વિક્રમ સંવત ૨૦૭૮નું નૂતન પ્રભાત નવા વર્ષના જોમ જુસ્સો અને સફળતા સાથે વાપી તેમજ વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ માટે નવી આશા અને ઉમંગ લઇને આવશે. કોરોના મહામારીને લઇને છેલ્લા બે વર્ષમાં જે સંકટ હતું તે હવે કોરોના વેક્સિનેશનને લઇને ધીમે ધીમે દૂર થવા લાગ્યું છે. છતાં લોકોએ હજી સાવધાની રાખવાની જરૂર છે. વેક્સિનના બંને ડોઝ સમયસર લેવા જોઇએ. માસ્ક પહેરીને ઘર બહાર નીકળવું જોઇએ. તેમજ ભીડથી દૂર રહેવું જોઇએ. કોરોનાને જો હરાવવો હશે તો સાવધાની રાખવી પડશે. વાપીના ઉદ્યોગો માટે પણ નૂતન વર્ષ ઘણી આશાઓ સાથે આરંભ થઇ રહ્યો છે.
વાપીના ઉદ્યોગોના એક્સ્પાન્શન કરવાનું કામ છેલ્લા ચારેક વર્ષથી ખોરંભે પડ્યું છે. ૯૧ જેટલા ઉદ્યોગોના રોકાણો કરીને હવે જીપીસીબીની લીલી ઝંડીની રાહ જોઇ રહ્યા છે. વાપીના સીઇટીપીની કેપિસીટી વધારવા માટે જરૂરી મંજૂરી મળે તો ઉદ્યોગો માટે રાહ આસાન થઇ શકે. વાપીમાં જે મત વિસ્તાર ધરાવે છે તેવા કેબિનેટ નાણાં તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુભાઇ દેસાઇ ઉદ્યોગોનું આ સંકટ નૂતન વર્ષમાં દૂર કરવા માટે જરૂર પ્રયાસ કરશે. વીઆઇએ તેમજ વાપી ગ્રીનએન્વાયરો લિમિટેડ માટે પણ હવે ગાંધીનગરમાં કેબિનેટ મંત્રી તરીકે કનુભાઇ દેસાઇનો સહયોગ મળતો રહેશે.
બીજી તરફ વાપી જીઆઇડીસીમાં જમીનમાં કેબલ વાયરીંગ કરીને ઉદ્યોગોને સારી સગવડ આપવાની દિશામાં મોટું કામ નવા વર્ષમાં થશે. તેની સાથે વીઆઇએનું સ્પોર્ટસ કોમ્પલેક્ષનું કામ પણ નવા વર્ષમાં શરૂ થાય તેવા એંધાણ છે. વીઆઇએ પ્રમુખ કમલેશભાઇ પટેલ તથા સેક્રેટરી સતિષભાઇ પટેલ કાર્યરત છે. કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્ય મંત્રી જીતુભાઇ ચૌધરી પાસે નર્મદા, જળ સંસાધન અને પાણી પુરવઠા વિભાગ જેવા મહત્વના ખાતા છે. જીતુભાઇ નૂતન વર્ષમાં પોતાના કપરાડા વિસ્તાર સહિત રાજ્યમાં પોતાના કામથી નવા સોપાન સર કરશે. નવા વર્ષમાં જીતુભાઇ પણ કેન્દ્ર સ્થાને રહેશે.
વાપી પાલિકાની ચૂંટણી નવા શાસકો આવશે
નૂતન વર્ષમાં વાપીમાં પાલિકાની ચૂંટણીઓ થવાની છે. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે. હવે વિક્રમ સંવત ૨૦૭૮ કોને ફળે છે તે જોવું રહ્યું. છેલ્લી પાલિકાની ચૂંટણીમાં ભાજપને ૪૪માંથી ૪૧ બેઠકો મળી હતી. ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ હતા. હવે કનુભાઇ કેબિનેટ મંત્રી છે. પાંચ વર્ષમાં પાલિકાએ કરેલા કામો તેમજ છેલ્લે મુખ્યમંત્રીના હસ્તે પણ મોટા કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે નવા વર્ષમાં ચૂંટણીઓ બાદ પાલિકામાં નવા શાસક તરીકે કોણ આવે છે. તેમજ નવું વર્ષ કોને ફળે છે ? તે જોવું રહ્યું. હાલના ભાજપના ૪૧ તેમજ કોંગ્રેસના ૩ નગરસેવકોમાંથી કોની ટિકીટ કપાય છે ? અને કોને ફરી ટિકીટ મળે છે તે જોવું પણ નવા વર્ષમાં રસપ્રદ રહેશે.
વાપીમાં મહાનગરપાલિકા માટે માર્ગ મોકળો
વાપી પાલિકાનો વિસ્તાર વધ્યો છે. ચલા તથા ડુંગરાને પાલિકામાં સમાવવામાં આવ્યા છે. પરંતુ હવે વાપીની આસપાસના ગામોને વાપીમાં સમાવીને વાપી નોટિફાઇડ એરિયાને પણ સમાવીને મહાનગર પાલિકા બનવા માટે નવા વર્ષમાં કાર્યવાહી થાય તેવું લાગે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં આ વાતને આ વિસ્તારના ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ કરી હતી. તેમણે વાપીની ત્રણેક લાખની વસ્તી થવા જઇ રહી છે ત્યારે હવે બાંધકામ સહિતના પ્રશ્નોને દૂર કરવા વાપીને મહાનગરપાલિકા મળે તો આ વિસ્તારનો વિકાસ વધુ ઝડપથી થઇ શકે. વાપી પાલિકાનો વિકાસ નકશો મંજૂર થયો છે. તે દિશામાં પણ હવે નૂતન વર્ષમાં લોકોને રીંગરોડ સહિતની ભેટ મળશે.