National

બિહારની બાગમતી નદીમાં ગોઝારી ઘટના, સ્કૂલ જતા 30 બાળકોની બોટ ડુબી ગઈ

મુઝફ્ફરપુર: મુઝફ્ફરપુરમાં ગોઝારી ઘટના બની છે. અહીંની બાગમતી નદીમાં એક બોટ ડુબી ગઈ છે. આ બોટ માં 30 બાળકો હતા. બાળકો સ્કૂલ જતા હતા ત્યારે બોટ પલટી ગઈ હતી. 20 બાળકોને બચાવી લેવાયા છે, જ્યારે 10 ગુમ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં એક મોટી દુર્ઘટના બની છે. સ્કૂલના બાળકોથી ભરેલી બોટ નદીમાં પલટી ગઈ છે. આ અકસ્માત ગાયઘાટ બેનિયાબાદ ઓપીમાં થયો હતો. ઘટનાની જાણ થતા જ એસડીઆરએફની ટીમ ગાયઘાટ અને બેનિયાબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ગ્રામજનોએ કહ્યું કે, સ્કૂલ નદીને પાર આવેલી છે. તેથી રોજ બાળકો બોટમાં બેસી સ્કૂલ જાય છે. આજે પણ રોજની જેમ બાળકો બોટમાં સ્કૂલે જઈ રહ્યાં હતાં. બોટમાં 30 બાળકો સવાર હતા. પરંતુ પાણીના જોરદાર પ્રવાહના લીધે બોટનું સંતુલન ખોરવાયું હતું અને બોટ નદીમાં પલટી ગઈ હતી.

આ સાથે જ બાળકો નદીમાં ડૂબવા લાગ્યા હતા. બાળકોએ બૂમાબૂમ કરી મુકી હતી. બાળકોની બૂમો સાંભળી ગ્રામજનો દોડી ગયા હતા. નદી કિનારે ટોળા ભેગા થઈ ગયા હતા. ગામના એક યુવકે બે લોકોને બચાવ્યા હતા. બીજા લોકોને બચાવવા ફરી નદીમાં કૂદયો ત્યારે તે પોતે ડૂબી ગયો હતો. બોટમાં ધો. 9 અને 10માં ભણતા બાળકો હતા. ગામના પણ કેટલાંક લોકો બોટમાં હતા.

Most Popular

To Top