સાગબારાનું નામ કઈ રીતે પડ્યું
સાગબારા એ વસાવા રજવાડું હતું. સાગબારા એ સમયે આવવું હોય તો દુર્ગમ સ્થિતિ બળદગાડા સિવાય કોઈ છૂટકો ન હતો. આ જગ્યાએ માટે લોકવાયકા છે કે અહીં સાગના બારા (ઝુંડ) મોટાં ઝાડો લઈને ગીચ વનરાવન હતું. ધોળે દિવસે પણ સૂરજનાં કિરણો જમીન ઉપર પડતાં ન હતાં. એ દિવસમાં ઘણા લોકો આ જગ્યાએ પ્રવેશતા ગભરાતા હતા. સમયાંતરે આ જગ્યા સાગના બારામાંથી અપભ્રંશ આજે સાગબારા પડી ગયું હતું. રજવાડા બાદ લોકશાહી પદ્ધતિ આવી ગઈ.
સાગબારા ગામમાં હિન્દુ, મુસ્લિમ અને આદિવાસી સમાજના લોકોનો મુખ્ય વસવાટ
સાગબારા ગ્રામ પંચાયતનું સરપંચ પદ મહિલાના હાથમાં
અંબિકા નદીના તીરે અને સળાની વચ્ચે વસેલું સાગબારા ગામ, દેશની આઝાદીને 78 વર્ષ બાદ પણ તાલુકા પેલેસ હોવા છતાં હજુ વિકાસની રાહ જુએ છે. ગુજરાત રાજ્યના પૂર્વ ભાગમાં છેલ્લો વિસ્તાર, માંડ થોડા કિલોમીટર દૂર મહારાષ્ટ્રની બોર્ડર આવી જાય છે. સાગબારા ગામમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં-753 રોડ બાજુમાં મહારાષ્ટ્ર રાજ્યને અડે છે. સાગબારા ગામ એ હિન્દુ, મુસ્લિમ અને આદિવાસી સમાજના લોકોના વસવાટનું કેન્દ્ર બની ગયું છે. દેશની આઝાદી પૂર્વે “ધી સાગબારા અને મેવાસી એસ્ટેટ (રજવાડું)” હસ્તક 115 ગામ હતાં. સાગબારાએ આજે પણ ઇકો સેન્ટર ગણી શકાય. ચારેકોર વનરાવન અને ચોમાસામાં લીલોતરી એ લોકોને તરોતાજા બનાવી દે છે. આ જગ્યા પર એકપણ ઉદ્યોગો ન હોવાથી લોકોને જીવનનિર્વાહ ચલાવવા માટે ખેતી કે અન્ય વ્યવસાય (વેપાર, ગેરેજ અને ડ્રાઈવિંગ) સાથે જોડાયેલા રહે છે. સાગબારા ગ્રામ પંચાયતનું સરપંચ પદ મહિલાના હાથમાં છે. જૂના જમાનાના આ ગામને સાથે અતૂટ નાતો રાખનારા અગ્રગણ્ય લોકો ધીમે ધીમે પણ સાગબારાને હવે અલવિદા કરી અન્ય જગ્યાએ વસવાટ કરે છે. જેના મૂળમાં જાવ તો સાગબારામાં ST બસ ડેપો અને ભૂતકાળમાં રેલવે લાઈનનો સરવે થયા બાદ છૂક…, છૂક…, ગાડીઓ જોવાનું નગરજનો માટે માત્ર સ્વપ્ન સમાન છે. સાગબારા ગામ આવતીકાલનું હરિયાળું ગામ બને એવા સંજોગો દેખાઈ રહ્યા છે.

