2022નું વર્ષ વિદાય લઇ ચુક્યું છે. અને તે ભૂતકાળ બની ગયું છે. અને એની સાથે 2023ના વર્ષનો સૂર્યોદય થઇ ગયો છે. સતત બે વર્ષ કોરોનાના કાળા પડછાયાને કારણે ઉદ્યોગ-ધંધા પડી ભાંગ્યા હતા અને અનેક સુરતીઓ બેરોજગારીની ગર્તામાં ધકેલાઈ ગયા હતા. જો કે 2022ના વર્ષે સુરતીઓના જખ્મો પર મલમ લગાવવાનું કામ કર્યું એ સાથે લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિની ગાડી ફરી પાટે ચઢવા લાગી છે અને એવામાં સુરતીઓ નવાં શમણાં સજાવવા લાગ્યા જે હવે 2023ના નવા વર્ષમાં સાકાર કરવા થનગની રહ્યાા છે. આમ તો સપનાં જોવાં કે કોઈ પ્લાનિંગ કરવા માટે કોઈ ચોક્કસ સમયની રાહ જોવાની નથી હોતી. સ્થિતિ અને સંજોગો સાથ આપતાં હોય ત્યારે જોયેલાં સપનાં કે પ્લાનિંગ સફળ થતાં હોય છે પણ સામાન્ય રીતે એવું જોવા મળે છે કે નવું વર્ષ શરૂ થવાનું હોય ત્યારે દરેકના મનમાં એક નવા ઉત્સાહનો સંચાર થાય છે. મન ઉમંગોથી ભરેલું હોય છે ત્યારે લોકો નવા વર્ષમાં કાંઈક નવું અને મોટું કાર્ય હાથ પર લે છે અને તેને નવા વર્ષમાં જ પૂરું કરવાનું પ્લાનિંગ કરી દેતા હોય છે. 2023ના નવા વર્ષમાં સુરતીઓ ક્યાં ડ્રીમ પૂરાં કરવાના છે કે આખા જીવનના સારના નિચોડ એવાં મોટાં કાર્ય પૂરાં કરવાનાં છે તે આપણે સુરતીઓના શબ્દોમાં જ જાણીએ.
હું મારા નાનકડા બિઝનેસને આગળ ધપાવવા માટે કાર ખરીદીશ: અનુપમા અગ્રવાલ
વેસુ વિસ્તારમાં રહેતાં 35 વર્ષીય અનુપમાબેન અગ્રવાલ કોસ્મેટિક અને ક્રાફટની વસ્તુઓનો બિઝનેસ કરે છે. તેઓ ઘરેથી જ આ બિઝનેસ કરી રહ્યાં છે. અનુપમાબેને જણાવ્યું કે, ‘‘હું ક્રાફટની વસ્તુઓ જાતે જ બનાવું છું અને તેનું સેલિંગ કરું છું. હું લાઈફ સ્ટાઈલ બ્લોગર પણ છું. મારે વસ્તુઓ લાવવી હોય કે વેચાણ કરવી હોય ત્યારે ટુ વ્હીલરનો ઉપયોગ કરું છું. ટુ વ્હીલર પર વસ્તુ લાવવા-લઈ જવામાં તકલીફ પડે છે. જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે તો ખાસ્સી મુશ્કેલીઓ વેઠવી પડે છે એટલે 2023માં હું મારા નાનકડા બિઝનેસ માટે કાર લેવા માંગું છું. મારા હસબન્ડ પ્રકાશ અગ્રવાલ પાસે મારુતિ ડિઝાયર કાર છે પણ તે કાર મને માત્ર રવિવારે ચલાવવા મળે છે. મેં મારા સપનાની કાર ખરીદવા માટે પાઈ-પાઈ બચાવીને કાર ખરીદી શકું એટલા પૈસાની બચત કરી છે. એ કાર મારી વસ્તુઓ લઈ જવા માટે કામ આવશે. કોરોનાકાળમાં તો બિઝનેસ સ્લો થઈ ગયો હતો એટલે ખર્ચા કરવાની હિંમત નહીં થતી હતી પણ હવે બિઝનેસ સારો ચાલી રહ્યો છે એટલે હું મારું કાર ખરીદવાનું સપનું નવા વર્ષમાં પૂરું કરીશ.’’
