Comments

આમ તો શિક્ષણની રહીસહી ગુણવત્તા પણ મરી જશે

તાજેતરમાં, રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-9થી 12ના શિક્ષકની ભરતી માટે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા નવા નિયમો જાહેર થયા છે. તે મુજબ હવે પછી હાઇસ્કૂલના શિક્ષકની ભરતીમાં ટિચર એપ્ટિટયૂડ ટેસ્ટ (TAT) જ સર્વસ્વ ગણાશે. અન્ય તમામ શૈક્ષણિક લાયકાતના માર્કસ આઉટ કરી દેવાયા છે! અત્યાર સુધી શિક્ષક ભરતીના કુલ 100 ટકા મેરીટમાં ટાટના 70 ટકા અને શૈક્ષણિક લાયકાતના 30 ટકા ગણવામાં આવતા હતા. આ 30 ટકામાં સ્નાતક: 10, અનુસ્નાતક: 10, બી.એડ્‌: 5, એમ.એ.: 5 ગુણનો સમાવેશ થતો હતો. જો કે હવે ટાટ જ સર્વસ્વ કરાતાં, સ્નાતક, અનુસ્નાતક, બી.એડ્‌, એમ.એડ્‌.ના માર્કસની મેરીટમાં કોઇ જ ગણતરી કરવામાં નહીં આવે!!

શિક્ષણ વિભાગે આવો નિર્ણય શા માટે લેવો પડયો? કઇ થિંન્ક ટેંકે શિક્ષણ વિભાગને આવો નિર્ણય લેવા મજબૂર કરી? કારણો તપાસતાં જણાશે કે શિક્ષણ વિભાગને આપણી કોલેજો અને યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓનું જે મૂલ્યાંકન કરે છે તેમાં વિશ્વાસ નથી. કોલેજો-યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને તેના કેલીબર કરતાં ખૂબ ઊંચી ટકાવારીની લ્હાણી કરે છે અને કેટલીક કોલેજોએ આનો વેપલો શરૂ કર્યો છે આવી માન્યતા સરકારના મનમાં દૃઢ થઇ ગઇ છે એવું લાગે છે.

એક તબક્કે આ વાત સ્વીકારી લઇએ તો શું બધી જ કોલેજો અને યુનિવર્સિટીઓ આવો ધંધો કરે છે? અને જો કરે છે તો તેના પર નિયંત્રણ ન લાવી શકાય? બીજી તરફ સરકાર જે TATની પરીક્ષા લેશે તે શું સંપૂર્ણ પ્રમાણભૂત અને વિશ્વસનીય હશે? તેના પ્રશ્નપત્રો નહિ ફૂટે? તેમાં ગેરરીતિને કોઇ જ અવકાશ નહીં રહે? વૃક્ષના પાંદડાને સડો લાગે તો આખું વૃક્ષ મૂળસોતા ઉખેડી નંખાય? UPSC, GPSC, NET, NEET, JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે છબરડાઓ થાય છે તેવા TATની પરીક્ષામાં નહિ જ થાય તેની કોઇ ગેરંટી સરકાર પાસે છે?

મુદ્દાની વાત એ છે કે શિક્ષકનો વ્યવસાય એ કૌશલયુકત, કાર્યદક્ષતાને વરેલો વ્યવસાય છે. જેમાં વર્ગમાં જઇને પ્રત્યક્ષ શૈક્ષણિક પાઠો આપવા, માઇક્રો લેશન આપવા, ઇન્ટર્નશીપમાં શાળાનાં કાયમી શિક્ષકો જેવા કાર્યાનુભવો પ્રાપ્ત કરવા, શાળાનાં વિદ્યાર્થીઓને સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં સામેલ કરી તેની પ્રતિભાનો વિકાસ કરવો, પ્રત્યાયન કૌશલ વિકસાવવા, વર્ગ-વ્યવહાર અને વર્ગ-સંચાલન કેળવવાં, મહત્ત્વનાં સોપાનો છે. જે માત્ર સૈદ્ધાંતિક બાબતોના અભ્યાસથી ઉજાગર થઇ શકે નહિ. વર્ગખંડમાં અસરકારક રીતે ભણાવવાનું કૌશલ શાળામાં જઇ ખૂબ એકાગ્રતા અને સભાનતાથી મહત્તમ શૈક્ષણિક પાઠો આપવાથી જ આવે. થિયરી વાંચીને નહિ આવે.

