જિંદગી ગલે લગા લે… હમને તો તેરે હર એક ગમ કો ગલે સે લગાયા હે…હેના!’ રેડિયો પર ‘ઓલ્ડ ઈઝ ગોલ્ડ‘ પ્રોગ્રામ અંતર્ગત આ ગીત વાગતું હતું. પિસ્તાલીસ વર્ષનાં રીના હિંચકા પર ઝૂલતાં હતાં. રેડિયો પર વાગતાં ગીત સાથે એ પણ ગણગણતાં હતાં. ગીતના શબ્દો સાથે સહજ રીતે એમણે અનુસંધાન જોડ્યું, ‘આ ગીત મને પણ લાગુ પડે કે નહીં? મેં પણ જિંદગીમાં બધા પ્રકારનાં સમાધાન કર્યાં છે ને?’
માતા–પિતાને ત્યાં ત્રીજા સંતાનરૂપે દીકરી તરીકે એમનો જન્મ થયો હતો. મા–બાપ આધુનિક નહોતાં છતાં જુનવાણી પણ નહોતાં. એના જન્મે પેંડા વહેંચાયા હતા. દીકરી તરીકે જન્મ થયો એનો માતા–પિતાને ખાસ અફસોસ પણ નહોતો કારણ કે એમને સંતાનરૂપે એક દીકરો અને દીકરી ઓલરેડી હતાં પણ એ વધારાનું સંતાન હતી. ભૂલ ભૂલમાં પેદા થયેલું. એટલે જે લાડપ્યાર રીનાને મળવા જોઈએ તે મળ્યાં નહોતાં. પણ હા, ઘરમાં કોઈ કમી નહોતી. ન ખાવા–પીવાની કે ન પહેરવા- ઓઢવાની. કોઈ રોકટોક ન હતી. બસ જે કમી હતી તે માત્ર કદીક અનુભવાતી. કદીક માના સહેજ છણકામાં, ‘એક નંબરની કકળાણી છે.’
તો કદીક મોટા–ભાઈ બહેનના સાથેના ઝઘડામાં. ઝઘડો થતો ત્યારે ભાઈ–બહેન સંભળાવતાં, ‘તારું કાંઇ કામ જ ન હતું. આવી છો તો રહે!’ હાલરડાંની એક કડી ખાસ એને ચીડવવા માટે જ ગાવામાં આવતી,
‘તમે દેવના દીધેલ છો…આવી પડ્યા છો તો અમર થઇને રહો.’ એ બેઉ હસતાં અને રીના ચૂપ થઈને બેસી જતી. પણ દિલમાં જે ઠેસ વાગતી તેને કેવી રીતે બહાર કાઢવી તે સમજ ન પડતી. પછી મમ્મી પાસે ધમપછાડા કરતી, ‘મને રીંગણનું શાક નથી ભાવતું…કેમ બનાવ્યું?’ કારણ કે એ જાણતી હતી કે ભાઈને બહુ રીંગણ ભાવે છે! એ ફિલ્મ જોવા જતાં ભાઈ કે બહેન સાથે જવાની જીદ કરતી તો કદીક, ‘આજે જમવાનું કેમ આવું બનાવ્યું છે? નથી જમવું!’ કહી ભાણા પરથી ઊઠી જતી.
બસ એ છાનો તિરસ્કાર રીનાને આક્રમક અને જીદ્દી બનાવી દેતો. નાની હતી ત્યારે એ ફીલિંગ કેવી રીતે બહાર કાઢવી એને ખબર પડતી ન હતી. પણ આઠ–દસ વર્ષની થતાં એને સમજાઈ ગયું. ભાઇ–બહેન બન્ને ભણવામાં એવરેજ હતાં આથી પોતે ભણવામાં મહેનત કરતી. એથી સ્કૂલમાં માન મળવા લાગ્યું. તેથી ઘરમાં પણ એની હાજરીની નોંધ લેવાતી થઈ.
પોતાને ભાઈ–બહેન કરતાં ચડિયાતી સાબિત કરવા એ દરેક પ્રવૃત્તિમાં ભાગ લેતી. ભાઈ–બહેન કરતાં રીમા ભણવામાં જ નહીં ઇત્તર પ્રવૃત્તિમાં હોંશિયાર સાબિત થવા લાગી. જેથી મા–બાપ ગર્વથી સગાં–વહાલાંમાં કહેતાં, ‘અમારી રીના બહુ હોંશિયાર છે. બધાંમાં આગળ જ હોય!’
બસ આ સાંભળવા માટે રીના તનતોડ મહેનત કરતી હતી. જેથી આજે એની કારકિર્દી ભાઈ–બહેન કરતાં અનેકગણી સારી હતી. એના લગ્ન થયા તે યુવક એટલે કે રાજન પણ બહુ સારો માણસ હતો. સફળ બિઝનેસમેન હતો પણ તો ય આજે જિંદગીના પાંચમા દાયકામાં પણ કદીક એકલી પડતી ત્યારે સુખના હિંચકે હીંચકતી રીનાને નાનપણમાં વેઠેલો મૂંગો તિરસ્કાર કદીક અકળાવતો અને એ રેસ્ટલેસ થઈ જતી. પછી બીજી કોઈ પ્રવૃત્તિમાં મન પરોવી લે.
