ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં સ્થાનિક પક્ષો સાથે મળીને અથવા તેની સામે લડીને પોતાની સરકાર બનાવવામાં ભાજપને સફળતા મળી છે પણ પશ્ચિમ બંગાળ ભાજપની સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન છે. ભારતને સ્વતંત્રતા મળી ત્યારથી આજ દિન સુધીમાં ભાજપને પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવામાં સફળતા મળી નથી. પ્રારંભનાં વર્ષોમાં પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસનું રાજ હતું. ત્યાર બાદ ડાબેરી પક્ષોનું લાંબું શાસન આવ્યું.
મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં ૩૪ વર્ષ લાંબા ડાબેરી શાસનને સત્તા પરથી ઉથલાવી દીધું હતું. ૨૦૧૧ માં જ્યારે તેમણે પહેલી વાર મુખ્યમંત્રીપદ સંભાળ્યું, ત્યારે તેમના વિરોધીઓ જ નહીં પરંતુ કેટલાક રાજકીય વિશ્લેષકોએ પણ તેમની શાસન કરવાની ક્ષમતા અંગે શંકા વ્યક્ત કરી હતી. છેલ્લાં પંદર વર્ષોમાં આ શંકાઓ અને પ્રશ્નોના જવાબ બંગાળના રાજકારણ દ્વારા જ મળ્યા છે. મમતા બેનર્જી સતત ત્રણ વાર મુખ્યમંત્રી તરીકે ચૂંટાયાં હતાં. હવે પશ્ચિમ બંગાળ ફરી એક વાર વિધાનસભા ચૂંટણીના ઉંબરે છે, તેથી તેઓ તૃણમૂલ કોંગ્રેસના ચહેરા તરીકે ચોથી વખત ચૂંટણી મેદાનમાં ઊતર્યાં છે.
આવી સ્થિતિમાં જો મમતા તેમના પક્ષને ફરીથી વિજય તરફ દોરી જાય છે, તો તેઓ સતત ચાર વખત વિધાનસભા ચૂંટણી જીતીને ઇતિહાસ રચનારાં પશ્ચિમ બંગાળનાં પ્રથમ મુખ્યમંત્રી બની શકે છે. મમતા બેનર્જીને ચોથી વખત પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી બનતાં રોકવા માટે ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. ભાજપને બરાબર ખબર છે કે મમતા બેનર્જીની મુખ્ય મતબેન્ક મુસ્લિમો છે, માટે ભાજપ તમામ ઉપાયો વડે તેનો મુકાબલો કરવા ઝઝૂમી રહ્યું છે. મુસ્લિમો ઉપરાંત દલિતો, આદિવાસીઓ અને કેટલાક સવર્ણ હિન્દુઓ પણ મમતા બેનર્જીની પડખે છે.
ભાજપના પ્રયાસો આ મતબેન્કને પણ તોડવાના છે. આ ચૂંટણી મમતા બેનર્જી માટે અત્યાર સુધીની સૌથી મુશ્કેલ કસોટી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ચૂંટણીમાં તેમની સામે કયા રાજકીય પડકારો છે અને શું તેઓ તેનો સામનો કરી શકશે? મમતા બેનર્જી માટે ૨૦૧૧ ની ચૂંટણી ડાબેરી શાસનને દૂર કરવા માટેની ચૂંટણી હતી, જ્યારે ૨૦૨૬ ની ચૂંટણી પશ્ચિમ બંગાળને ભારતીય જનતા પાર્ટીથી બચાવવાની લડાઈ છે. ૨૦૨૧માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાઈ હતી, પરંતુ આ વખતે ચૂંટણી પંચે કહ્યું છે કે ચૂંટણી ફક્ત બે તબક્કામાં જ યોજાશે. રાજ્યમાં મતદાન ૨૩ એપ્રિલ અને ૨૯ એપ્રિલના રોજ થશે અને પરિણામો ૪ મેના રોજ જાહેર કરવામાં આવશે.
મમતા બેનર્જી સામે સૌથી મોટો પડકાર એન્ટી-ઈન્કમ્બન્સી એટલે કે સરકાર વિરોધી લહેર છે. મમતા રાજ્યમાં સતત ચોથી વખત સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેમની પાસે કાયદો અને વ્યવસ્થા, બેરોજગારી અને વિકાસને લગતા પ્રશ્નો છે, જેના જવાબ તેમણે આપવા પડશે. બીજો પડકાર SIR છે. આનાથી મમતા બેનર્જી પર નકારાત્મક અને સકારાત્મક બંને પ્રકારની અસર પડી શકે છે. મમતાએ તેની સામે શેરીઓથી લઈને સંસદ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી છે, જે તેમની એક મજબૂત નેતા તરીકેની છબી બનાવે છે અને તેમના સમર્થકોને એકતાનો સંદેશ પણ આપે છે.
આઝાદી પછી આ પહેલી વાર છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં કુલ મતદારોની સંખ્યામાં પાછલી ચૂંટણીઓની તુલનામાં ઘટાડો થયો છે. SIR ને પગલે રાજ્યમાં આશરે ૬૩.૬૬ લાખ મતદારોનાં નામ અંતિમ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે, જ્યારે આશરે ૬૦.૬૦ લાખ મતદારોનાં નામ હજુ પણ ચકાસણી હેઠળ છે. જેમનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે અથવા નિર્ણયની રાહ જોઈ રહેલાની યાદીમાં છે, તેમને હજુ પણ ચૂંટણી સમીક્ષા પ્રક્રિયા દ્વારા તેમનાં નામ ફરીથી સમાવવાની તક છે. ૨૦૨૧ની ચૂંટણીમાં રાજ્યમાં ૭.૩૪ કરોડ નોંધાયેલાં મતદારો હતાં અને કોવિડ યુગ દરમિયાન પણ ૮૨.૩ ટકાનું વિક્રમજનક મતદાન થયું હતું.
