SURAT

ભૂતકાળમાં કાચી પડેલી ડાયમંડ કંપનીઓએ સેઝના મીત કાછડીયાને બચેલા હીરા વેચવા આપ્યા હોવાની ચર્ચા

સુરત: સચિન સ્થિત સુરત સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (Surat special economics zone)ની યુનિવર્સલ જેમ્સમાં લેબગ્રોન ડાયમંડ (Lebgron diamond) સાથે નેચરલ હીરા (natural diamond) એક્સપોર્ટ (export) કરવાના કેસમાં ડિપાર્ટમેન્ટ દ્વારા પેઢીના સંચાલક મીત કાછડિયાને શોધવાની કવાયત જારી છે. આ દરમિયાન વિભાગે મીતની ઓફિસમાંથી જપ્ત કરેલા દસ્તાવેજોના આધારે સુરત અને મુંબઇની કેટલીક ડાયમંડ પેઢીઓને નોટિસો મોકલી હોવાનું જાણવા મળ્યું છે.

ડિપાર્ટમેન્ટને આશંકા છે કે કેટલીક પેઢીઓ કે જેઓ પોતાને નબળી પડી ગઇ હોવાનું બજારમાં સાબિત કરી ચુકી છે તેઓ બારોબાર યુનિવર્સલ જેમ્સના માધ્યમથી તેમની પાસે રહેલા નેચરલ ડાયમંડ એક્સપોર્ટ કરી રહ્યા હતા. જેની રકમ બારોબાર હવાલા માધ્યમથી મેળવી રહ્યા હતા. મીત કાચી પડેલી હીરા પેઢીના સંચાલકો 1 ટકા કમિશન લઇ વિદેશમાં પાર્ટી શોધવાથી પેમેન્ટ સુધી કરાવાવની ખાતરી આપતો હતો. જોકે, હવે મીત ડિપાર્ટમેન્ટની પકડમાં આવશે ત્યારે જ સચ્ચાઇ બહાર આવશે. પરંતુ ડિપાર્ટમેન્ટ પોતે આ કેસમાં કેટલાક હીરા ઉદ્યોગકારો શામેલ હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ સેઝમાં તમામ હીરા યુનિટોએ છેલ્લા એક વર્ષમાં એક્સપોર્ટ કરેલા નિકાસોની વિગતો ચકાસવાની શરૂઆત કરી છે. સેઝની યુનિટોએ રૉ-મટિરિયલ્સ ક્યાંથી ઇમ્પોર્ટ કર્યા અને કયા દેશોમાં વેચાણ કર્યુ તેની પણ વિગતો લેવામા આવી રહી છે.

કેટલાક હીરા ઉદ્યોગકારોએ બ્લેકમની વ્હાઇટ કરવા માટે પણ સેઝના યુનિટનો ઉપયોગ કર્યાની આશંકા

વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ આ ખેલ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જેમાં કેટલાક ઉદ્યોગકારો સ્થાનિક બજારમાંથી બ્લેકમનીથી હીરા ખરીદી તેને સેઝની યુનિવર્સલ જેમ્સ કંપની મારફતે વિદેશમાં નિકાસ કર્યા બાદ હવાલા મારફતે રકમ પાછી મેળવી બ્લેકમનીને વ્હાઈટ કરતા હોવાની આશંકાની દિશામાં પણ તમામ એજન્સીઓ તપાસ કરી રહી છે. ચર્ચાઇ રહ્યુ છે કે કેટલાંક મોટા ઉદ્યોગકારો પોતાના કાળાં નાણાંને ધોળા કરવા માટે આ ખેલ આચરે છે. હીરાના કેટલાક મોટા ઉદ્યોગકારો સ્થાનિક બજારમાંથી કેશમાં હીરા ખરીદી લે છે અને ત્યાર બાદ યુનિવર્સલ જેમ્સ જેવી કંપનીઓના ડ્યૂટી ફ્રી પાર્સલમાં સસ્તી કિંમતના લેબગ્રોન ડાયમંડ દર્શાવી હોંગકોંગ મોકલી દે છે. હોંગકોંગ સુધી હીરા પહોંચી જાય ત્યાર બાદ તેની મૂળ કિંમત અને મૂળ રૂપમાં અમેરિકા સહિત યુરોપીયન દેશોમાં મોકલી દેવાય છે. જ્યાં ઊંચી કિંમતમાં વેચી તેનું પેમેન્ટ વ્હાઈટમાં બેન્ક મારફતે મંગાવી લેવાય છે.

Most Popular

To Top