ભારત દેશ સંતોની ભૂમિ હોવાની ઓળખ ધરાવે છે. તો બીજી બાજુ જોઈએ તો મહાન સમાજ સુધારકો પણ પેદા થયા. સંતોની વાત કરીએ તો ખરા અર્થમાં જેમણે વૈષ્ણવ જન તો તેને રે કહીએ એવી રચના આપી તેવા ભક્ત કવિ નરસિંહ મહેતા, તો ‘મેરો તો ગિરધર ગોપાલ દુજા ન કોઈ’ તેવી રચનાના રચયિતા મીરાંબાઈ, જેનાં ભજનો આજે પણ કર્ણપ્રિય હોય તેવાં પાનબાઈ, ગંગાસતી વગેરે અનેક નામો ગણાવી શકાય. જ્યારે બીજી તરફ નજર કરીએ તો સમાજમાં સદીઓથી ચાલી આવતી અંધશ્રધ્ધા, વહેમો, કુરિવાજો, જ્ઞાતિવાદ, untouchability વગેરે નાબૂદ થાય તે માટે કવિ નર્મદે ડાંડિયો નામનું છાપુ કાઢી તે જમાનામાં જેહાદ જગાવી હતી. તો ભક્ત કવિ નરસિંહ મહેતા હરિજનવાસમાં ભજન ગાવા ગયા તો ન્યાત બહાર મૂક્યા હતા. સમાજસુધારા માટે અથાગ પ્રયત્નો કર્યા છે તેવા કબીર, રાજારામ મોહનરાય, રામાસ્વામી પેરિયાર, કાર્લ માર્ક્સ, મહાત્મા જ્યોતિબા ફૂલે, સાવિત્રી બાઈ ફૂલે, મહાત્મા ગાંધી જેવાં અનેક નામો ગણાવી શકાય.
આ કાર્યને આગળ ધપાવવા માટે સુરતમાં સત્ય શોધક સભાની સ્થાપના થઇ, અન્ધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો નાબૂદ થાય તે માટે જાણીતા રેશનાલિસ્ટ રમણ પાઠક દ્વારા ‘ગુજરાતમિત્ર’ વર્તમાનપત્રમાં “રમણ ભ્રમણ” કોલમ જીવ્યા ત્યાં સુધી ચલાવી. આટલા આટલા વિચારકોએ પોતાનું બલિદાન આપ્યું છતાં આ બદી નાબીદ નથી કરી શકતા. હજુ પણ અમુક જ્ઞાતિના હોવાના કારણે ભેદભાવનો ભોગ બનવું પડે તેવા અનેક દાખલા, સમાચારો વાંચતાં જણાય છે. સાહિત્ય ક્ષેત્રે પણ સમાજ સુધારણા માટે ખૂબ કામ થયું છે અને છેલ્લે બાબાસાહેબ આંબેડકરે ફકત ને ફકત શિક્ષણને જીવનનો મુદ્રા લેખ હોવાનો સંદેશો આપ્યો અને કાયદા દ્વારા જ આ બધી બદી નાબૂદ થઈ શકે તે માટે કાયદાઓ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. દેશ વિશ્વગુરુ તરફ બનવા જઈ રહ્યો છે કે પછી ગુરુઓ વિશ્વમાં ફેલાઈ રહ્યા છે કંઇ સમજાય છે ખરું?
સુરત – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.