કોરોનાના કેસ ઘટી જતાં ધીરેધીરે રાજ્યમાં તમામ પ્રવૃત્તિઓ સામાન્ય થઈ રહી છે. કોલેજ અને ધો.9થી 12ની શાળાઓ પણ શરૂ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી રાજ્યમાં ધો.6થી 8ના વર્ગો શરૂ થયા નથી. રાજ્યમાં કેટલીક શાળાઓ દ્વારા બારોબાર ફી લેવા માટે ધો.6તી 8ના વર્ગો શરૂ પણ કરી દેવામાં આવ્યા છે. જેને કારણે તેને દંડ કરવાની પણ સરકારને ફરજ પડી છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી ધો.6થી 8ના વર્ગો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી નથી. એવું હતું કે કદાચ આજે મળનારી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ધો.6થી 8ના વર્ગોના મામલે નિર્ણય લેવામાં આવે પરંતુ હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી. આગામી તા.15મી ઓગષ્ટ બાદ ધો.6થી 8ના વર્ગો શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે.
રાજ્યમાં કોલેજ અને ધો.9થી 12માં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે પરંતુ ધો.6થી 8 અને તેનાથી નાના ધોરણનું શિક્ષણ કાર્ય હજુ પણ અટવાયેલું જ છે. છેલ્લા દોઢ કરતાં પણ વધુ વર્ષથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. કોરોનાને કારણે સરકાર પણ સ્કૂલો શરૂ કરવા માટે કોઈ નિર્ણય લઈ શકતી નહોતી. ગુજરાતમાં એક તબક્કે કોરોનાના રોજના કેસનો આંકડો 25 હજાર સુધી પહોંચી ગયો હતો. જોકે, બાદમાં કોરોનાનો વાવર ઘટતાં અને વેક્સિનેશન ડ્રાઈવ જોરમાં ચાલતાં હાલમાં કોરોનાના કેસ ઘટી ગયા છે. કોરોના કેસ ઘટી જવા છતાં પણ સરકાર ધો.6થી 8ના બાળકોના મામલે હજુ પણ કોઈ જોખમ લેવા માટે તૈયાર નથી.
રાજ્યમાં ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા અંગે આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કોઈ નિર્ણય લેવાયો નહોતો. આગામી 15મી ઓગસ્ટ પછી આ વર્ગો શરૂ કરવા કે કેમ તે નિર્ણય લેવામાં આવશે. રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવા માટે કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે અંગે આગામી 15મી ઓગસ્ટ બાદ નિર્ણય લેવામાં આવશે. હવે પછીની યોજાનારી કેબિનેટ બેઠકમાં આ અંગે યોગ્ય નિર્ણય કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર બાકીના ધોરણો માટે સ્કૂલો ઝડપથી શરૂ કરવાનો નિર્ણય લે તે જરૂરી છે. કારણ કે વિદ્યાર્થીઓનું વર્ષ બગડી રહ્યું છે અને ઓનલાઈન શિક્ષણ એટલું અસરકારક નથી.