Business

ભારતની આર્થિક પરિસ્થિતિ પ્રમાણમાં સધ્ધર હોવા છતા કેમ રૂપિયો ડોલર સામે ઘસાતો જાય છે ?

રશિયાની વધતી જતી ધાકધમકીઓ વચ્ચે બ્રિટન અને ચીનમાં આખરે જે થવાનું હતું તે થઇને રહ્યું છે. તેમણે ઉતાવળે લીધેલા આર્થિક નીતિવિષયક નિર્ણયોને કારણે રોકાણકારોનો વિશ્વાસ ગુમાવતા લિઝ ટ્રસને માત્ર દોઢ મહિનાના ટૂંકા ગાળામાં બ્રિટનના વડાપ્રધાનપદેથી રાજીનામુ આપવાની ફરજ પડી છે. પરિણામે ભારે આર્થિક સમસ્યાઓ (ભાવ વધારો, ચીજવસ્તુઓની શોર્ટેજ)નો સામનો કરી રહેલબ્રિટન હવે અભૂતપૂર્વ રાજકીય કટોકટીમાં સપડાયું છે. રશિયા-યુક્રેન યુધ્ધનો નિવેડો આવે એ પહેલા જ ચીને તાઇવાનને ફેંકેલા પડકારથી વિશ્વમાં જીઓપોલિટીકલ તણાવ વધ્યો છે.

અમેરિકામાં સતત વધતાવ્યાજના દર વચ્ચે છેલ્લા થોડા વરસોમાં ઉત્પાદકતા પ્રોડકટીવીટી અને વેતન (વેજીસ)ના આંકડા મેચ ન થતા યુનિયનો માથુ ઉંચકવા માંડયા છે. મંદીમા સપડાયેલસુપરપાવર અમેરિકાના ડોલર અને અન્ય દેશોના ચલણો વચ્ચેનું ધમસાણ યુધ્ધ ઉગ્ર બનતું જાય છે. ‘ધી ઇકોનોમિસ્ટ’ દ્વારા નિયમિતપણે મોનીટર કરાતા 34 મુખ્ય દેશોના ચલણમાંથી 30 દેશોના ચલણ (રશિયા, બ્રાઝિલ, મેકિસકો અને પેરૂ સિવાયના)નું છેલ્લા એક વરસમાં ડોલર સામે અવમૂલ્યન થયું છે.
ભારતની આર્થિક પરિસ્થિતિ પ્રમાણમાં સધ્ધર હોવા છતા રૂપિયો ડોલર સામે ઘસાતા ઘસાતા 83ની નીચી સપાટી કૂદાવી છે.

રૂપિયો 2022ના અંત સુધીમાં કે માર્ચ 2023 સુધીમાં 85ની નવી નીચી સપાટી સર કરશે એવી આગાહીઓ થઇ રહી છે.
સપ્ટેમ્બર મહિને ચાલુ થયેલ વિદેશી પોર્ટફોલિઓ મૂડીનો આઉટફલો ઓકટોબર મહિને પણ ચાલુ રહ્યો છે. તહેવારોની મોસમને કારણે છૂટક ધિરાણની માગ વધતા ચાલુમહિને (15 તારીખ સુધી) બેંક ધિરાણમાં 18 ટકાનો વધારો થયો છે. ધિરાણ માટેની માંગ વધતા સ્ટેટ બેંક સહિતની બેંકોએ ડિપોઝીટ પરના વ્યાજના દર વધારવા માંડયા છે.

સરકારે ઘઉં, ચોક્કસ જાતના કઠોળ, રેપસીડ મસ્ટાર્ડ અને સનફલાવર જેવા શિયાળુ પાકના લઘુતમ ટેકાના ભાવ વધારીને કિસાનોની દિવાળી સુધારી છે. આ વધારા પેલા ભાવોને લઇને ખેડૂતોને આ પાકના ઉત્પાદન માટે પ્રોત્સાહન મળશે.
યુએનના એક અહેવાલ પ્રમાણે છેલ્લા 15 વરસમાં આપણે ત્યાં 42 કરોડ જેટલા લોકોએ ગરીબાઇની રેખા ક્રોસ કરી છે. કેટલીક મર્યાદાઓ સાથેના હંગર (ભૂખમરો) ઇન્ડેકસમાં વિશ્નના121 દેશોમાં ભારતનો નંબર 107મો છે. ગ્લોબલ હંગર ઇન્ડેકસમાં ભારતનો સ્કોર સુધર્યો હોવા છતાં આઝાદીના 75 વરસ પછી આપણી આ સ્થિતિ એ આપણો એક માઇનસ પોઇન્ટ ગણાય.