મુઠ્ઠી ઊંચેરા માનવી રાષ્ટ્રપતિ સિલ્વર મેડલ મેળવનારા
કંચનભાઈ વસાવા

સાગબારાની ધરતી પર તલાટી ક્ષેત્રે રાષ્ટ્રપતિ સિલ્વર મેડલ મેળવી ચૂકેલા 65 વર્ષના કંચનભાઈ છીતુભાઈ વસાવા “મળવા જેવા માણસ” છે. ભલે તેઓ સાગબારામાં વસ્યા હોય પણ માદરે વતન હરિયાળું રાજપીપળા પાસે રૂંઢ ગામના વતની છે. તેમના પિતાજી છીતુભાઈ વસાવા પોતે પ્રામાણિક કર્મચારી તરીકે કામ કરતાં આજે તેમની પ્રતિષ્ઠા જોવા મળે છે. કંચનભાઈનો જન્મ 1960માં તેમના મોસાળ માલેથા ગામે થયો હતો અને બીજા વર્ષે સાગબારામાં રહેવા આવી ગયા. તેમનું બાળપણમાં પ્રાથમિક શિક્ષણ અને યુવાનીમાં માધ્યમિક શિક્ષણ સાગબારામાં લીધું હતું. કંચનભાઈની વિશેષતા એ હતી કે તેઓ સુલેખન સ્પર્ધામાં જે લખતા કે તેમના શબ્દો મોતીના દાણા જેવા હતા. જેને લઈને આ સ્પર્ધામાં પહેલો નંબર આવતો હતો. તેઓએ જૂની એસએસસીમાં અભ્યાસ કર્યો અને માત્ર વીસ વર્ષમાં જ તલાટી કમ મંત્રીની મોટા કાકડીઆંબામાં શરૂઆત કરી હતી. તેઓ સરકારી રેકર્ડ માટે ખૂબ જ સુવ્યવસ્થિત રાખતા હોવાથી તેમની છાપ ઉપલા અધિકારી માટે તેમને એક એસેટના રૂપમાં ગણતરી કરતા હતા. ખૂબ જ વિનમ્ર સ્વભાવ અને સમર્પણ ભાવના તેમના પરિવારના બ્લડમાં છે. તેમણે 23 વર્ષના કાર્યકાળમાં દત્તવાડા-નવાગામ, સજ્જનવાવ અને નાના કાકડીઆંબામાં નોકરી કરી હતી. મોટા કાકડીઆંબામાં નોકરીએ લાગ્યાને માંડ બે વર્ષમાં (વર્ષ-1982)માં તેમની વસતી ગણતરી માટે શ્રેષ્ઠ કામગીરીને લઈ તેઓ દેશના મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે સિલ્વર મેડલ અને સન્માનપત્ર મેળવી ચૂક્યા છે. તેઓએ વર્ષ-2003માં તેમની નોકરીમાંથી VRS લેતાં આજે રીટાયર્ડ લાઈફ વ્યતીત કરી રહ્યા છે. કંચનભાઈ વસાવા કહે છે કે દરેક નોકરિયાતોને એટલું જ કહેવા માંગું છે કે પોતાના કામમાં ખૂંપી જાવ અને પોતાની નોકરીને પ્રમાણિકતા જવાબદારી નિભાવો.
રાજવી વંશજ કેસરીસિંહ પ્રતાપસિંહ વસાવાનો ભવ્ય ઇતિહાસ

સ્થાનિક રાજવીકુળના વંશજ 55 વર્ષીય કેસરીસિંહ પ્રતાપસિંહ વસાવા આજે પણ તેમના ભવ્ય ઈતિહાસનાં સંસ્મરણો તાજા કરતા હોય છે. તેઓ બી.એ. સુધીનો અભ્યાસ કરી પરિવારની જવાબદારી માથે આવતાં ખેતી અને સામાજિક પ્રવૃત્તિ સાથે પ્રવૃત્તિ કરી રહ્યા છે. દેશની આઝાદી વખતે સાગબારા-મેવાસી એસ્ટેટના તત્કાલીન મહારાજા કરણસિંહ ફતેસિંહ વસાવા હતા. તેમના ભવ્ય ભૂતકાળમાં તેમના વારસોના નરબંકાઓ ખૂબ જ બહાદુરી અને હિંમતવાન હતા. સાગબારાના રાજવી દામજીસિંહ ખૂબ જ પ્રતાપી અને પ્રજાવત્સલ રજા હતા. કેસરીદાદાના હુલામણા નામે ઓળખાતા કેસરીસિંહ કહે છે કે, સાગબારામાં એક વાવ એવી ઐતિહાસિક છે કે સાગબારાથી જે બંકરમાં ઘૂસો તો છેક સોનગઢ કિલ્લામાં નીકળે છે.
