વાંસદા : વાંસદા (Vansada) પંથકના ચારણવાડા ગામના સરપંચની દિકરી હેમાંગીએ પોતાની મરજીથી લગ્ન (Marriage) કરતા પિતાએ (Father) સાગરીતો સાથે મળી દીકરીના સાસરે જઈ મારામારી અને તોડફોડ કરી મારી નાંખવાની ધમકી આપી હતી.
- દિકરીએ પોતાની મરજીથી લગ્ન કરતા વાંસદાના ચારણવાડાના સરપંચે સાગરીતો સાથે મળી દીકરીના સાસરે જઈ મારામારી અને તોડફોડ કરી
પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ વાંસદા પંથકના પાટા ફળિયા ખાતે રહેતા હિરલ રાજુભાઈ પટેલની સાથે ચારણવાડા ગામના સરપંચની દિકરી હેમાંગી મહેશભાઈ કડવાએ પોતાની મરજીથી લગ્ન કર્યા હતા. હેમાંગીના પિતા મહેશ જગુભાઈ કડવા, ઉજ્જવલ મહેશભાઈ કડવા, કમલેશભાઈ જગુભાઈ કડવા (ત્રણે રહે. ચારણવાળા ડુંગરી ફળિયુ, વાંસદા) અને ચિંતુભાઈ (રહે. વડલી ફળિયુ વાંસદા તથા દિલીપભાઈ, તેમજ ચારણવાડા ગામના બીજા અન્ય માણસોને આ લગ્ન મંજૂર નહીં હોવાથી બધાએ એક સંપ થઇ સફેદ કલરની ફોરવ્હીલર ગાડીમાં પાટા ફળિયા ખાતે રહેતા હિરલ રાજુભાઈ પટેલના ઘરે જઇ હિરલને ‘અમારી દીકરી અમને આપી દો નહીંતર તને અને તારા ભાઈને જાનથી મારી નાખીશું’ એવી ધમકી આપી ગાળાગાળી કરી મહેશભાઈ કડવાએ હીરલના ભાઈ ધર્મેશને લાકડા થી ૪ થી ૫ ફટકા મારી લોહી લુહાણ કરી નાખ્યો હતો. ત્યારબાદ હિરલને પણ બધાએ ભેગા મળીને ઢોર માર મારી ઘરના સર સામાનને તોડી કાચની બારીઓની તોડીફોડ કરી નાખી ઘરમાં નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ કોઈકે ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરી દેતા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી હિરલભાઈ અને ધર્મેશભાઈને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. આ સમગ્ર બનાવ બાબતે મારામારી કરનાર તમામ સામે હેમાંગી હિરેનભાઈ પટેલે વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.
‘એક કરોડની નહીં આપે તો તારી સાથે પરિવારને પણ મારી નાખીશું’
નવસારી : વિજલપોરના એક શખ્સને અજાણ્યાઓએ ફોન કરીને એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને ખંડણી નહીં આપે તો પરિવાર સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ વિજલપોર પોલીસ મથકે નોંધાયાના કલાકોમાં જ નવસારી એલસીબીએ ધમકી આપનારા બે આરોપીઓની ધરપકડ કરી હતી.
- નવસારીમાં અગાઉ કામ કરી ગયેલા યુવાને જે મિત્ર સાથે મળીને માલિકને ધમકી આપી હતી
- પોલીસે ગણતરીના કલાકોમાંજ બંને ખંડણીખોરોને પકડી પાડ્યા
વિજલપોર ખાતે રહેતા અનસભાઇ મુસ્તાકભાઇ મુલતાનીએ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે તેને કોઇ અજાણ્યા શખ્સે મોબાઇલ ઉપર એક કરોડની ખંડણી માંગી હતી. મોબાઇલ ફોન ઉપર ખંડણી માંગવાની સાથે સાથે જો પૈસા નહીં આપે તો અનસ મુલતાની અને તેના પરિવારને જાનથી મારી નંખાશે એવી પણ ધમકી આપી હતી. આ અંગે વિજલપોર પોલીસ મથકે ફરિયાદ આપતાં જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયે નવસારી એલસીબી ઇન્સ્પેક્ટર ડી.એસ.કોરાટને સુચના આપતાં એલસીબીના પોસઇ એ.આર.સૂર્યવંશી, એમ.આર.વાળા તથા એસ.ટી.પારગી અને અન્ય કર્મચારીઓએ અલગ અલગ ટીમ બનાવીને આરોપીઓને ઝડપી બનાવવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા, ત્યારે એએસઆઇ સુનિલસિંહ તથા પો.કો. સંદિપભાઇને ટેક્નિકલ સોર્સ તથા માનવ ઇન્ટેલીજન્સથી મળેલી બાતમીના આધારે અનસ મુલતાનીને ત્યાં અગાઉ કામ કરી ગયેલા અફઝેને તેના મિત્ર ઝૈદ સાથે મળીને ધમકી આપી હોવાનું જણાતા તેમને પકડીને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે અફઝેન મોહંમદઆરીફ મેમણ અને તેના મિત્ર ઝૈદ શાહિદ શેખને પૈસાની જરૂર હોવાથી ફરિયાદી અનસ મુલતાની પાસેથી સારા પૈસા મળશે એવું અફઝેન જાણતો હતો. અનસ મુલતાની પાસેથી પૈસા કઢાવવાનો પ્લાન બનાવીને નવું સીમકાર્ડ ખરીદી ઝૈદ સાથે મળીને અફઝેને અનસ મુલતાનીને ફોન કરીને ધમકી આપી હતી.
આ બંને આરોપીઓને પકડી પૂછપરછ કરતાં તેઓએ ગુનાનો એકરાર કર્યો હતો. તેમની અંગજડતી લેતાં તેમની પાસેથી ગુનામાં વપરાયેલો સીમ નંબર સહિતનો મોબાઇલ ફોન તપાસ માટે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.