Madhya Gujarat

ડાકોરમાં નાયબ મુખ્ય દંડકે વૃક્ષારોપણ કર્યાંના ચાર દિવસમાં જ છોડ કરમાઈ ગયો

મોટાભાગના કાર્યક્રમોમાં વૃક્ષો વાવો….પર્યાવરણ બચાવોના સુત્રો હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત ગત તા.22-4-23 ના રોજ પણ ડાકોર ખાતે યોજાયેલાં યાત્રાધામ સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ સમયે ભાજપના સ્થાનિક હોદ્દેદારો તેમજ કાર્યકરો ફોટા પડાવવા માટે પડાપડી કરતાં નજરે પડ્યાં હતાં. પરંતુ, તેમાંથી એકપણ ભાજપનો હોદ્દેદાર કે કાર્યકરે વૃક્ષારોપણ કરેલ છોડની માવજત કરવાની તસ્દી લીધી ન હતી. જેથી માત્ર ચાર દિવસમાં જ છોડ કરમાઈ ગયો હતો.

ભાજપના યાત્રાધામ સ્વચ્છતા અભિયાન હેઠળ ગત તા.22મીના રોજ યાત્રાધામ ડાકોર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલાં આ સ્વચ્છતા અભિયાનમાં સ્થાનિક સાંસદસભ્ય ઉપરાંત જિલ્લાના તમામ છ ધારાસભ્યો સહિત જિલ્લાભરમાંથી ભાજપના હોદ્દેદારો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી, સફાઈનો ઢોંગ કર્યો હતો. જેને પગલે ભાજપના નેતાઓએ સફાઈ માટે નહીં પરંતુ, ફોટોસેશન માટે આ આયોજન કર્યું હોવાની ચર્ચા ચારેકોર ચાલી હતી. આ જ કાર્યક્રમ અંતર્ગત નાયબ મુખ્ય દંડક સહિત ભાજપના હોદ્દેદારોએ ડાકોર નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું હતું.

દરમિયાન ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરોએ વૃક્ષારોપણ સમયે નેતાઓની સાથે રહીને ફોટા પડાવ્યાં હતાં અને તે ફોટા સોશ્યલ મીડીયામાં મુકી વાહવાહી મેળવી હતી. પરંતુ, જે બાદ ભાજપનો એકપણ હોદ્દેદાર કે કાર્યકરે તે છોડની માવજત લેવા ફરક્યો ન હતો. બીજી બાજુ પાલિકા તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ છોડનું જતન કરવાનું ઉચિત સમજ્યું ન હતું. પરિણામ સ્વરૂપ નાયબ મુખ્ય દંડકના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલાં છોડ માત્ર ચાર દિવસમાં જ કરમાઈ ગયાં છે. ત્યારે, પાલિકાતંત્ર ઉપરાંત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોની આવી ઘોર બેદરકારીની ખુબ જ નિંદા થઈ રહી છે.

Most Popular

To Top