બીજી મહત્ત્વની વાત. શાળા કક્ષાએ વિદ્યાર્થીઓમાં, જીવન કૌશલ્યો (Life Skills) વિકસાવવાનો હેતુ શિક્ષક-પ્રશિક્ષણનો મહત્ત્વનો હેતુ છે. તેથી ભાવિ શિક્ષકોએ સૌ પ્રથમ પોતાનામાં આ જીવનકૌશલ્યો વિકસાવવાં પડે. જીવનકૌશલ્યો માત્ર થિયરી વાંચીને, ટાટા પાસ કરીને નહિ આવે આટલું દીવા જેવું સ્પષ્ટ સત્ય પણ સરકારશ્રીને નથી સમજાતું?! એક બીજી ત્રિરાશી સમજીએ. બી.એડ્‌. બાદ, મોટા ભાગનાં પ્રશિક્ષણાર્થીઓ એમ.એડ્‌.નો અભ્યાસ કેમ કરે છે? તેમનાં બે પરપઝ હોય છે.

એક, પીએચ.ડી. કરી કોલેજમાં અધ્યાપકની કેરિયર બનાવવી. બીજું, જો ટાટાની પરીક્ષામાં ઓછા મેરીટને કારણે શિક્ષકની ભરતીમાં પાછા પડતાં હોય તો, મેરિટમાં એમ.એડ્‌.ના પાંચ ગુણ પ્રાપ્ત કરવા. આવા આશયથી જેમણે એમ.એડ્‌. પૂર્ણ કર્યું છે અથવા હાલમાં એમ.એડ્‌.નો અભ્યાસ કરી રહ્યા છે એવાં હજ્જારો વિદ્યાર્થીઓની આશા પર સરકારે એક જ ઝાટકે પાણી ફેરવી દીધું છે! એક તરફ પ્રકૃતિ રૂઠી છે! બીજી તરફ સરકાર!!

સરકારશ્રીના આ નિર્ણયથી હવે વિદ્યાર્થીઓ બી.એડ્‌., એમ.એડ્‌.નો અભ્યાસ માત્ર પાસ થવા પૂરતો, ડિગ્રી મેળવવા પૂરતો જ કરશે. આમ પણ બી.એડ્‌., એમ.એડ્‌.નો અભ્યાસ ઓન લાઇન મોડમાં વધુ ચાલે છે. વર્ગ ખંડમાં બહુ ઓછાં વિદ્યાર્થીઓ જોવા મળે છે. સરકારના આ નિર્ણયથી ઓન લાઇન મોડને વધુ પ્રોત્સાહન મળશે. જે થોડા-ઘણાં પ્રશિક્ષણાર્થીઓ સ્વયં રસપૂર્વક શૈક્ષિણક પાઠો આપે છે, ઇન્ટર્નશીપ કરે છે અને સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં સહભાગી બનતાં હતાં તેમાં ઉદાસીનતા આવશે અથવા વેઠ ઉતારશે. પૂરી એકાગ્રતા અને ક્ષમતા સાથે આ પ્રકારનું પ્રાયોગિક કાર્ય નહિ જ કરશે. તેથી પ્રથમદર્શીય જાત અનુભવોવાળા કૌશલયુકત પ્રાયોગિક કાર્યનું મહત્ત્વ ઘટશે અને માત્ર સૈદ્ધાંતિક વિષયોનું મહત્ત્વ માત્ર પાસ થવા પૂરતું મર્યાદિત રહેશે. પ્રશિક્ષણાર્થીઓ TATની પરીક્ષા પર જ ધ્યાન કેન્દ્રિત કરશે જેને પરિણામે રાષ્ટ્રને શિક્ષકો મળશે, માત્ર સૈદ્ધાંતિક માહિતીવાળા પોપટિયા શિક્ષકો! સરકારે 100 ટકા TATના કર્યા તેથી પ્રશિક્ષણાર્થીઓ પણ 100 ટકા કોલેજમાં ઉપસ્થિત રહેવાને બદલે 100 ટકા TATની તૈયારી ઘેર બસીને જ કરશે!

