નવસારી : વિજલપોર સૂર્યનગરમાં રસ્તા પર કચરો નાંખવા બાબતે બે ભાઈઓ અને દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડો થતા એક ભાઈએ બીજા ભાઈ પર તલવાર વડે હુમલો કર્યો, જેઠાણીએ ગર્ભવતી દેરાણીને પેટમાં મારતા મામલો વિજલપોર પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ ચારેય સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વિજલપોર સૂર્યનગર હનુમાન મંદિર પાસે સીમાબેન પવનભાઈ વૈરાગી એમના પરિવાર સાથે રહે છે. ગત 30મીએ સવારે સીમાબેનની જેઠાણી સંધ્યાબેન ઘરની બહાર કચરો વાળી સીમાબેનના ઘર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કચરો નાંખવા આવ્યા હતા.
ત્યારે સીમાબેને જેઠાણી સંધ્યાબેનને કચરો અહિયાં કેમ નાંખે છે તેમ કહેતા સંધ્યાબેન અપશબ્દો બોલવા લાગ્યા હતા. સીમાબેનના પતિ પવનભાઈ બહાર આવી જતા સંધ્યાબેન સીમાબેનના વાળ પકડી અપશબ્દો બોલી માર મારવા લાગ્યા હતા. જેથી સંધ્યાબેનના પતિ પંકજભાઈ બહાર આવી પવનભાઈને લાકડાનો દંડો લઈ માર મારવા લાગ્યા હતા.
જેના કારણે પવનભાઈને જમણા હાથમાં ફ્રેકચર થયું હતું. તેમજ જેઠાણી સંધ્યાબેન અને જેઠ પંકજભાઈએ સીમાબેન ગર્ભવતી હોવા છતાં પેટના ભાગે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અ બનાવ અંગે સીમાબેને વિજલપોર પોલીસ મથકે જેઠ પંકજભાઈ અને જેઠાણી સંધ્યાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સંધ્યાબેન ઘરની બહાર કચરો વાળી સળગાવવા જતા દેવર પવનભાઈ અને દેરાણી સીમાબેને સંધ્યાબેનને અપશબ્દો બોલી અહિયાં કેમ કચરો નાંખો છો તેમ કહી માર મારવા લાગ્યા હતા. દરમિયાન પવનભાઈ ઘરની બાજુમાં આવેલા મંદિરમાંથી તલવાર લાવી મારવા જતા પંકજભાઈએ હાથ આડો કરી દેતા તેમને હાથમાં ઈજાઓ થઈ હતી.
આ બનાવ અંગે સંધ્યાબેને વિજલપોર પોલીસ મથકે દેવર પવનભાઈ દેરાણી સીમાબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ કુલ 4 સામે ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એમ.આર. જાનીએ હાથ ધરી છે.