Sports

મહિલા T20 એશિયા કપમાં ભારતીય ટીમે UAEની ટીમને 78 રનથી હરાવ્યું

ટી20 એશિયા કપ 2024માં ભારતીય મહિલા ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમે સતત બે મેચ જીતીને સેમિફાઇનલ તરફ પોતાના પગલા ભર્યા છે. ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. હવે ભારતીય મહિલા ટીમે UAEની ટીમને 78 રને હરાવ્યું છે. આ મેચમાં ભારતીય ટીમ માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે UAEની ટીમને જીતવા માટે 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં UAEની ટીમ માત્ર 123 રન જ બનાવી શકી હતી. ભારતની જીતમાં હરમનપ્રીત કૌર અને રિચા ઘોષે મહત્વની ભૂમિકા ભજવી છે.

પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યુએઈની ટીમની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે તીર્થા સતીશ માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ પછી રીનીથા રાજિત, સમાયરા ધરણીધારકાએ 7 રન બનાવ્યા હતા. યુએઈની ટીમ 36 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં જોવા મળી રહી હતી. પરંતુ આ પછી કવિશા એગોદાગે અને કેપ્ટન ઈશા ઓજાએ શાનદાર ઇનિંગ્સ રમી અને થોડો સમય વિકેટ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો. ઈશા 38 રન બનાવીને નવોદિત તનુજા કંવરના બોલ પર આઉટ થઈ હતી. કવિશા 40 રન બનાવ્યા બાદ અણનમ રહી પરંતુ તે પોતાની ટીમને જીત તરફ દોરી ન શકી. આ સિવાય ટીમનો કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. આ કારણે UAEએ 20 ઓવરમાં માત્ર 123 રન બનાવ્યા હતા. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. રેણુકા સિંહ, તનુજા, પૂજા વસ્ત્રાકર અને રાધા યાદવે એક-એક વિકેટ લીધી હતી. દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી.

હરમનપ્રીત કૌરે જોરદાર ઇનિંગ રમી
બીજી તરફ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલા ભારતીય ટીમ માટે બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હરમનપ્રીત કૌર અને રિચા ઘોષે અડધી સદી ફટકારી હતી. હરમનપ્રીતે 66 રન અને રિચાએ 64 રન બનાવ્યા હતા. આ સિવાય ઓપનર બેટ્સમેન શેફાલી વર્માએ 37 રનનું યોગદાન આપ્યું હતું. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. જેમિમાહ રોડ્રિગ્ઝ અને સ્મૃતિ મંધાના મોટી ઇનિંગ્સ રમી શકી ન હતી. ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. ભારતીય મહિલા ટીમે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વખત 200 પ્લસ રન બનાવ્યા છે. રિચા ઘોષને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે.

Most Popular

To Top