવાની જરૂરત છે.

ઘણા ઇજારદારો ટોલ ટેક્ષ ઉઘરાવવાના અધિકારની મુદ્દત પૂરી થઇ ગયા પછી પણ અનૈતિક રીતે ટેક્ષ ઉઘરાવવાનું અનિશ્ચિત વધુ સમય સુધી ચાલુ રાખે છે. સામાન્ય નાગરિકોને કોન્ટ્રાકટ વિશેની જાણકારી હોતી નથી અને ચલતી કા નામ ગાડી સરકારી રહેમ નજર હેઠળ ચાલતી રહે છે. આનો એક ઉપાય એ છે કે ઇજારાના માર્ગ પર અમુક અમુક અંતરે સુવાચ્ય લખાણવાળાં બોર્ડ મૂકાય અને તેમાં ઇજારદાર કંપનીના નામ સાથે ઇજારો આપ્યાની તારીખ, મુદ્દતનો ઉલ્લેખ થાય. ઉપરાંત લોકો ફરિયાદ માટે ફોન નંબર સરનામાની વિગત પણ હોય. ટોલટેક્ષની આવક આંખો આંજી દેનારી છે. માત્ર ગુજરાત રાજયની વાત કરીએ તો ગુજરાતીઓ દરરોજ સરેરાશ બાર કરોડ ટોલ ટેક્ષ ચૂકવે છે.

આ એક વર્ષમાં પિસ્તાળીસ અબજને પાર આવક થઇ છે, જે દેશમાં ત્રીજા ક્રમની આવક છે. દેશમાં સૌથી વધુ ટોલ કલેકશન ઉત્તરપ્રદેશમાં દૈનિક સરેરાશ અઢાર કરોડને પાર કરી ગઇ છે. નેશનલ હાઇ વે ઓથોરીટી ઓફ ઇન્ડિયા તરફથી આરટીઆઇના મળેલા જવાબ અનુસાર આ આંકડા જાહેર થયા છે. સમસ્ત દેશમાંથી કુલ એક પોઇન્ટ અઠ્ઠાવન લાખ કરોડ ટેક્ષ ઉઘરાવાયો છે. પાંચ વર્ષમાં ગુજરાત રાજયના ટોલ ટેક્ષના કલેકશનમાં પાંસઠ ટકાનો વધારો થયો છે. આમ આવકચક્ર પૂરઝડપથી ફરી રહ્યું છે તે દેશના વિકાસ અને કલ્યાણના સંદર્ભમાં આનંદની હકીકત કહેવાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી

Most Popular

To Top