Dakshin Gujarat

‘અવાર નવાર પાવર કેમ કટ થાય છે’ કહી 3 કર્મચારીને માર મરાયો

વલસાડ : વલસાડના (Valsad) પીઠા ગામે વીજળી (electricity) ડૂલ થઇ જવાની ફરિયાદ બાદ ત્યાં ફોલ્ટ શોધી રીપેર કરવા ગયેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની (DGVCL) ટીમને ત્યાં ખૂબ ખરાબ અનુભવ થયો હતો. તેમના કર્મચારીઓને ત્યાંના એક સ્થાનિકે લાફો મારી માર મારતા મામલો પોલીસ (Police) મથકે પહોંચ્યો હતો.

  • વલસાડના પીઠા ગામે વીજ લાઇન શરૂ કરવા ગયેલા કર્મચારીઓ પર હુમલો

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડના પીઠા ગામે પાવર કટની ફરિયાદ મળતા ડીજીવીસીએલના ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ અંબેલાલ પટેલ ગતરોજ પીઠા ગામના પડારિયા ફળિયામાં ગયા હતા. જ્યાં તેમણે એક વખત ફ્યુઝ જોડી પાવર ફરીથી યથાવત કર્યો હતો, પરંતુ થોડી જ વારમાં ફરીથી પાવર કટ થઇ ગયો હતો. આવું બે વખત થતાં તેમણે વીજ તાર પર પડેલું બાવડનું લાકડું કાઢ્યું હતુ. જેના કારણે પાવર કટ થતો હતો.

ત્યારબાદ વીજ લાઇન શરૂ કરી આવી સમસ્યા અન્ય છે કે નહીં એ જોવા માટે તેઓ પગ પાળા પડારિયા ફળિયામાં જતા હતા. ત્યારે હિતેશ મનુ પટેલ નામના એક શખ્સે તેમની સાથે પાવર કટના નામે ઝગડો કરી એક લાફો ચોડી દીધો હતો. જેના પગલે અંબેલાલને બચાવવા આવેલા સુરેશભાઇ મોહનભાઇ પટેલ અને ડ્રાઇવર હિતેશ ગોવિંદભાઇ રાઠોડને પણ હીતેશ મનુ પટેલે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના પગલે અંબેલાલે હિતેશ વિરૂદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ધારાગીરી ઓવરબ્રિજ પર આપઘાત કરવા ગયેલો વેસ્માનો યુવાન ક્યાંક જતો રહ્યો
નવસારી : ધારાગીરી ઓવરબ્રિજ પર વેસ્માનો યુવાન આપઘાત કરવા ગયો હતો. પરંતુ તે યુવાને આપઘાત નહીં કરી ક્યાંક જતો રહ્યો હતો. જોકે પોલીસને તે યુવાનની બાઈક અને સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેથી પોલીસે તે યુવાનને શોધી પરિવારજનોને સોંપ્યો હતો.

  • પોલીસને યુવાનની બાઈક અને સ્યુસાઇડ નોટ મળતા શોધી પરિવારજનોને સોંપ્યો

જલાલપોર તાલુકાના વેસ્મા ગામે વશી ફળીયામાં સાગરભાઈ સુબોધભાઈ દેસાઈ (ઉ. વ. 33) તેમના પરિવાર સાથે રહે છે. ગત 19મીએ સાગરભાઈ તેમની બાઈક (નં. જીજે-21-એએફ-5121) લઈને નીકળ્યા હતા. પરંતુ મોડી સાંજ સુધી પરત ઘરે નહીં પહોચતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જેથી પરિવારજનોએ સાગરભાઈની મિત્ર વર્તુળ અને સગાં-સબંધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ તેમનો ક્યાય પત્તો લાગ્યો ન હતો. જે બાબતે સુબોધભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે તપાસ શરૂ કરતા ધારાગીરી ઓવરબ્રિજ ઉપરથી સાગરભાઈની બાઈક અને સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેથી સાગરભાઈએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસને લાગ્યું હતું. પરંતુ પોલીસને સાગરભાઈની લાશ મળી ન હતી. જેથી પોલીસે સાગરભાઈની તપાસ ચાલુ જ રાખી હતી. દરમિયાન પોલીસને સાગરભાઈ સહીસલામત હાલતમાં મળી આવતા તેમને પરિવારજનોને સોંપ્યા હતા.

Most Popular

To Top