Business

પચ્ચીસ વર્ષમાં ભારતને વિકસીત દેશ બનાવવા સતત ખંતપૂર્વક પ્રયાસો કરવા પડશે

આવતા 25 વરસમાં ભારત ‘વિકસતા દેશ’ માંથી ‘વિકસિત દેશ’ બને એ માત્ર સ્વપ્ન જ ન રહેતા તે એક વાસ્તવિકતા બને તો દરેક ભારતવાસી ખુશ થાય તે સ્વાભાવિક છે. લાલ કિલ્લાપરથી પંદરમી ઓગસ્ટે નવમી વખત કરેલ રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માટેની જાહેરાત કરી, પ્રતિજ્ઞા લીધી. 2170 ડોલની માથાદીઠ આવક (2021) સાથે વિશ્વ બેંક ભારતને નીચી મધ્યમ (લોઅર મીડલ) આવકવાળા દેશ તરીકે ગણે છે. આઝાદીના સો વરસ પૂરા કરીએ (2017) ત્યાં સુધીમાં આપણી માથાદીઠ આવક વધે અને આપણી ગણના વિશ્વ બેંક દ્વારા ઉંચી આવકવાળા દેશમાં કરાય તો આપણે ‘વિકસિત દેશ’ની કક્ષામાં આવી શકીએ. આ વધેલી આવકની વહેંચણીમા પરિવર્તન આવે (અસમાનતા ઓછી થાય) એ દિશામાં આગળ વધવાની અને તે માટેની પ્રતિજ્ઞા લેવાની પણ એટલી જ જરૂર છે. વડાપ્રધાને દેશમાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર અને સગાવાદ નાબૂદ કરવા પર અને નવીનીકરણ (ઇનોવેશન) કરવા પર મૂકેલ ભાર પણ આપણી વિકાસની આગેકૂચ જારી રાખવા માટેના અનિવાર્ય પરિબળો છે.

આ જવાબદારી માત્ર સરકારની નહીં, પણ કેન્દ્ર અને રાજય સરકારોની, વિરોધ પક્ષોની અને પ્રજાના દરેક વર્ગની સહિયારી છે. બધા પક્ષો સંઘર્ષ (કન્ફ્રન્ટેશન)ને બદલે સહકાર (કો-ઓપરેશન)નો અભિગમ અપનાવશે તો દેશ માત્ર ‘વિકસિત’ દેશ નહીંપણ ભૂતકાળનો એનો ‘જગતગુરૂ’નો દરજ્જો પુન: પ્રાપ્ત કરશે. આજે વિશ્વમાં ત્રીજા નંબરનું આર્થિક કદ ધરાવતા આપણે આર્થિક સુપર પાવર બની શકીએ એવી ક્ષમતા આપણામાં છે. 1991ના આર્થિક સુધારાઓ પછી એ માટેના ચિહ્‌નો નજરે પણ પડે છે. હવે એ ટ્રેક પરથી ફંટાઇ ન જઇએ તો આપણી આવતી પેઢી માટે ‘વિકસિત દેશ’ બનવાનું સ્વપ્ન ચોક્કસ સાકાર થશે. આજ સુધી પર્યાવરણની જાળવણી પ્રત્યે સેવાયેલ ઉપેક્ષા કરવાનું હવે આપણને પરવડે તેમ નથી. આજના અર્થતંત્રની વાત કરીએ તો છૂટક ભાવ વધારામાં જૂલાઇ મહિને થયેલ ઘટાડા પછી જથ્થાબંધ ભાવાંક ત્રણ મહિના પછી પ્રથમ વાર 15 ટકાથી ઓછો (13.9 ટકા) થયો છે, જે છેલ્લા પાંચ મહિનાનો સૌથી નીચો છે. સતત બીજે મહિને આ ભાવાંક ઘટયો હોવા છતા તે છેલ્લા સોળ મહિનાથી બે આંકડામાં છે.

જુલાઇ મહિને ભાવાંકના ઘટાડાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલના ભાનો ઘટાડો (બેરલ દીઠ 100 ડોલરમાંથી 94 ડોલર) છે. ચીનનું અર્થતંત્ર ધીમુ પડતા ક્રૂડ ઓઇલની માંગના ઘટાડાને પરિણામે તેના ભાવો ઘટયા છે. ખાદ્ય ચીજો, ધાતુઓ અને કેમીકલ્સના ઘટેલા ભાવો પણ આ ઘટાડા માટે જવાબદાર છે. પરિણામે કોર ઇન્ફલેશન પણઘટયો છે. (902 ટકામાંથી 8.3 ટકા) ફુડ ઇન્ફલેશન આઠ મહિનાનો નીચો (8.7 ટકા) હતો. ઇલેકટ્રીસીટીની ટેરિફમાં વધારો ન થયો હોત તો ભાવાંકમા વધુ ઘટાડો થયો હોત. નજીકના મહિનાઓમાં સપ્લાય ચેઇન નોર્મલ થઇ શકે તેમ હોઇ અને વિશ્વના અનેક દેશોમાં મંદીની પણ સંભાવના હોઇ ભાવવધારો ધીમો પડી શકે.

