નડિયાદ: ઉમરેઠની કાછીયાપોળમાં ભાડે રહેવા આવ્યાંના બીજા જ દિવસે પરપ્રાંતિય યુવક અને યુવતિ વચ્ચે કોઈ બાબતે અણબનાવ બન્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલાં યુવકે તીક્ષ્ણ હથિયારથી યુવતિના ગળાના ભાગે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને બાદમાં ઘરને તાળું મારી ભાગી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં તડપી રહેલી યુવતિએ બુમાબુમ કરતાં પાડોશીઓએ તાળું તોડી ઘાયલ યુવતિને ઘરમાંથી બહાર કાઢી હતી અને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી હતી. હાલ, યુવતિની હાલત સ્થિર હોવાનું જાણવા મળેલ છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં કાછીયાપોળ આવેલી છે. આ પોળમાં શનિવારના રોજ એક પરપ્રાંતિય યુવક અને યુવતિ ભાડે રહેવા આવ્યાં હતાં. જેના બીજા દિવસે એટલે કે રવિવારના રોજ સવારના સમયથી જ આ યુવક અને યુવતિ વચ્ચે કોઈ કારણોસર તકરાર થઈ હતી. ઘરમાં અંદરોઅંદર ચાલતી આ બંને વચ્ચેની તકરાર જોતજોતામાં ઉગ્ર બની હતી. દરમિયાન રવિવારના રોજ બપોરના સમયે યુવકે ઉશ્કેરાઈ જઈ યુવતિના ગળામાં તીક્ષ્ણ હથિયારનો ઘા માર્યો હતો. જે બાદ લોહીલુહાણ હાલતમાં તડપી રહેલી યુવતિને બાથરૂમમાં પુરી, ઘરને તાળું મારી યુવક ભાગી ગયો હતો.
દર્દથી પિડાતી યુવતિએ બુમાબુમ કરતાં આસપાસના રહીશો એકત્રિત થઈ ગયાં હતાં. જે બાદ ઘરમાલિકને બોલાવી, તાળું તોડાવી પાડોશીઓ તે ઘરમાં પ્રવેશ્યાં હતાં. તે વખતે યુવતિ લોહીલુહાણ હાલતમાં બાથરૂમમાં પડેલી હતી. જેથી સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી ઘાયલ યુવતિને હોસ્પિટલ પહોંચાડી હતી. જ્યાં તબીબોએ તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરી દીધી હતી. હાલ, આ યુવતિની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઉમરેઠ પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સાથે-સાથે હુમલાખોર યુવકને ઝડપી પાડવાના ચક્રો પણ ગતિમાન કર્યાં છે.