મેં અનેક લોકોના ડ્રીમ હાઉસનાં સપનાં પૂરાં કર્યાં આ વર્ષે મને મારું ડ્રીમ હાઉસ મળશે: આકાશ લીલાવાળા
ઉધના-બમરોલી રોડ વિસ્તારમાં રહેતા 39 વર્ષીય આકાશ લીલાવાળા રિયલ એસ્ટેટ એજન્ટ છે. તેમણે જણાવ્યું કે, ‘‘હું છેલ્લાં 16 વર્ષથી લોકોને એમના ડ્રીમ હાઉસ અપાવું છું પણ આટલાં વર્ષોમાં મારું પોતાના ઘરનું સપનું પૂરું થયું નહોતું. હું અત્યારે જોઈન્ટ ફેમિલીમાં રહું છું. મારા મધર-ફાધર, ભાઈ-ભાભી અને એમના બે દીકરા તથા હું, મારી પત્ની અને મારાં બે બાળકો 3 bhkના ઘરમાં રહીએ છીએ. આમ તો મારા ડ્રીમ હાઉસનું સપનું 2 વર્ષ પહેલાં પૂરું થયું હોત પણ કોરોનાકાળમાં મારું રિયલ એસ્ટેટ એજન્ટ તરીકેનું કામ ધીમું પડી ગયું હતું. આર્થિક ફટકાને કારણે મારું ડ્રીમ હાઉસનું સપનું સપનું જ રહ્યું હતું. જો કે, હવે મારું કામ પૂર્વવત્ ચાલી રહ્યું છે એટલે મેં ઘર બનાવવા માટેનો પ્લોટ લઈ લીધો છે. તેના પર કન્સ્ટ્રક્શનનું કામ શરૂ થયું છે એટલે 2023માં હું મારા પોતાના ડ્રીમ હાઉસમાં રહેવા જઈશ. મારા આ ડ્રીમ હાઉસમાં મારાં મધર-ફાધર પણ રહેશે. એક બંગલા બને ન્યારા એ મારું સૌથી બિગ સપનું છે જે હવે બહુ જલ્દી સાકાર થશે.’’
101 મહિલાઓને આત્મનિર્ભર બનાવીશ: લેખાબેન ઘીવાળા
અડાજણ વિસ્તારમાં રહેતાં 34 વર્ષીય લેખાબેન ઘીવાળા બિઝનેસ વુમન છે. તેઓ 3 વર્ષથી મોબાઈલ એપ્લિકેશન કંપની ચલાવે છે. લેખાબેને જણાવ્યું કે, ‘‘હું એજ્યુકેટેડ અને ઓછું ભણેલી મહિલાઓને તેમની સ્કિલ પ્રમાણે જોબ અપાવું છું અને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવું છું. મારી કંપનીમાં ઘણી મહિલા કર્મચારીઓ નોકરી કરે છે. જ્યારે મારી પાસે કોઈ યુવતી કે મહિલા જોબ મેળવવાની અપેક્ષાએ આવે છે ત્યારે હું બને ત્યાં સુધી મારી કંપનીમાં જોબ આપું છું પણ જો કોઈની ફિલ્ડ અલગ હોય તો મારા બિઝનેસ સાથે સંકળાયેલાં અન્ય બિઝનેસ વુમન અને બિઝનેસ મેનને તેમની કંપનીમાં જોબ આપવા માટે એપ્રોચ કરું છું. 2023નું વર્ષ શરૂ થઈ ગયું છે અને મેં પણ નવા વર્ષની એક વિશ રાખી છે કે નવા વર્ષમાં હું 101 મહિલાઓને આત્મનિર્ભર બનાવું. મેં એક જાહેર કાર્યક્રમમાં પણ કમિટમેન્ટ કર્યું હતું કે હું વધુમાં વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવીશ જે કમિટમેન્ટ મારે નવા વર્ષમાં પૂરું કરવું છે. હું મારી કંપનીમાં જોબ આપીશ અથવા એમની લાયકાત પ્રમાણે જોબ મેળવી અપાવવા માટે હું દિલથી પ્રયત્ન કરીશ.’’
મારું પોતાનું બ્યૂટીપાર્લર અને ગરીબો માટે ભોજનની વ્યવસ્થાનું સપનું: સ્નેહા પટેલ
બેગમપુરા વિસ્તારમાં રહેતાં સ્નેહાબેન પટેલ સિંગલ વુમન છે. તેમણે જણાવ્યું કે, ‘‘હું બ્યૂટીપાર્લર ચલાવું છું. હું છેલ્લાં 13-14 વર્ષથી આ ક્ષેત્રમાં છું. અત્યારે મારું રેંટ પર બ્યૂટીપાર્લર ચાલે છે. કોરોનાકાળને કારણે મારા પોતાના બ્યૂટીપાર્લરના સપના પર બ્રેક લાગી હતી હવે 2023ના નવા વર્ષમાં મારા પોતાના બ્યૂટીપાર્લરનું સપનું પૂરું કરીશ. આ ઉપરાંત હું વાર-તહેવાર કે પ્રસંગો અનુસાર ડાંગ જિલ્લાના ગરીબ બાળકો માટે ભોજન લઈ જાઉં છું અને તેમને જમાડું છું. 2023ના વર્ષમાં હું દર 15 દિવસે આ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવાનું લક્ષ્ય પૂરું કરવા માગું છું તથા નોટબુક્સ અને ચંપલ જેવી તેમની જરૂરિયાત પૂરી કરવા માગું છું. તદુપરાંત હું ફોરેનની ટ્રીપ 2023માં કરવા માગું છું. હું થાઈલેન્ડ અથવા સિંગાપોર કે પછી ઇન્ડોનેશિયા ફરવા જઈશ.’’
