કોરોના ( corona ) એ જાણે ફરી દેશમાં માથું ઉચક્યું છે. દેશમાં કોરોના વેક્સિન ( vaccine) ના આવ્યા બાદ લોકો નિશ્ચિંત બની ગયા હતા પરંતુ મહારાષ્ટ્ર ( maharastra) અને કેરળ ( kerala ) સહિત દેશના પાંચ રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ બંને રાજ્યો દેશના સક્રિય દર્દીઓમાં 74 ટકા હિસ્સો ધરાવે છે. કેરળના અલપ્પુઝા જિલ્લામાં લોકોએ હજુ વધુ જાગૃત રહેવાની જરૂર છે કારણ કે ચેપ દર એક અઠવાડિયામાં 10.7 ટકા પર પહોંચી ગયો છે. તે જ સમયે, રવિવારે મહારાષ્ટ્રમાં 6,281 નવા કેસ નોંધાયા છે. રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સોમવારથી રાજ્યમાં તમામ ધાર્મિક, રાજકીય અને સામાજિક મેળાવડા અને બીજા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કેરળ વિશે વાત કરીએ તો રવિવારે અહીં કોરોના વાયરસના 4,070 નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે અને કોવિડ -19 ચેપને કારણે 15 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય પ્રધાન કે શૈલજાએ જણાવ્યું હતું કે રાજ્યમાં વાયરસના અત્યાર સુધીમાં 10,35,006 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 4089 પર પહોંચી ગયો છે.
તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 57,241 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. નમૂનાઓના ચેપનો દર 7.11 ટકા છે. પ્રધાને એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, આજે ચેપગ્રસ્ત લોકોમાંથી 68 લોકો રાજ્યના બહારથી આવ્યા છે, જ્યારે સંક્રમિત વ્યક્તિના સંપર્કને કારણે 37૦4 લોકોને ચેપ લાગ્યો છે. જ્યાં 269 લોકોને ચેપ લાગ્યો છે તેની શોધ કરવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે 29 આરોગ્ય કર્મચારીઓને પણ ચેપ લાગ્યાં છે. દરમિયાન રવિવારે 4335 દર્દીઓએ ચેપને માત આપી હતી. રાજ્યમાં ચેપ મુક્ત બનેલા દર્દીઓની સંખ્યા 9,71,975 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલમાં 58,313 લોકો સારવાર લઈ રહ્યા છે.
રવિવારે કોરોના ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના અમરાવતી જિલ્લામાં એક સપ્તાહથી પૂર્ણ લોકડાઉન ( lockdown) ની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, જિલ્લાના અચલપુર શહેરને લોકડાઉનથી રાહત મળી છે. આ સમયગાળા દરમિયાન જિલ્લામાં ફક્ત જરૂરી સેવાઓ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં કોરોના ચેપની ગતિ ફરી વધી છે. ફેબ્રુઆરીના પહેલા અને બીજા અઠવાડિયામાં અહીં દરરોજ 2,000 થી વધુ દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી, પરંતુ હવે આ આંકડો 6,000 ને વટાવી ગયો છે. અહીં ઘણા શહેરોમાં, રાજ્ય સરકારે ફરીથી કડક વલણ શરૂઆત કરી દીધું છે. અમરાવતીમાં એક અઠવાડિયાનું લોકડાઉન લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે સોમવારે રાત્રે 8 વાગ્યાથી અમલમાં રહેશે.