2021-22 (જુલાઇ-જૂન)ના વરસે અનાજનું ઉત્પાદન (3160 લાખ ટન) છેલ્લા પાંચ વરસની સરેરાશ કરતા 250 લાખ ટન વધારે હતું. પણ 2022-23ના ચાલુ વરસે ચોખા, અડદ અને તુવેર માટેના વાવેતર કરાયેલ વિસ્તારમાં 53 ટકાનો ઘટાડો થયો છે. ઓગસ્ટ 12 સુધીમાં તો કેટલાક વિસ્તારમાં અનિયમિત વરસાદને કારણે ખરીફ પાકને થોડું નુકસાન પણ થયું છે. શહેરી વિસ્તારોમાં મેન્યુફેકચરિંગ અને બાંધકામ જેવા લેબર ઇન્ટેન્સીવ ક્ષેત્રોમાં કારરીગરોની માંગ વધી હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી ખેત મજૂરો અને કામદારોનું શહેરી વિસ્તારોમાં મોટા પાયે સ્થળાંતર થયું હોઇ પાકના વાવેતરનો અવકાશ પણ ઘટયો છે.

પરિણામે ચાલુ વરસે ચોખાના ઉત્પાદનમાં 100 લાખ ટન સુધીનો ઘટાડો થવાના અંદાજ છે (2021-22માં 1300 લાખ ટન હતું). તો પણ સરકાર પાસે ચોખાનો મોટો અનામત જથ્થો છે એટલે ચોખાની અછત ઉભી થવાના (અને ભાવ વધવાના) સંયોગો નબળા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના ભારે વરસાદને કારણે કઠોળના ઉભા પાકને ઠીક ઠીક નુકસાન થવાનું ખરીફ પાક ચાલુ વરસે ઓછો થવાની સંભાવનાને કારણે પ્રાયમરી (પ્રાથમિક ચીજવસ્તુઓ) ઇન્ફલેશન ઓછો થવાની એક મર્યાદા આવી શકે.

તાજેતરના ઘટાડા સાથે ક્રૂડ ઓઇલનાભાવ રશિયાના યુક્રેન પરના આક્રમણ (ફેબ્રુઆરી 24) પહેલાના નીચા લેવલની આસપાસ પહોંચી ગયા છે. ઓફશોર પાઇપ લાઇન પ્લેટફોર્મને થયેલ નુકસાનનું સમારકામ થઇ જવાને કારણે ક્રુડના ઉત્પાદનમાં પડેલ ભંગાણનો અંત આવી શકે તે શકયતાએ ક્રૂડનું ઉત્પાદન વધી શકે. આ અપેક્ષાથી પણ ક્રૂડના ભાવોના ઘટાડાને વેગ મળી શકે. ચીનમાં ફેકટરી અને રીટેઇલ એકટીવીટીના અનઅપેક્ષિત 10 ટકાના ઘટાડાને લીધે ચીનમાં ક્રૂડની માંગ 10 ટકા જેટલી ઘટવાનું લગભગ નિશ્ચિત જણાવાને લીધે પણ ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે. અર્થશાસ્ત્રીઓના 4.3 ટકાના વધારાની અપેક્ષા સામે જુલાઇમા ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં માત્ર 3.8 ટકાનો વધારો થયો. આને કારણે ચીનમાં રીફાઇનરી પ્રોડકટસના ઉત્પાદનમાં પણ ઘટાડો થયો. (રોજનું ઉત્પાદન 12.53 મિલિયન ટન (જે માર્ચ 2020 પછીનું સૌથી નીચુ છે.)

ન્યુકિલર ડીલ થોડા દિવસોમાં ફાઇનલ થવાના ઇરાને આપેલ સંકેતોને કારણે ઇરાનનું ક્રૂડ ઓઇલ આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ થઇ શકવાની આશાએ પણ ક્રૂડના ભાવો પરનું દબાણ હળવું કર્યું. મૂડી’સના એક અંદાજ પ્રમાણે 2024ના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટીને બેરલદીઠ 70 ડોલર સુધી નીચા જઇ શકે. તો ઓપેકના એક અહેવાલ પ્રમાણે ભારતમાં 2023માં પેટ્રોલીયમ પ્રોડકટસની માંગમાં 7.7 ટકાનો વધારો થશે. જે વિશ્વનો સૌથી મોટો વધારો હશે. ચીનમાં (1.2 ટકા), અમેરિકામાં (3.4 ટકા) અને યુરોપમાં (4.6 ટકા) આ વધારો ભારત કરતા ઓછો હશે.

