નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર આજે તા. 22 જુલાઈથી શરૂ થયું છે. આજે વિપક્ષે NEET પેપર લીકનો મુદ્દે જોરદાર પ્રશ્નો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘ મુદ્દો એ છે કે દેશમાં એવા લાખો વિદ્યાર્થીઓ છે જેઓ શું થઈ રહ્યું છે તેના વિશે ખૂબ જ ચિંતિત છે અને તેઓ એ બાબતથી દુઃખી છે કે ભારતીય પરીક્ષા પદ્ધતિ એક છેતરપિંડી છે. લાખો લોકો માને છે કે જો તમે શ્રીમંત હોવ અને તમારી પાસે પૈસા હોય તો તમે ભારતીય પરીક્ષા પદ્ધતિ ખરીદી શકો છો અને વિપક્ષ પણ એવું જ વિચારે છે.
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘આખો દેશ એ બાબતે સ્પષ્ટ છે કે આપણી પરીક્ષા પ્રણાલીમાં ખૂબ જ ગંભીર સમસ્યા છે. માત્ર NEETમાં જ નહીં પરંતુ તમામ મુખ્ય પરીક્ષાઓમાં કંઈક ખોટું છે. મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કેસમાં પોતાના સિવાય બધાને દોષી ઠેરવ્યા છે. મને નથી લાગતું કે તે અહીં શું થઈ રહ્યું છે તેના મૂળભૂત સિદ્ધાંતો પણ સમજે છે.
પ્રશ્નપત્ર લીકને લઈને વિપક્ષે હોબાળો મચાવ્યા બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેને જવાબ આપ્યો હતો. પ્રધાને કહ્યું, ‘છેલ્લા 7 વર્ષમાં પેપર લીક અંગે કોઈ પુરાવા નથી. આ કેસ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ચીફ જસ્ટિસ આની સુનાવણી કરી રહ્યા છે. NTA પછી 240 પરીક્ષાઓ થઈ છે. 5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી અને 4.5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો.
નોંધનીય છે કે, આવતીકાલે તા. 23 જુલાઈના રોજ સંસદમાં બજેટ રજૂ થવાનું છે. આ પહેલા આજે તા. 22 જુલાઈના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે રજૂ કરશે. આજથી શરૂ થયેલું સંસદ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. આમાં કુલ 19 બેઠકો યોજાવાની છે. આ સમયગાળા દરમિયાન સરકાર 6 બિલ રજૂ કરે તેવી ધારણા છે. આમાં 90 વર્ષ જૂના એરક્રાફ્ટ એક્ટને બદલવાનું બિલ અને જમ્મુ-કાશ્મીરના બજેટ માટે સંસદની મંજૂરીનો પણ સમાવેશ થાય છે. બિલની રજૂઆત દરમિયાન વિપક્ષ તરફથી હોબાળો પણ જોવા મળી શકે છે.
વડાપ્રધાન મોદીએ શ્રાવણ મહિનાની શુભકામના આપી
મોદીએ કહ્યું, ‘આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. આ શુભ દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થઈ રહ્યું છે. હું શ્રાવણનાં પહેલા સોમવારે દેશવાસીઓને મારી હાર્દિક શુભકામનાઓ આપું છું. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સમગ્ર દેશની નજર આના પર છે. આ સકારાત્મક સત્ર હોવું જોઈએ.