વીર બહાદુર મહારાજા કુંવરજી “કિલ્લેદાર”ની અમર ગાથા
સાગબારા-મેવાસી રિયાસતના વંશજો અને આમજનો આજે પણ ગર્વથી એ ભવ્ય ઇતિહાસને યાદ કરે છે, જેમાં વીરતા, શૌર્ય અને બલિદાનની ગાથાઓ ગૂંજે છે. આ ગાથાઓમાં સાગબારા-મેવાસી રિયાસતનાં પાનાં ખોલીએ તો ત્યાં એક નામ ઝળહળે છે. વીર બહાદુર મહારાજા કુંવરજી ઉમેદજી વસાવા, જેમના શૌર્યની કથા આજે પણ લોકમુખે ગવાય છે અને જેમના નામ સાથે “કિલ્લેદાર”નું બિરુદ અમર થયું છે. સાગબારા રિયાસતનો ઇતિહાસ રાજપીપળા સાથે ઊંડે જોડાયેલો છે. જ્યારે ગાયકવાડી શાસને રાજપીપળા પર આક્રમણ કર્યું, ત્યારે રાજપીપળાના રાજાએ સાગબારાના શૂરવીર રાજા ઉમેદજી વસાવાની મદદ માંગી. એક પળનો પણ વિલંબ કર્યા વગર ઉમેદજી પોતાના તીરંદાજી દળ સાથે યુદ્ધભૂમિએ દોડી આવ્યા અને યુદ્ધના મેદાનમાં તેમની વીરતાએ શત્રુદળમાં તરખાટ મચાવ્યો. યુદ્ધ પછી રાજપીપળાના રાજદરબારમાં ઉમેદજીનું સન્માન એક રાજાને શોભે તેવું થયું હતું. આ ઘટના સાગબારાના ઇતિહાસનો એક સુવર્ણ પૃષ્ઠ બની રહી. એ જ વંશના અદ્વિતીય શૂરવીર હતા મહારાજા કુંવરજી ઉમેદજી. જેમને લોકો પ્રેમથી “કિલ્લેદાર” કહી બોલાવતા. તેમના પરાક્રમના પ્રસંગો આજે પણ સાગબારાના કણકણમાં જીવંત છે. તેમના વંશજ કેસરીસિંહદાદા આજે પણ ગર્વથી જણાવે છે કે કુંવરજીને “કિલ્લેદાર”નું બિરુદ એક અસાધારણ ઘટનાને કારણે મળ્યું. ગાયકવાડી રાજ્યનો સૈનિક જે કુંવરજીનો મિત્ર બની ગયો હતો, તેણે વિશ્વાસઘાત કરીને ગાયકવાડના રાજાને મળવાના બહાને બોલાવી તેમને બંદી બનાવ્યા અને ગોંદી-વાજપુર કિલ્લામાં કેદ કરી દીધા. વીરતાને વરેલા કુંવરજીએ તે સૈનિકને કહ્યું, “મારી ઘોડી લઈ આવો. તેના પર બેસ્યા પછી જે કરવું હોય તે કરો.” સૈનિકે પૂછ્યું, “ઘોડીની ઓળખ શું?” કુંવરજીએ જવાબ આપ્યો, “જેના વાળ જમીનને અડે, એ ‘ભૂતડી ઘોડી’ છે.” સૈનિકે ભૂતડી ઘોડી લાવી આપી. ઘોડી પર બેસતા જ એ કુંવરજી એક જ ફ્લાંગમાં આખો કિલ્લો ઓળંગી બહાર નીકળી ગયા. કહેવાય છે કે તેમના કાને તેમના કુળદેવી પાંડોરી માતાનો સાદ પડ્યો. દેવીના આદેશથી પ્રેરાઈ, કુંવરજીએ પાછા ફરી, કિલ્લા પર પરત ફર્યા. કુંવરજીએ ગર્જના કરી કહ્યું: “હું વીર છું, પીઠ બતાવવી એ મારો ધર્મ નથી.” આ શૌર્યથી પ્રેરાઈ, તેમણે વાજપુર કિલ્લો જીતી લીધો અને ગાયકવાડી રાજાને ખંડણી આપવા મજબૂર કર્યા. આ ઘટનાએ તેમને “કિલ્લેદાર”નું બિરુદ અપાવ્યું. તેમનાં પરાક્રમો એટલા અદ્વિતીય હતાં કે, બ્રિટિશ સામ્રાજ્ય સામે ઝૂકવાને બદલે, તેમણે લડવાનું પસંદ કર્યું. આજથી સદીઓ પહેલા, જ્યારે મોટા ભાગના શાસકો અંગ્રેજો સામે માથું ઝુકાવી દેતા હતા, ત્યારે કુંવરજી બહાદુરીથી લડ્યા અને પ્રજાને સંઘર્ષની શક્તિ શીખવી. વાજપુરનો કિલ્લો આજે તાપી નદીના પાણીમાં ડૂબી ગયો છે, પરંતુ કિલ્લાના પથ્થરોથી પણ ઊંચી તેમની ઓળખ આજે પણ જીવંત છે, કુંવરજી “કિલ્લેદાર”ની ઓળખ છે. આ ગાથા માત્ર યુદ્ધની કથા નથી; એ સિંહૃદયની ધડકન છે, જેમાં સ્વાભિમાન, નિષ્ઠા અને દેવીની શક્તિનો સમન્વય છે. તેમની ભૂતડી ઘોડીના ટાપુઓનો નાદ આજે પણ ગૂંજે છે અને તેમની વીરતા આપણને યાદ અપાવે છે કે સાચો વીર કદી પીઠ નથી બતાવતો. આજે જ્યારે કેવડિયા ખાતે રજવાડાઓનું મ્યુઝિયમ ઊભું થઈ રહ્યું છે, ત્યારે પ્રજાની ઇચ્છા છે કે સાગબારા એસ્ટેટના આવા બીજા પણ વીર મહાપુરુષોની તસવીરો, તૈલીચિત્રો અને ગૌરવગાથાઓ ત્યાં સ્થાન પામે. કેમ કે, ઇતિહાસ ફક્ત વાંચવાનો વિષય નથી તે તો આવનારી પેઢીને પોતાના મૂળ સાથે જોડવાનો જીવંત પુલ છે.