હું ‘બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત 100 બાળકીઓના ભણવાનો ખર્ચ ઉઠાવીશ: અભી ઠાકર
અડાજણ વિસ્તારમાં રહેતાં 29 વર્ષીય અભી ઠાકર સામાજિક કાર્યકર્તા છે. અભી ઠાકરે જણાવ્યું કે, ‘‘હું દેશનું દરેક બાળક ઉચ્ચ શિક્ષણ મેળવે તેવું ઈચ્છું છું. સરકારના ‘બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત હું 2023ના નવા વર્ષમાં 100 બાળકીઓને ભણવામાં મદદરૂપ થઇશ. હું આ બાળકીઓના પાઠ્યપુસ્તક, નોટબુક્સ અને સ્કૂલબેગ અને સ્ટેશનરીનો ખર્ચ ઉઠાવીશ અને દર વર્ષે તેમને શિક્ષણમાં મદદરૂપ થઇશ. મારા ફાધરે ઘણાં ગરીબ બાળકોની સ્કૂલની ફી ભરી છે. હું મારા ફાધર યોગેશભાઈ ઠાકરની જેમ જ શિક્ષણની અલખ જગાડીશ. હું સ્કૂલમાં હતો ત્યારે મેં જોયું હતું કે મારા ફાધર મારી સાથે બીજા બેથી ત્રણ ગરીબ બાળકોને સ્ટેશનરી અને બુકસ લાવી આપતા. મારા ફાધરના નકશેકદમ પર ચાલીને હું પણ 100 બાળકીઓના ભણતરનો ખર્ચ 2023માં ઉઠાવીશ અને સરકારના ‘બેટી પઢાવો’ અભિયાનમાં મારું નાનકડું યોગદાન આપીશ.’’
દરેક કુંવારી કન્યાની જેમ મારું પણ ઘર-સંસાર માંડવાનું સપનું પૂરું થશે: પ્રેયશી પેંગાવાળા
સલાબતપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પ્રેયશી પેંગાવાળા B.sc. લાસ્ટ યરમાં સ્ટડી કરી રહી છે. પ્રેયશીએ જણાવ્યું કે, ‘‘દરેક યુવતીનું સપનું હોય છે લગ્ન કરીને ઘર-સંસાર માંડવાનું. મારું પણ આ સપનું છે જે હવે 2023ના ડિસેમ્બર એન્ડ સુધીમાં પૂરું થશે. મારી સગાઈ દક્ષેશ જરીવાળા સાથે એક વર્ષ પહેલાં જ થઈ છે. મારા ફિયાન્સ દક્ષેશ જરીવાળાનાં મમ્મી-પપ્પા મારી મમ્મી સીમાબેન પેંગાવાળાના ફ્રેન્ડ છે. તેમને હું પસંદ હોવાથી મારી મમ્મી સાથે તેમના દીકરાના લગ્નની વાત કરી હતી. 2023ના ડિસેમ્બર એન્ડ સુધીમાં મારા લગ્ન થઈ જશે અને મારું ઘર-સંસાર માંડવાનું સપનું પૂરું થશે. જો કે, હું આગળ ભણવાનું પણ ચાલુ રાખીશ. હું એમ.એસસી.ની સ્ટડી કમ્પ્લીટ કર્યા બાદ હું કોલેજમાં પ્રોફેસર બનવા માંગું છું. મારા ફિયાન્સ મને સ્ટડીમાં સપોર્ટ પણ કરી રહ્યા છે.’’
નવું વર્ષ અનેક ઉમંગો અને આશાનું કિરણ લઈને આવતું હોય છે. સુરતીઓને પણ એવી આશા છે જ કે 2023નું નવું વર્ષ તેમના જીવનમાં નવીનતા લઈને આવશે. કોઈને સંતાનની ઈચ્છા છે તો કોઈને લગ્નના બંધનમાં બંધાઈ જવાની તો કોઈને નોકરી મળી જવાની આશા છે. કોઈને પોતાના સપનાનું ઘર મળવાની અપેક્ષા છે. કોઈ વર્લ્ડ ટુરની યોજના બનાવી રહ્યું છે. કોરોનાકાળના બે વર્ષે સુરતીઓનાં અનેક સપનાં અને અરમાનો પર ગ્રહણ લગાડ્યું હતું, બ્રેક લગાડી હતી. જો કે 2022માં ઉધોગ-ધંધા ફરી ધમધમવા માંડતા સુરતીઓને કળ વળી એટલે 2023માં અનેક નવાં કાર્ય અને સપનાં પૂરાં કરવા સુરતીઓ તલપાપડ થઈ રહ્યાા છે. જો કે બીજી તરફ કોરોના ફરી દસ્તક દેશે તો તેનો હાઉ પણ ઉભો થયો છે