શિયાળાની ઋતુ દરમિયાન જામફળ (જમરૂખ) એ સર્વભોગ્ય મીઠું ફળ છે! જામફળનું વતન મેક્સિકોથી પેરૂના મધ્ય ભાગને માનવામાં આવે છે. ભારતમાં તેનો પ્રવેશ સ્પૅનિશ લોકો દ્વારા સોળમી શતાબ્દી દરમિયાન થયો! ખેર, જામફળ એ શિયાળામાં આવતું ખાસ પ્રકારનું એક અમૃત ફળ હોવાથી અને તે વિટામિન (સી)થી ભરપૂર રહેલ હોઈ આ ફળથી અનેક સ્વાસ્થ્ય અંગેના લાભ રહેલા છે. આ ફળ શક્તિવર્ધક માનવામાં આવે છે, જામફળનું નિત્ય સેવન પાચનતંત્ર સારું કરે છે, માનસિક તણાવ દૂર કરે છે.
જમવાની સાથે જામફળની ચટણી અને ભોજન પછી જામફળનો મુરબ્બો સતત ત્રણ મહિના સુધી ખાવાથી હૃદય રોગમાં લાભ થઈ શકે છે. અલબત્ત જમરૂખ ફળમાં પોષક તત્ત્વોનો ભંડાર હોવાથી તેમાં અનેકો પ્રકારનાં ઔષધીય ગુણધર્મો આવેલા છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે. જમરૂખમાં વિટામિન સી ઉપરાંત અલગથી અન્ય તત્ત્વો જેવાં કે લાઇકોપીન અને એન્ટીઓક્સીડેન્ટ્સ પુષ્કળ માત્રામાં જોવા મળે છે, જે સ્વાસ્થ્યને અનેક રોગો અને બીમારીથી રક્ષણ આપવામાં મદદ કરે છે અને તેમાં અંદરનો ગર લાલ ગુલાબી માવા જેવો નીકળતા એ સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ અને ખૂબ જ ગુણકારી લેખાયું છે.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.