વડોદરા : શહેરમાં રખડતા પશુઓનો ભારે ત્રાસ છે. ગાય બાદ હવે કુતરાઓ પણ શહેરીજનો માટે ત્રાસ રૂપ બની રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. શહેરમાં સમાવિષ્ટ કરાયેલા વેમાલી ગામમાં છેલ્લા ત્રણ દિવસમાં 10 લોકોને કૂતરાએ બચકું ભરતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. શહેર નજીક આવેલા વેમાલી ગામના રહીશો કુતરાના કરડવાના બનાવથી ભયમાં મુકાયા હતા.વેમાલી ગામમાં આવેલા બ્રાહ્મણ ફળિયા નજીક ફરતું એક કૂતરું છેલ્લા બે દિવસથી અનેક લોકોને બચકાં ભર્યા હોવાનું સપાટી પર આવ્યું છે. સ્થાનિક રહીશ અરવિંદભાઈના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી વિસ્તારમાં એક કૂતરું હડકાયું થયું હોવાથી અનેક લોકોને કરડી ચૂક્યું છે.
બે દિવસમાં 8 લોકોને કૂતરાએ બચકા ભર્યા છે. આ અંગે પાલિકાને જાણ કરતા તેઓએ ગુરુવારે આવીશું એમ કહ્યું હતું.જોકે ત્યારબાદ ગુરુવારે સવારે પણ બે લોકોને બચકાં ભરતા લોકોમાં ભારે દહેશત ફેલાઈ છે.બપોરે કૂતરા પકડવા માટે એક સંસ્થા આવી હતી.તેણે કૂતરાને પકડી લીધું હતું.જ્યારે અન્ય કુતરાઓનું ખસિકરણ કર્યું હતું.વેમાલીમાં રહેતા રહીશે જણાવ્યું હતું કે તે મોટા ફળિયામાં રહે છે.બુધવારે બપોરે તે સ્ટેશનરી લેવા માટે બ્રાહ્મણ ફળીયામાં જતાં એક કૂતરાએ તેમના પગે બચકું ભરી લીધું હતુ અને તેના કારણે પગ પર બે દાંત પડી ગયા હતા એટલે તેમને ઇન્જેકશન લેવા પડ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કૂતરાના ત્રાસથી ભયભીત વિસ્તારના રહીશો પોતાના નાના બાળકોને સ્કૂલ વાન સુધી જોડે મૂકવા જાય છે બાળકોને એકલા જવા પણ દેતા નથી.