બી.એડ્‌., એમ.એડ્‌. કોલેજોનાં અધ્યાપકોમાં પણ પ્રાયોગિક કાર્યના આયોજન, અમલીકરણ અને મૂલ્યાંકન બાબતે ઉદાસીનતા જોવા મળશે. સરવાળે લાંબા ગાળે શિક્ષણ ખાડામાં નહિ, ઊંડી ગર્તામાં ડૂબી જશે! આમ પણ મોટા ભાગનાં અધ્યાપકો પ્રશિક્ષણાર્થીઓના આધુનિક વલણથી સંતુષ્ટ નથી! તેમને વર્ગ ખંડમાં ભણાવવાનો જે કાર્યસંતોષ મળવો જોઇએ તે મળતો નથી!! જો બી.એડ્‌., એમ.એડ્‌.ના માર્કસ, શિક્ષક ભરતીના મેરીટમાં ગણાવવાના નહિ હોય તો પ્રશિક્ષણાર્થીઓએ ઊંચી ટકાવારી માટે શા માટે મથવું જોઇએ? જે કાર્યનું ફળ જ નહિ મળવાનું હોય તે શા માટે હાથ ધરવું જોઇએ? ગીતામાં ભલે કહ્યું હોય: ‘કર્મ કર્યે જા, ફળની આશા નહિ રાખ.’ વાંચવામાં, સાંભળવામાં, બોલવામાં સારું લાગે વ્યવહારમાં આ વાત અસંભવ છે. ધીરજ, ખંત અને લગનથી બસ, ભણ્યે જા, ભણ્યે જા… ડિગ્રી કે ગ્રેડની અપેક્ષા નહિ રાખ આવું કહી શકાય?

વર્ષ: 2015થી બી.એડ્‌.નો અભ્યાસક્રમ 1 વર્ષને બદલે 2 વર્ષનો થયો. ઇન્ટર્નશીપને વધુ મહત્ત્વ અપાયું. આશય એવો હતો કે તેથી પ્રશિક્ષણાર્થીઓની ગુણવત્તા વધશે. શિક્ષણનું સ્તર ઊંચું આવશે. પરંતુ અધ્યાપકોના પ્રતિભાવો નિરાશાજનક અને ઊલ્ટા સાંભળવા મળે છે! આવું કેમ? આ પણ એક સંશોધનનો વિષય છે. શિક્ષણનો વ્યવસાય જ્ઞાનની સાધનાનો છે. તેમાં સાધના કરવી પડે! તપ કરવું પડે! હવે બધું ઇન્સ્ટન્ટ જોઇએ છે. વગર મહેનતે કે ઓછી મહેનતે જોઇએ છે. 9.99 CGPA, A++ જોઇએ છે! શિક્ષકની તાલીમ, પ્રશિક્ષણ, પરીક્ષણ અને મૂલ્યાંકન ખૂબ કઠિન અને આકરી કસોટી દ્વારા થવું જોઇએ. તેમાં કોઇ પણ પ્રકારની બાંધછોડ નહિ થવી જોઇએ. તો અને તો જ શિક્ષણનું સ્તર, શિક્ષણની ગુણવત્તા ઊંચી આવશે અને આપણે વિશ્વગુરુ કહેવાને લાયક બનીશું.

આપણે વિશ્વગુરુ બનવાનાં સ્વપ્નાં જોવાં છે. તે માટેના સક્રિય, નોંધપાત્ર પ્રયત્નો પ્રામાણિકપણે કરવા નથી. વિશ્વગુરુનાં સ્વપ્ના દેખાડવાવાળાં અને શિક્ષણની ધુરા સંભાળવાવાળાં શાસકો જ આવા અણઘડ નિર્ણયો લેતા હોય અને શિક્ષણમાં ખોટા ખોટા અખતરાઓ જ કરતા હોય તો આ દેશને કોઇ બચાવી ન શકે! ભગવાન પણ નહિ!! નવાઇ પમાડે તેવી વાત તો એ છે કે આ પ્રશ્ન જેને સ્પર્શે છે તેવા ભાવિ શિક્ષકો, અધ્યાપકો મૌન છે! એમણે કંઇ કહેવું નથી! આથી સૂચિત થાય છે કે સરકારશ્રીનો આ નિર્ણય એમને યોગ્ય લાગ્યો હશે. ખેર! લાંબા ગાળે આના પ્રત્યાઘાતો સારા નહિ હોય. શિક્ષણની રહી સહી ટકી રહેલી નામની ગુણવત્તા પણ મરી નહિ પરવારે તો મને કહેજો!! આશા રાખીએ, સરકારશ્રી સત્વરે આ નિર્ણય પાછો ખેંચે.
વિનોદ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top