પાછલાં વર્ષોમાં તૃણમૂલ કોંગ્રેસ સામે ભ્રષ્ટાચારના વિવિધ આરોપો પણ મમતા બેનર્જી માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ પીડીએસ કૌભાંડ, પશુ તસ્કરી કૌભાંડ, શિક્ષક ભરતી કૌભાંડ, મંત્રીઓ અને અમલદારોની ધરપકડ વગેરે જેવા મુદ્દાઓ તૃણમૂલ કોંગ્રેસ સામે ગૂંજ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં આ મુદ્દા પર મતદાન થઈ શકે છે.
ખાસ કરીને કોલકાતા અને તેની આસપાસના શહેરી વિસ્તારોમાં મમતા સામે ગુસ્સો વધ્યો છે, તેથી તેને નિયંત્રિત કરવો એક પડકાર હશે. મમતા બેનર્જીએ એમ પણ કહ્યું હતું કે તેઓ SIR ને કારણે મતદાર યાદીમાંથી કોઈનું નામ કાઢી નાખવા દેશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ રાજ્યમાં વક્ફ એક્ટ લાગુ થવા દેશે નહીં, પરંતુ તેઓ આ બંને વચનો પૂરાં કરવામાં નિષ્ફળ ગયાં છે. આ બંને બાબતો અંગે લોકોના એક વર્ગમાં નારાજગી હોઈ શકે છે.
હકીકતમાં, વક્ફ સુધારા બિલનો પશ્ચિમ બંગાળમાં વ્યાપક વિરોધ થયો હતો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતે કહ્યું હતું કે તેને કોઈ પણ સંજોગોમાં રાજ્યમાં લાગુ કરવામાં આવશે નહીં. આ કાયદાના વિરોધમાં મુર્શિદાબાદ જિલ્લામાં મોટા પાયે સાંપ્રદાયિક હિંસા થઈ હતી, પરંતુ રાજ્યમાં ચાલી રહેલા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના ઘોંઘાટ વચ્ચે મમતા બેનર્જી સરકારે ગુપ્ત રીતે આ કાયદો લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. પશ્ચિમ બંગાળમાં સાંપ્રદાયિક મુદ્દાઓ પર મતદાન વધશે, જેનાં પરિણામો મમતા બેનર્જીને ભોગવવાં પડી શકે છે. મમતા બેનર્જી પણ સારી રીતે સમજે છે કે આ ચૂંટણી તેમના માટે સરળ નહીં હોય.
મમતા બેનર્જી દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં વિવિધ તબક્કાનાં મતદારોને રીઝવવા માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે, જેમ કે મહિલા મતદારોને આકર્ષવા અને તેમને એકીકૃત કરવા માટે લક્ષ્મી ભંડાર જેવી યોજનાઓ માટે ભંડોળ વધારવું, બેરોજગાર યુવાનો માટે બાંગ્લાર યુવા સાથી યોજના હેઠળ દર મહિને ૧,૫૦૦ રૂપિયાની નાણાંકીય સહાય પૂરી પાડવી, રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું ચૂકવવાનો નિર્ણય લેવો, પૂજારીઓ અને મુએઝીનોના માનદ્ વેતનમાં વધારો કરવો વગેરે વગેરે. આ તુષ્ટિકરણનાં પગલાંઓ દર્શાવે છે કે મમતા બેનર્જી આ વખતની સ્પર્ધાને સરળ માનતાં નથી અને તેઓ લોકોનો ગુસ્સો દૂર કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યાં છે.
હકીકતમાં, આર્થિક રીતે નબળી મહિલાઓને મદદ કરતી લક્ષ્મી ભંડાર યોજના ચૂંટણી પહેલાં જ વધારવામાં આવી હતી. આ યોજના હેઠળ SC/ST શ્રેણીની મહિલાઓને દર મહિને ૧,૨૦૦ રૂપિયા અને સામાન્ય શ્રેણીની મહિલાઓને દર મહિને ૧,૦૦૦ રૂપિયા આપવામાં આવતા હતા. હવે આ રકમમાં ૫૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બાંગ્લાર યુવા સાથી યોજના હેઠળ, રાજ્યના બેરોજગાર યુવાનોને નોકરી મળે ત્યાં સુધી દર મહિને ૧૫૦૦ રૂપિયાની નાણાંકીય સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સહાય ૨૧ થી ૪૦ વર્ષની વયનાં એવાં યુવાનો માટે છે, જેમણે ઓછામાં ઓછું ૧૦મું ધોરણ પાસ કર્યું છે અને હાલમાં રોજગાર શોધી રહ્યાં છે.
ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું ચૂકવવાનો પણ નિર્ણય લીધો હતો. આ અંતર્ગત, લગભગ નવ લાખ કર્મચારીઓ અને પેન્શનરોને લગભગ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના ડીએ એરિયર્સ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પહેલાં કરવામાં આવેલી જાહેરાતોને જનતા શંકાની નજરે જુએ છે. તેમ છતાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો કોઈ વિકલ્પ નથી. કોઈ પણ પક્ષના નેતાનો કરિશ્મા મમતા બેનર્જીના કરિશ્માની તુલનામાં ફિક્કો પડી જાય છે, તેથી મમતાનો પક્ષ હજુ પણ અન્ય પક્ષો કરતાં સારી સ્થિતિમાં છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.