Columns

ટાટાના વિવાદમાં ભારતના સૌથી જૂના ઉદ્યોગ ગૃહની આબરૂ દાવ પર લાગી ગઈ છે

રતન ટાટાના મૃત્યુના એક વર્ષ પછી ટાટા ગ્રુપમાં અનેક વિવાદો ઊભા થયા છે. નોએલ ટાટાના નેતૃત્વમાં ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બોર્ડ નિમણૂકો અને મેનેજમેન્ટ બાબતો પર વિવાદમાં ફસાયેલા છે. નોએલ ટાટા સાથે સંકળાયેલા એક જૂથ અને ચાર ટ્રસ્ટીઓના જૂથ વચ્ચે મતભેદો ઊભા થયા છે. આ જૂથનું નેતૃત્વ મેહલી મિસ્ત્રી કરી રહ્યા છે, જે શાપૂરજી પલોનજી પરિવારના સભ્ય છે, જે ટાટા સન્સમાં ૧૮.૩૭ હિસ્સો ધરાવે છે. આ આંતરિક સંઘર્ષ ૧૮૦ અબજ ડોલરના આ વિશાળ જૂથના સામ્રાજ્યને બરબાદ કરી શકે છે. ટાટા જૂથના વારસાને જાળવી રાખવા માટે સરકારી હસ્તક્ષેપનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે ભારતના સૌથી આદરણીય વ્યવસાય ગૃહોમાં પણ કોર્પોરેટ ગવર્નન્સ કેટલું તકલાદી હોઈ શકે છે.

રતન ટાટાનું ગયા વર્ષે ૯ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ ૮૬ વર્ષની વયે અવસાન થયું હતું. રતન ટાટાના ગયા પછી ગ્રુપમાં ઘણા વિવાદો પણ ચાલી રહ્યા છે. રતન ટાટાના અવસાન પછી તેમના સાવકા ભાઈ નોએલ ટાટાને ઓક્ટોબર ૨૦૨૪ માં ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નવેમ્બર ૨૦૨૪ માં નોએલને ટાટા સન્સના બોર્ડમાં પણ ઉમેરવામાં આવ્યા હતા. જો કે, ઘણા મિડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ નિર્ણય ટ્રસ્ટમાં સર્વસંમતિથી નહોતો કરવામાં આવ્યો. આના કારણે ટાટા સન્સનું નિયંત્રણ કરતા ટાટા ટ્રસ્ટમાં બોર્ડની બેઠકોને લઈને સીધા ભાગલા પડી ગયા છે.

એક જૂથનું નેતૃત્વ બોર્ડના સભ્ય નોએલ ટાટા કરી રહ્યા છે, જ્યારે બીજા જૂથનું નેતૃત્વ મેહલી મિસ્ત્રી કરી રહ્યા છે, જેમનું શાપૂરજી પલોનજી પરિવાર સાથે જોડાણ છે. ટાટા સન્સના બોર્ડની બેઠકો અંગેના વિવાદ વચ્ચે વરિષ્ઠ નેતૃત્વે ૭ ઓક્ટોબરના રોજ ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ૪૫ મિનિટની બેઠક યોજી હતી. સરકારે ટાટા કંપનીને અસર ન થાય તે માટે આંતરિક વિવાદનો ઝડપથી ઉકેલ લાવવા વિનંતી કરી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી શાહ અને નાણાંમંત્રી નિર્મલા સીતારમણ, ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા, વાઇસ-ચેરમેન વેણુ શ્રીનિવાસન, ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન અને ટ્રસ્ટી ડેરિયસ ખંભાટ્ટા હાજર રહ્યા હતા. ટાટા ટ્રસ્ટના બોર્ડની બેઠક હવે ૧૦ ઓક્ટોબરે મળશે.

આ સમગ્ર વિવાદ ૧૧ સપ્ટેમ્બરના રોજ ટાટા ટ્રસ્ટની બેઠકથી શરૂ થયો હતો. આ બેઠકમાં ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ વિજય સિંહને ટાટા સન્સ બોર્ડમાં નોમિની ડિરેક્ટર તરીકે ફરીથી નિયુક્ત કરવા અંગે ચર્ચા થવાની હતી. જો કે, સિંહે બેઠકમાં હાજરી આપી ન હતી. ટાટા ટ્રસ્ટમાં વિજય સિંહ સહિત કુલ સાત ટ્રસ્ટીઓ છે. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાના અવસાન બાદ ટ્રસ્ટોએ નિર્ણય લીધો કે ટાટા સન્સ બોર્ડમાં નોમિની ડિરેક્ટરોની ૭૫ વર્ષની ઉંમર પછી વાર્ષિક ધોરણે ફરીથી નિમણૂક કરવામાં આવશે. ૭૭ વર્ષીય વિજય સિંહ ૨૦૧૨ થી આ ભૂમિકામાં સેવા આપી રહ્યા હતા. પુનઃનિયુક્તિ માટેનો આ ઠરાવ નોએલ ટાટા અને વેણુ શ્રીનિવાસન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

