ખેડા: ખેડા નગરમાં આડેધડ ઉભા કરાયેલાં લારી-ગલ્લાં તેમજ પાથરણાવાળાને પગલે ટ્રાફિક સમસ્યા ખુબ જ વિકટ બની હતી. જેથી ખેડા ટાઉન પોલીસની ટીમે આજરોજ નગરના વિવિધ વિસ્તારોમાં નડતરરૂપ લારી-ગલ્લાં, પાથરણાંવાળાઓને હટાવી તેમજ દુકાનોની બહાર કાઢવામાં આવેલાં ગેરકાયદેસર દબાણો હટાવી રસ્તા ખુલ્લાં કર્યાં હતાં. આ ઉપરાંત પોલીસની ટીમે રસ્તા વચ્ચે આડેધડ પાર્ક કરેલી ગાડીઓની હવા પણ કાઢી નાંખી હતી.
ખેડા નગરના વિવિધ વિસ્તારોમાં દુકાનો બહાર કાઢવામાં આવેલાં ગેરકાયદેસર દબાણો ઉપરાંત લારી-ગલ્લાં તેમજ પાથરણાંવાળાઓના અડીંગાથી અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી રહી છે. ત્યારે, નગરના સાંકડા માર્ગો પર અવારનવાર સર્જાતાં ટ્રાફિકજામને પગલે નગરજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે. કેટલાક જાગૃત નાગરીકોએ આ મામલે પાલિકાતંત્ર સમક્ષ અનેકોવાર રજુઆતો કરી છે. પરંતુ, પાલિકાતંત્ર દ્વારા આવા દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવતી ન હતી.
દરમિયાન ખેડા ટાઉન પોલીસમથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.ખાંટ સહિતની પોલીસની ટીમે સોમવારના રોજ નગરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી હતી. બોડીવોર્ન કેમેરાથી સુસજ્જ પોલીસની ટીમે નગરના સરદારચોક અને તેની આસપાસના વિસ્તારોમાં દુકાનોની બહાર કાઢવામાં આવેલાં ગેરકાયદેસર દબાણો ઉપરાંત લારી-ગલ્લાં અને પાથરણાંવાળાઓને હટાવી, રસ્તા ખુલ્લાં કર્યાં હતાં. આ ઉપરાંત વીરભગતસિંહ ચોકમાં આડેધડ પાર્ક કરેલી ગાડીઓની હવા પણ કાઢી નાંખી હતી.
જે કામ ખેડા નગરપાલિકાએ કરવાનું હતું તે કામ ખેડા ટાઉન પોલીસે કર્યું છે. ત્યારે, નગરજનોએ પણ પોલીસની આ કામગીરીની પ્રસંશા કરી હતી. આ અંગે ખેડા ટાઉન પોલીસમથકના પી.આઈ આર.એન.ખાંટે જણાવ્યું હતું કે, ટ્રાફિક અને દબાણ બાબતની આ કાર્યવાહી આગામી એક સપ્તાહ સુધી કરવામાં આવશે. આગામી ટુંક સમયમાં સરદારચોક વિસ્તારમાં નવી પોલીસચોકી પણ ઉભી કરવામાં આવશે.