SURAT

વરાછામાં ભાજપના કોર્પોરેટરે સરકારી ગ્રાન્ટમાંથી બાંકડા ખરીદી ટેરેસ પર મુક્યા, વીડિયો વાયરલ કરી લોકોએ મજા લીધી

સુરત: ભાજપ (BJP) સામાન્ય રીતે શિસ્તબદ્ધ પક્ષ મનાય છે. આથી તેના નગરસેવકો વિવાદમાં આવે તેવી હરકતોથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. જો કે, ભાજપમાંથી આપમાં આવેલા કોર્પોરેટરોને ભાજપની શિસ્તની કંઇ પડી ના હોય તેમ એકથી વધુ વખત વિવાદમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે આપમાંથી (AAP) ભાજપમાં આવેલા ઘનશ્યામ મકવાણાએ (GhanshyamMakwana) પોતાની ગ્રાંટમાંથી (Grant) લીધેલા બાકડા (Banches) સોસાયટી બહાર, બગીચા કે સામાન્ય લોકો ઉપયોગ કરે તેવી રીતે મૂકવાને બદલે પોતાના ઘરના ધાબા પર મૂકતાં વિવાદ થયો છે.

  • આપમાંથી ભાજપમાં આવેલા નગરસેવકે લોકસુવિધા માટેના બાકડા પોતાના ટેરેસ પર ગોઠવી દીધા!
  • ઘનશ્યામ મકવાણાએ કહ્યું: ‘પ્રસંગ હોવાથી બાકડા ટેરેસ પર મૂક્યા હતા, પાછા સોસાયટીમાં મૂકી દેવાશે’

વિસ્તૃત વિગતો મુજબ આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે સુરત મનપામાં બેસતા જ એવી જાહેરાત કરી હતી કે, કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી બાકડા મુકાય એ નાણાંનો વ્યય છે અને તેમાં કૌભાંડો પણ થાય છે. આથી વિપક્ષના એકપણ નગરસેવક બાકડા માટે ગ્રાન્ટ ફાળવશે નહીં. પરંતુ આપ નગરસેવક ઘનશ્યામ મકવાણાએ પોતાની ગ્રાન્ટમાંથી બાકડાનો ઓર્ડર આપ્યો હતો અને બાકડા સોસાયટીને બદલે પોતાના ઘરના ધાબા પર મૂક્યા હતા.

ભાજપમાં આવી ગયેલા અને વોર્ડ નં.4ના કોર્પોરેટર એ.કે.રોડ પર શ્રીજી નગર સોસાયટીમાં રહેતા ઘનશ્યામ મકવાણાએ ગ્રાંટમાંથી ફાળવાયેલા બાકડા પોતાની બિલ્ડિંગના ધાબા પર મૂક્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે અંગે નગરસેવક ઘનશ્યામ મકવાણાએ લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, અહીં સોસાયટીમાં એક પ્રસંગ હોવાના કારણે આ બાકડા તેઓએ ટેરેસ ઉપર મૂક્યા હતા અને પાછા સોસાયટીમાં મૂકી દેવાશે. જો કે, વિડીયો બાબતે એવું કહેવાઇ રહ્યું છે કે, આ બાકડા એક બે દિવસમાં નથી મુકાયા, ઘણા દિવસોથી છે.

Most Popular

To Top