જો કે, બાકીના ચાર મેહલી મિસ્ત્રી, પ્રમિત ઝવેરી, જહાંગીર એચ.સી. જહાંગીર અને ડેરિયસ ખંભાતાએ તેનો સ્પષ્ટપણે વિરોધ કર્યો હતો. આ ચારેય બહુમતીમાં હોવાથી ઠરાવને નકારી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ટ્રસ્ટીઓએ ટાટા સન્સ બોર્ડમાં મેહલી મિસ્ત્રીને તેમના નોમિની તરીકે પ્રસ્તાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, નોએલ ટાટા અને શ્રીનિવાસને તેમના પ્રસ્તાવને અવરોધિત કર્યો હતો. બેઠક પૂરી થતાં જ વિજય સિંહે ટાટા સન્સ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું હતું. મેહલી મિસ્ત્રીના નેતૃત્વ હેઠળના ચાર ટ્રસ્ટીઓ શાપૂરજી પલોનજી પરિવાર સાથે જોડાયેલા છે. પીટીઆઈ અનુસાર, મેહલીએ મુખ્ય નિર્ણયોમાંથી બાકાત રાખવામાં આવતા નારાજગી વ્યક્ત કરી છે. આખો વિવાદ ટાટા સન્સમાં ડિરેક્ટરપદ પર કેન્દ્રિત છે.

ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વચ્ચે વધતા સંઘર્ષનું એક મુખ્ય કારણ ટાટા ઇન્ટરનેશનલ લિમિટેડ (ટીઆઈએલ) ની ૧,૦૦૦  કરોડ રૂપિયાની ભંડોળ યોજના છે, જે ૨૦૧૦ થી નોએલ ટાટા દ્વારા ચલાવવામાં આવી રહી છે. ટાટા ઇન્ટરનેશનલ લિમિટેડ ૨૭ દેશોમાં કાર્યરત છે. ૧૧ સપ્ટેમ્બરના રોજ ટાટા ટ્રસ્ટની બોર્ડ મીટિંગમાં ટ્રસ્ટીઓ પ્રમિત ઝવેરી, મેહલી મિસ્ત્રી, જહાંગીર એચ.સી. જહાંગીર અને ડેરિયસ ખંભાટ્ટાએ આ ભંડોળ કેવી રીતે આગળ ધપાવવામાં આવ્યું તે અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. નોએલ ટાટા દ્વારા કોઈ પણ ટ્રસ્ટીને પૂછ્યા વિના આ ભંડોળનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુદ્દો એ નહોતો કે ટીઆઈએલને ભંડોળની જરૂર હતી કે નહીં, પરંતુ મુખ્ય મુદ્દો આટલો મોટો નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો તે હતો. ટાટાના ટ્રસ્ટીઓ માને છે કે આટલી મોટી મૂડીના ઉપયોગ પર સંપૂર્ણ ચર્ચા થવી જોઈતી હતી.

તેમણે જુલાઈમાં ટાટા મોટર્સ દ્વારા ઇવેકો ગ્રુપના નોન-ડિફેન્સ કોમર્શિયલ વાહન વ્યવસાયના સંપાદનનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તેમને તે વ્યવહાર વિશે મોડા તબક્કે જ જાણ કરવામાં આવી હતી. રતન ટાટાના અવસાન પછી નોએલ ટાટાનાં બાળકોએ પણ ટાટા ગ્રુપમાં નવી જવાબદારીઓ સંભાળી છે. માયા ટાટા (૩૬), લીહ ટાટા (૩૯) અને નેવિલ ટાટા (૩૨) ને મહિલાઓને સીવણ અને રસોઈ જેવા કૌશલ્યોમાં તાલીમ આપતી સર રતન ટાટા ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી મંડળમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.

