Vadodara

વડોદરા જિલ્લામાં સૌથી વધારે ૬૯૯૭૪ હેક્ટરમાં વ્હાઇટ ગોલ્ડ તરીકે ઓળખાતા કપાસનું ખેડૂતોએ વાવેતર કર્યું

વડોદરા: સારા વરસાદને પગલે વડોદરા જિલ્લામાં કૃષિ સક્રિયતા વધી છે અને જિલ્લાની ખેતીલાયક પૈકી ૧૩૨૨૮૭ હેકટર જમીનમાં ધાન્ય, કઠોળ, તેલીબિયાં,અને કપાસ સહિત વિવિધ ૧૫ પ્રકારના કૃષિ પાકો લહરાઈ રહ્યાં છે.  જો કે નોંધપાત્ર વાવેતર કપાસ, ડાંગર, તુવેર, સોયાબીન, શાકભાજી અને ઘાસચારાનું છે અને અન્ય પાકોનું વાવેતર ઓછું છે.  જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ જણાવ્યું કે, જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં પ્રથમ વરસાદ થઈ ચૂક્યો છે ત્યારે વાવેતરની પ્રવૃત્તિ વેગવાન બનવાની આશા છે.

  યાદ રહે કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વડોદરા જિલ્લાના કુલ વાવેતર વિસ્તાર પૈકી ખરીફ એટલે કે ચોમાસું મોસમમાં સરેરાશ ૨૫૪૩૬૭ હેકટર જમીનમાં પાકો લેવામાં આવ્યા હતા.તેના અનુસંધાને કહી શકાય કે આ વર્ષે અત્યાર સુધીમાં ઉપરોક્ત સરેરાશ ના ૫૦ ટકા થી વધુ જમીનમાં વાવેતર વર્તમાન ખરીફ મોસમમાં થઈ ચૂક્યું છે. જિલ્લામાં સહુ થી વધુ ૬૯૯૭૪ હેક્ટરમાં સફેદ સોનાનું એટલે કે વ્હાઇટ ગોલ્ડ તરીકે ઓળખાતા કપાસનું વાવેતર ખેડૂતો એ કર્યું છે. કપાસનું વાવેતર જિલ્લાના ખરીફ મોસમ ના કુલ વાવેતરના ૫૦ ટકા થી વધુ છે એ પણ આંકડાઓ પર થી ફલિત થાય છે.

શ્રી નીતિન વસાવાએ જણાવ્યું કે,વર્તમાન મોસમમાં જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં ધાન્ય પાકોમાં ડાંગર,બાજરી,જુવાર અને મકાઈ,કઠોળ પાકોમાં તુવેર, મગ અને અડદ,તેલીબિયાંમાં મગફળી,તલ, સોયાબીન અને દિવેલા નું,કપાસ,ગુવાર, શાકભાજી અને ઘાસચારા નું વાવેતર કરવામાં આવ્યું છે.  આ પૈકી નોંધપાત્ર વાવેતર ની વાત કરીએ તો સહુ થી વધુ ૬૯૯૭૪ હેક્ટરમાં કપાસ,૧૭૫૪૮ હેક્ટરમાં તુવેર,૧૬૧૪૫ હેક્ટરમાં ઘાસચારો, ૧૨૭૭૬ હેક્ટરમાં શાકભાજી,૯૨૯૮ હેક્ટરમાં સોયાબીન અને ૫૯૩૦ હેક્ટરમાં ડાંગર વાવવામાં આવી છે.  અત્રે ઉલ્લેખનિય છે કે,  જિલ્લામાં તેલીબિયાં પાકોમાં પરંપરાગત મગફળી,તલ ની જગ્યાએ સોયાબીનનું વાવેતર નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું છે.

Most Popular

To Top