2023માં ભારતમાં પેટ્રોલિયમ પ્રોડકટસની માંગનો સૌથી મોટો વધારો તેના ઝડપી આર્થિક વિકાસને આભારી છે. સારા યે વિશ્વમાં જયારે અનેક દેશોની કેન્દ્રવર્તી બેંકો વ્યાજના દર વધારી રહી છે ત્યારે ચીનની કેન્દ્રવર્તી બેંકે વ્યાજના દર ઘટાડવા પડયા છે. જુલાઇમાં ફેકટરી આઉટપુટના આંકડા તો નબળા આવ્યા. પણ કન્ઝયુમર સ્પેન્ડીંગમાં પણ ધારણા કરતા ઓછો વધારો નોંધાયો. વિશ્વના આર્થિક વિકાસના એંજીન ગણાતા ચીનમાં આર્થિક વિકાસ ધીમો પડવાની શરૂઆતથાય એટલે વૈશ્વિક આર્થિક વિકાસ મંદ પડવાની દહેશત ઉભી થાય. ચીનમાં આર્થિક પ્રવૃત્તિઓ અને આર્થિક વિકાક ધીમા પડે તો ચીન સાથે વેપાર કરતા દેશો ભારત ભણી નજર દોડાવે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

ચીન ભારતનો સૌથી મોટો બીજા નંબરનો વેપારમાં ભાગીદાર દેશ છે. ભારત તેનીકુલ નિકાસના પાંચ ટકા નિકાસ ચીનને અને કુલ આયાતના15 ટકા આયાત ચીનમાંથી કરે છે. ભારતમાં ઓછો, ઇલેકટ્રોનિક માલસામાન અને દવાના ઉત્પાદનમાં વપરાતો કાચો માલ ચીનમાંથી આયાત કરે છે. ચીનમાં માંગના સ્લો ડાઉનની મોટી અસર ભારતની નિકાસને થાય. એટલે જ જુલાઇ મહિને ભારતની નિકાસનો વધારો માત્ર બે ટકા જ હતો. સપ્લાય સાઇડના ભંગાણથી ભારતમાં ભાવ વધારો વકરી શકે. ચીનની આ નબળાઇનો લાભ ભારત કેટલો ઉઠાવી શકશે એવો પ્રશ્ન સહેજે થાય. કારણ કે ભૂતકાળમાં પણ આપણે આ લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છીએ.

વિશ્વના અન્ય દેશોની વાત કરીએ તો જુલાઇ મહિને અમેરિકામાં ફુગાવાનો દર ઘટયો છે. પણ યુકેમા આ દર વધ્યો (જૂનના 9.4 ટકામાંથી જુલાઇમાં 10.1 ટકા) છે. આમ યુકેમાં 40 વરસ પછી પહેલી વાર ફુગાવો બે આંકડામાં પહોંચ્યો છે. પરિણામ આવતે મહિને બેંક ઓફ ઇંગ્લેન્ડ ફરી એકવાર વ્યાજના દરમાં વધારો કરવાની વિચારણા કરશે. બેંક ઓફ ઇંગ્લેન્ડ ઓકટોબરમાં યુકેમા ભાવ વધારો 13 ટકાથી ઉપર પહોંચી જવાની ધારણા મુકે છે. 2023ની શરૂઆતમાં તે 15 ટકા જેટલો પણ થઇ શકે. એટલે ફરી એકવાર તે વ્યાજના દરમાં 50 બેસીસ પોઇન્ટનો વધારો કરે તો નવાઇ નહીં.

આ બધી અનિશ્ચિતતાઓ અને ઝડપથી બદલાતામેક્રો-ઇકોનોમિક પેરામીટર્સ વચ્ચે સેન્સેકસે 60000ની સપાટી ઓળંગી છે. જે છેલ્લા ચાર મહિનાની (એપ્રિલ પાંચ પછીની) સૌથી ઉંચી છે. હવે સેન્સેકસ તેના ઓલ ટાઇમ હાઇથી માત્ર ત્રણ-ચાર ટકા નીચો છે. ફેડ દ્વારા વ્યાજના દરના વધારાની ગતિ ધીમી પડશે એ ગણતરીએ વિદેશી પોર્ટફોલિઓનો ઇન્ફલો સતત વધી રહ્યો છે. ઓગસ્ટ મહિને આ ઇન્ફલો 2.8 બિલ્યન ડોલરનો રહ્યો છે. આ સાથે છેલ્લા નવ મહિના (ઓકટોબર 2021થી જૂન 2022)માં 33 બિલ્યન ડોલર પાછો ખેંચાઇ ગયા પછી જુલાઇ અને ઓગસ્ટમાં 3.5 બિલ્યન ડોલર પાછા આવ્યા છે. એમ.એસ.સી.આઇ. ઇન્ડિયા ઇન્ડેકસમાં છેલ્લા દોઢ મહિનામાં 14 ટકાના વધારા સાથે ભારતની ગણતરી વિશ્વના સૌથી શ્રેષ્ઠ પરફોર્મન્સવાળા પાંચ દેશોમાં થાય છે.

Most Popular

To Top