ટાટા ગ્રુપ ટાટા ટ્રસ્ટ દ્વારા નિયંત્રિત છે, જે ટાટા સન્સમાં બહુમતી હિસ્સો ધરાવે છે. ટાટા સન્સ ટાટા ગ્રુપનું નિયંત્રણ કરે છે, જે એક વ્યાપારી સામ્રાજ્ય છે, જેમાં ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે. ટાટા ટ્રસ્ટનું બોર્ડ હવે બે જૂથોમાં વહેંચાયેલું છે. પહેલું જૂથ નોએલ ટાટા, વેણુ શ્રીનિવાસન અને વિજય સિંહનું બનેલું છે. બીજું જૂથ મેહલી મિસ્ત્રી, ડેરિયસ ખંબાટ્ટા, જહાંગીર અને પ્રમિત ઝવેરીનું બનેલું છે. મેહલી મિસ્ત્રીને રતન ટાટાની નજીકના માનવામાં આવતા હતા અને તેઓ રતન ટાટાના વસિયતનામાંના અમલકર્તા પણ છે. નોએલને રતન ટાટાના ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા. જો કે, કેટલાક ટ્રસ્ટીઓ તેમની આપખુદ પદ્ધતિએ નિર્ણય લેવાની શૈલીથી નારાજ જણાઈ રહ્યા છે.

ટાટા ગ્રુપના આંતરિક નિયમો અનુસાર, ટાટા સન્સને લગતા મોટા નિર્ણયો માટે ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓની મંજૂરી જરૂરી છે. આમાં ૧૦૦  કરોડ રૂપિયાથી વધુનાં રોકાણ અથવા ચેરમેનની નિમણૂક કે દૂર કરવા જેવા નિર્ણયો સામેલ છે. નોએલ ટાટાના નિર્ણયો સામે શાપૂરજી પલોનજી જૂથ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેથી, નોએલ ટાટા ગ્રુપ શાપૂરજી પલોનજી ગ્રુપને બહાર કાઢવાની તૈયારી કરી રહ્યું છે.

૨૦૧૬ માં સાયરસ મિસ્ત્રી અને રતન ટાટા વચ્ચેના વિવાદે તેમના સંબંધોમાં તિરાડ પાડી હતી. હવે, નોએલ ટાટા અને મેહલી મિસ્ત્રીના રૂપમાં બંને પરિવારો વચ્ચેનો વિવાદ ફરી ઊભરી આવ્યો છે. ટાટા ટ્રસ્ટમાં ગવર્નન્સ, પારદર્શિતા અને ટાટા સન્સના લિસ્ટિંગ અંગે મતભેદો ઊભા થયા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો અનુસાર ટાટા સન્સે સપ્ટેમ્બર સુધીમાં લિસ્ટ થવાનું હતું. લિસ્ટિંગ માટે હજુ સુધી કોઈ તૈયારી ચાલી રહી નથી. એવું માનવામાં આવે છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ટાટા સન્સને લિસ્ટિંગમાંથી મુક્તિ આપી છે.

પ્રશ્ન એ છે કે નોએલ એન. ટાટાને આટલી છૂટ કોણે આપી? જ્યારે તેઓ ટાટા ઇન્ટરનેશનલ લિમિટેડને ૩,૦૦૦ કરોડ રૂપિયાના નુકસાન તરફ દોરી જાય છે, ત્યારે તેમની સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? અને જ્યારે તે જ વ્યક્તિ ટાટા સન્સ પાસેથી બીજા ૧,૦૦૦ કરોડ રૂપિયા માંગે છે, ત્યારે તે તેમને વાંધો ઉઠાવ્યા વિના આપવામાં આવે છે. જો આવું કોઈ અન્ય કોર્પોરેટ હાઉસમાં બન્યું હોત તો શેરધારકોએ પહેલાંથી જ દાવો દાખલ કરી દીધો હોત, પણ અહીં બધું શાંત છે.

આ મૌનનું કારણ એ છે કે ટાટા સન્સના નોમિની ડિરેક્ટર્સ, જેમની એકમાત્ર ભૂમિકા માહિતી પહોંચાડવાની છે, તેમણે પોતાના માટે બધા દરવાજા ખોલી નાખ્યા છે. ટાટા સન્સના નિયમો સ્પષ્ટપણે જણાવે છે કે નોમિની ડિરેકટરો પોતાની મેળે મોટા નિર્ણયો લઈ શકતા નથી, પરંતુ જ્યારે આ નિયમોને અવગણવામાં આવે છે, જ્યારે ટ્રસ્ટીઓને અંધારામાં રાખીને અબજો અને ટ્રિલિયન રૂપિયાની હેરાફેરી કરવામાં આવે છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે ટાટા જૂથની પ્રતિષ્ઠા દાવ પર છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટાટા ગ્રુપની છબીનું રક્ષણ કોણ કરશે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top