સાગબારા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ અમૃતાબેન તડવી

આજની મહિલા અબળા નહીં પણ સબળા બની છે. સાગબારા ગ્રામ પંચાયતનાં સરપંચ તરીકે અમૃતાબેન વીરસિંહભાઇ તડવી લગભગ ત્રણ વર્ષથી જવાબદારી નિભાવી રહ્યા છે. તેમનું પિયર મહારાષ્ટ્રના ખાપર ગામ હોવાથી ભલે ભણતર ઓછું હોય પણ તેમનામાં સમજદારી ખૂબ જ વધુ છે. 37 વર્ષનાં અમૃતાબેન વસાવા સાગબારા ગ્રામ પંચાયતમાં સરપંચ બેઠક મહિલા આવતાં તેઓએ ચૂંટણી જંગમાં ઉમેદવારી કરી હતી અને સરપંચ તરીકે વિજયી બન્યાં હતાં. તેમનું એક જ ધ્યેય છે કે ગામમાં વિકાસનાં કામો કરવામાં મન બનાવી લીધું હતું. જે માટે ખાલી ત્રણ વર્ષમાં જાહેર શૌચાલય, પેવર બ્લોક, RCC રોડ, સંરક્ષણ દીવાલો, આંગણવાડી, ગટર લાઈન સહિતનાં કામો કર્યાં છે. સરપંચ અમૃતાબેન વસાવા કહે છે કે, ગ્રામ પંચાયતમાં દરેક સભ્યોનો સહયોગ અને કેટલાંક કામો સલાહ અને સૂચનોથી કરીએ છીએ.
સાગબારા ગામ તાલુકો મથક હોવા છતાં હજુ બે રાજ્યને પરિવર્તિત કરતી ST બસ ડેપોનો અભાવ

દેશની આઝાદી બાદ દ્વિ-ભાષીમાં મુંબઈ સ્ટેટ ગુજરાત છૂટું પડ્યાને વહાણા વીતી ગયાં ત્યારે સાગબારા તાલુકો મથક બન્યું. ગુજરાત અને મહારાષ્ટ્ર સરહદે આવેલો સાગબારા તાલુકો હજુ આજે પણ વિકાસ ઝંખે છે. સાગબારા તાલુકામાં ST બસ ડેપોની સુવિધા નથી. બંને રાજ્યમાં બસ વ્યવસ્થા મોટી આવક રળી આપતા, છતાં સુવિધાનો અભાવ છે. જેને કારણે તમામ ક્ષેત્રે વિકાસ અટક્યો છે.
સાગબારા ખાતે 2700 પુસ્તકનું ગ્રંથાલય

તાલુકા પેલેસ સાગબારામાં પુસ્તકાલય હજુ ગત તા.27મી માર્ચ-2025ના રોજ ચાલુ કરવામાં આવ્યું હતું. મૂળ તો વર્ષો પહેલા સાર્વજનિક પુસ્તકાલય હતું. પરંતુ તાલુકા કક્ષા તરીકે પુસ્તકાલય રૂપાંતરિત કરવામાં આવતાં આજે પુસ્તકોનું મંદિર બની ગયું છે. અહીં લગભગ 2700 ગુજરાતી, હિન્દી, નવલકથા, બાળવાર્તા, સ્પર્ધાત્મક પરીક્ષાનાં દળદાર પુસ્તકો છે. જો કે, હમણા શરૂઆત થતાં માંડ 30 જેટલા વાચકો જોડાયા છે. આ પુસ્તકાલયમાં પાડવી નયનાબેન સુકાભાઈ અને વલવી ઇલાબેન ભરતભાઈ કર્મચારી તરીકે કામ કરી રહ્યાં છે.