અમેરિકામાં 2023માં મંદીની શરૂઆત થશે; વ્યાજના દર 2023ના ઉત્તરાર્ધથી ઘટશે વોલ સ્ટ્રીટ જર્નલે કરેલ અર્થશાસ્ત્રીઓના એક સર્વે પ્રમાણે 2023ના પહેલા અને બીજા કવાર્ટરમાં અમેરિકાના જીડીપીમા નજીવો પણ ઘટાડો થશે. પરિણામે, થોડા ટાઇમ ગેપ સાથે બીજા અને ત્રીજા કવાર્ટરમાં બેરોજગારી વધશે. તો પણ 2023ના વરસે જીડીપીમા અડધા ટકા જેટલો વધારો (2022માં અપેક્ષિત 0.2 ટકાનો વધારો) થઇ શકે. સર્વે પ્રમાણે આવતા બાર મહિનામાં મંદીની સંભાવના 63 ટકા જેટલી છે અને આ મંદી આઠ મહિના જેટલી ચાલેલ.

સપ્ટેમ્બર મહિને પણ ભાવ વધારો ચાલુ રહેતા ફેડરલ રિઝર્વ નવેમ્બરની પોલિસીની જાહેરાતમાં પણ વ્યાજના દરનો ચોથી વખતનો વધારો (જે અગાઉના ત્રણ બેસીસ પોઇન્ટના વધારા જેટલો હોઇ શકે). જેને કારણે 2023મા હાઉસિંગની માંગમાં અને કિંમતોમાં ઘટાડો (2011 પછીનો પ્રથમ વારનો) થશે એવી આગાહી છે. જૂન 2023 સુધીમાં વ્યાજના દર 4.5 ટકા જેટલા થઇ શકે. (હાલ 3 થી 3.25 ટકા). 2023ના ઉત્તરાર્ધ કે 2024ની શરૂઆતમાં વ્યાજના દરનો ઘટાડો શરૂ થઇ શકે.

અમેરિકાની મંદીની વિસ્તારથી વાત એટલા માટે કરવી પડે કે ભૂતકાળમાં જયારે જયારે અમેરિકામાં મંદી આવી હોય ત્યારે આર્થિક વિકાસના દરમાં 1.5થી 2.5 ટકા જેટલો ઘટાડો થયો છે અને તે પણ આપણા બધા મેકો-ઇકોનોમિક પેરા મીટર્સની ગતિવિધિ એકદમ બરાબર હોય તો પણ. એટલે વિશ્વ બેંક અને આઇએમએફએ ભારતની પોસ્ટ કોવિડ આર્થિક મેનેજમેન્ટની પ્રશંસા કરી હોયઅ ને હાલમા આપણા આર્થિક વિકાસનો દર છ સાત ટકાની વચ્ચે હોય તો પણ અમેરિકા પર ઘેરાઇ રહેલ મંદીના વાદળો આપણને અભડાવ્યા વિના ન રહે એ બાબતે આપણે સદા જાગૃત રહીને બદલાતી સાંપ્રત પરિસ્થિત પર ચાંપતી નજર રાખવી પડે.

અમેરિકામાં લેબર યુનિયનની ઝુંબેશ જોર પકડી રહી છે
અમેરિકામાં છેલ્લા ચાર દસકા (1979 થી 2021)મા વેતન કરતા ઉત્પાદકતા (એક કલાકના કામ દરમ્યાન જનરેટ થતી આવક)નો વધારો બહુ ઝડપી રહ્યો છે. આ સમય દરમ્યાન વેતનના 16 ટકાના વધારા સામે ઉત્પાદકતામા 63 ટકા જેટલો મોટો વધારો થયો છે. લઘુતમ વેતનમાં વધારો ઓછો. ઉંચી આવક માટેના વર્ગમાં ટેકસનો ઘટાડો વધુ એટલે વધેલી ઉત્પાદકતાનો મોટો ફાયદો કંપનીઓને અને તેના ટોચના અધિકારીઓને થયો. પરિણામે આવકની અસમાનતા વધતી રહી.
અમેરિકામા થયેલ એક સંશોધન પ્રમાણે ઉત્પાદકતા અને વેતન (પગાર) વચ્ચેની કડી મજબૂત હોય તો જ આર્થિક વિકાસનો દર લાંબા ગાળા માટે ટકી રહે. ભારતમા લેબર યુનિયનો સક્રિય હોવા છતાં વધતી જતી અસમાનતાના સંદર્ભમાં અમેરિકાનો આ અનુભવ આપણે માટે પદાર્થપાઠ જેવો છે. પેન્ડેમિકને કારણે છેલ્લા બે ત્રણ વરસમા આપણે ત્યાં આર્થિક અસમાનતા વધી છે તે ધ્યાનમાં રાખવું જોઇએ.

ફેડ દ્વારા વ્યાજના દર સતત વધારાઇ રહ્યા હોવા છતા અમેરિકામાં ભાવ વધારો બે ટકાના લક્ષયાંકથી બહુ દૂર છે (સપ્ટેમ્બર મહિને ટકા). વધતા જતા ભાડા અને વેતનના સંદર્ભમાં નજીકના ભવિષ્યમાં ભાવ વધારો કંટ્રોલમાં આવે તેવા ચિહ્‌નો નજરે પડતા નથી. બોંડ માર્કેટના પ્રવાહો ભાવ વધારો નજીકના મહિનાઓમાં કાબૂમાં આવવાનું ભલે સૂચવતા હોય, પણ બોંડ માર્કેટનો ભૂતકાળનો ભાવ વધારાના કંટ્રોલની આગાહીનો અનુભવ એમ સૂચવે છે કે ભાવ વધારો કયારે કાબૂમાં આવશે તેની ખબર બોન્ડ માર્કેટને સૌથી છેલ્લી પડે છે.