જો કે આજે રેસ્ટલેસ થવાનું કારણ વાજબી હતું.આજે સવારે જ ભાઈનો ફોન આવ્યો હતો, ‘મારાથી હવે મમ્મી સચવાતાં નથી…તું કે મોટી બહેન થોડા મહિના માટે લઈ જાવ.’ આ સાંભળીને રીનાને તાજુબી થઈ. મમ્મીનો લાડકો દીકરો જ એને સાચવવાની ના પાડે છે? મોટો ભાઈ નાનપણમાં પાતળો હતો એટલે એને માટે શીરો બનતો પણ એ ખાતો નહીં ને રીના એનામાંથી મોટાભાગનો ખાઈ જતી. પછી રીના જીદ કરીને પોતાના માટે ઘણી વાર શીરો બનાવડાવતી.
‘ભાઈ માટે જ બને, મારા માટે કેમ શીરો ન બને?’ આથી મમ્મી ઘણી વાર કહેતી, ‘રોઈને રાજ લે છે!’ એટલે જ આજે રીનાને મમ્મીને કહેવાનું મન થયું, ‘લે લેતી જા….દીકરાને બહુ લાડકોડ લડાવ્યા છે તો હવે તને જ રાખવા તૈયાર નથી.’ પણ એ બોલી નહીં. એણે ભાઈને તો સંભળાવ્યું જ, ‘મોટીબહેનને કે’ ને..! એ તો હાઉસવાઇફ છે. મારે જોબની સાથે મમ્મીને સંભાળવા પડે તે મને ન ફાવે.’
મોટાભાઈનું મોં કેવું થયું હશે આ સાંભળીને તેની કલ્પના કરવી એને ગમી. છાને ખૂણે સંતોષ થયો કે હવે મારો વારો આવ્યો છે. બહુ મને ચીડવી છે તો હવે ભોગવો. પણ મોટીબહેને મમ્મીને રાખવાની ના પાડી દીધી, કારણ તો આટલું જ, ‘મારાં સાસુ મારા દિયરને ત્યાં રહે છે. હવે હું મારાં મમ્મીને લાવું તો તારા જીજાને કેવું લાગે?’
પણ મોટીબહેનની ના પછી રીનાને હવે વિચારવાની ફરજ પડી. પોતે અને રાજન ઘરમાં બે જ વ્યક્તિ છે. વળી દીકરી આરોહી કોલેજમાં આવી છે એટલે હોસ્ટેલમાં રહે છે. ઘરમાં કામવાળી–રસોયણ બધાં જ મદદ કરવામાં છે. પછી મમ્મીને સાચવવા માટે એણે થોડોક સમય આપવા સિવાય બીજી કોઈ સેવાચાકરી ક્યાં કરવાની છે? પણ દિલમાં ખીજ છે. મમ્મી–ભાઈ–બહેન બધાં પ્રત્યે. હું તો વધારાની છું તેવો અહેસાસ કાયમ કરાવ્યો છે ને. તો હવે જોઈ લો. હું પણ દેખાડી આપું હું વધારાની છું.
બસ એ જ મુડમાં એ મમ્મીને મળવા ભાઈના ઘરે ઊપડી. કહ્યા વગર જ ગઇ જેથી સાચી પરિસ્થિતિ ખબર પડે. ઘરે પહોંચી તો મમ્મી રસોડામાં ભાખરી બનાવતી હતી. એ જોઈને જ એ બોલી પડી, ‘કેમ તારે રસોઈ કરવી પડે છે? ભાભી નથી?’
‘એને જરા હાથ ઝલાઈ ગયો છે તો એનો એ હાથ કામ જ નથી કરતો.’ એ ભાભીને જોવા એના રૂમમાં ગઇ તો હાથ જરાક ઝલાયો ન હતો પેરેલિસિસનો એટેક આવ્યો હતો એટલે એ કશું કરી શકે તેમ ન હતાં.‘રીનાબહેન અમે તો બહારથી ટિફિન મંગાવી લઈએ છીએ…પણ મમ્મીને હવે પંચોતેર વર્ષ થયાં. આ ઉંમરે એમનાથી કામ ન થાય ને!’
ભાઈએ કેટલી મોટી વાત છુપાવી! એ કહી શક્યો હોત કે મમ્મીના ભલા માટે જ એ સાથે રાખી શકે તેમ નથી પણ એના બદલે એણે અલગ રીતે વાત રજૂ કરી. પોતાની તકલીફ ન કહી. કદાચ ભાઈ એના મનોભાવ જાણતો હશે! પોતે કેટલું ખરાબ વિચાર્યું. એથી એને ક્ષોભ થઈ આવ્યો. રાજનને ફોન કરીને રીનાએ કહ્યું, ‘મારી મમ્મી આજથી આપણી સાથે રહેવા આવે છે. કાલથી ભાઈ–ભાભી માટે રોજ આપણા ઘરેથી ટિફિન જશે એટલે બાઈ રસોઈ કરે છે તો એને કહી દે કે કાલથી પાંચ જણની રસોઈ કરવાની છે!’ (શીર્ષક પંક્તિ: હર્ષ બ્રહ્મભટ્ટ)