આણંદ : વિદ્યાનગરના શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ધો.12 સાયન્સના વિદ્યાર્થિનીને એકસ્ટ્રા કલાસના નામે બોલાવી તેની સાથે છેડછાડ કરી મોંઢે બચકા ભરનાર શિક્ષક સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. જોકે, આ ઘટના બાદ શિક્ષક ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસને તેને પકડવા દોડધામ શરૂ કરી છે. વિદ્યાનગરમાં રહેતી સગીરવયની વિદ્યાર્થિની નાના બજાર ખાતે આવેલા પ્રભુકાન્ત બંગલોમાં રહેતા કાન્તી એસ. પટેલ ઉર્ફે કે.એસ. પટેલના ઘરે બાયોલોજીનું ટ્યુશન માટે જતી હતી. તે બપોરના 3થી 4 અને રજાના દિવસે સવારના 10થી 12 અભ્યાસ કરવા જતી હતી. દરમિયાનમાં 6ઠી ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થિનીના ગાલ પર ઇજાના નિશાન જોવા મળ્યાં હતાં.
આ અંગે પૂછપરછ કરતાં સઘળી હકિકત જણાવતાં સૌ ચોંકી ગયાં હતાં. વિદ્યાર્થિનીએ પરિવારજનોને જણાવ્યું હતું કે, સવારમાં આઠ વાગે એકસ્ટ્રા કલાસીસમાં કે.એસ. પટેલે મકાનના ઉપરના માળે એકલી બેસાડી થોડીવાર ભણાવ્યા પછી શારીરિક અડપલાં કર્યા હતાં. બાદમાં સેક્સ સંબંધી વાતો કરી ગાલ પર તથા બોચી પર બચકાં ભરી દીધાં હતાં. જોકે, વિદ્યાર્થિનીની સહેલી આવતા કે.એસ. પટેલ બન્નેને અભ્યાસ કરાવવા લાગ્યાં હતાં અને સમય થતાં છોડી દીધાં હતાં. આ વાત જાણ્યા બાદ તેના પિતાએ વિદ્યાનગર પોલીસ મથકે કાન્તી એસ. પટેલ ઉર્ફે કે.એસ. પટેલ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વિદ્યાનગર પોલીસે કે.એસ. પટેલની ધરપકડ માટે તેના ઘરે પહોંચ્યાં હતાં. પરંતુ તે ભાગી છુટ્યો હતો. આથી, પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યાં છે.