બ્રિટનની આર્થિક કટોકટી સાથે ઘેરી બની રાજકીય કટોકટી પણ લિઝ ટ્રસે વડાપ્રધાન બન્યા પછીના છ સપ્તાહ જેટલા ટૂંકા ગાળામાં રાજીનામુ આપી દેતા બ્રિટનમાં સૌથી ઓછો સમય વડાપ્રધાનપદે રહેવાનો વિક્રમ સર્જયો છે. પેન્ડેમિક અને રશિયા-યુક્રેન યુધ્ધને લઇને ભાંગી પડેલા બ્રિટનના અર્થતંત્રમા જાન લાવવા લિઝ ટ્રસે આર્થિક વિકાસનો દર વધારવા કરવેરા ઘટાડયા. ગેસના ઉંચા ભાવોની અસર ઓછી કરવા તેના છૂટક ભાવો ઘટાડયા (એટલે કે તે માટેની સબસીડી વધારી). 60 બિલ્યન પાઉન્ડ જેટલી આ સબસીડી કામ ચલાઉ છે.

ઉપરાંત તેમણે ઇન્કમ ટેકસનો ઘટાડો સ્વાસ્થ્ય સેવાઓના ખર્ચ માટે નાખેલ ટેકસની નાબૂદી અને ઉંચા ટેકસ સ્લેબની નાબૂદથી સરકારી તિજોરીને વધારવા 45 બિલ્યન પાઉન્ડનું નુકસાન થાય. આ બધુ નુકસાન ભરપાઇ કેમ કરવાનું તેનું કોઇ ગણિત તેમણે ન આપ્યું. આ અને બીજા આવા પગલાઓને કારણે ડેફિસીટ વધીને 70 બિલ્યન ડોલર (જીડીપીના ત્રણ ટકા) જેટલી થઇ. ખર્ચ અને કરવેરાની આવકના ગેપને ઘટાડવા ઓછામા ઓછા 30 બિલ્યન પાઉન્ડ ઉભા કરવાની કોઇ યોજના તેમની પાસે ન હતી. ઉપરાંત બેંક ઓફ ઇંગ્લેન્ડનો ભાવ વધારાને રોકવા માટે તે અસરકારક નથી એટલે તેની સ્વતંત્રતા પર કાપ મૂકવાની પણ વાત કરી.

પરિણામ? તેમના આ પગલાઓએ મૂડી રોકાણકારો અને માર્કેટનો વિશ્વાસ તોડી નાખ્યો. તેમના પોતાનો પક્ષ (કોન્ઝર્વેટીવ પાટરી) તેમનાથી અળગો થઇ ગયો. સામાન્ય રીતે રાજકારણીઓ ચૂંટણીના પ્રચાર દરમ્યાન આપેલ વચનોનું સત્તાપર આવ્યા પછી પાલન કરતા નથી. બ્રિટનના કેસમાં, લિઝ ટ્રસને તેમના ચૂંટણી પ્રચાર દરમ્યાન આપેલ વચનોના પાલનની ભારે કિંમત ચૂકવવી પડી.

અમેરિકા અને બ્રિટનની હાલની ઘટનાઓ ભારત માટે એક સબક સમાન છે સરકાર જે આર્થિક પ્લાન અપનાવે તે ફીસ્કલ પ્લાન સાથે સુસંગત ન હોય તો તે સરકારે અને આખરે તે દેશે તેનાથી ઉભી થતી રાજકીય કટોકટીના રૂપમાં તેની ભારે કિંમત ચૂકવવી પડે. ‘અનફન્ડેડ ટેકસ કટ’ની પોલિસીનો જબરદસ્ત ‘યુ ટન) પણ તેમને બચાવી ન શકયો. નીતિની આવી મોટી ભૂલ મોટા રાજકીય ભૂકંપ સર્જી શકે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય.

બ્રિટન અને ઇટલી જેવા અગ્રગણ્ય દેશો પણ અવિચારી ફીસ્કલ અને મોનેટરી પોલિસીની અસરમાંથી બચી શકયા નથી (ડોલર ગ્લોબલ રિઝર્વ કરન્સી હોઇ અમેરિકા તેમા અપવાદ હોઇ શકે) તો ઉભરતા દેશોનું તો ગજુ જ શું ગણાય? ચૂંટણીઓમાં વચનોની છૂટ્ટે હાથે લહાણી કરનાર અને સત્તામા આવ્યા પછી તેને અનુસરનાર રાજકીય પક્ષો અને ભારત માટે બ્રિટનની કહાની એક મોટો સબક છે. ભારતે આવી પરિસ્થિતિ ટાળવી હોય તો ટકાઉ આર્થિક વિકાસ માટે મેક્રો ઇકોનોમિક સ્ટેબીલીટી રાજમાર્ગ અપનાવવો પડે.

Most Popular

To Top