વલસાડ: વલસાડના (Valsad) અબ્રામાની જમીન (Land) માલિક મહિલાના નામ જેવું સરખુ નામ પોતાની માતાનું હોવાનો ફાયદો ઉઠાવી શખ્સે જમીન પચાવી (Cheating) પાડી હતી. તેણે જીવીત જમીન માલિકના વારસાઈમાં પોતાની મૃત માતાનો દાખલો રજૂ કરી જમીન હડપી લીધી હતી. આ કેસ તે હારી જવા છતાં મહિલાને જમીનનો કબજો નહીં સોંપી જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
વાંસદાના આંબાતલાટ ગામે રહેતા શાંતાબેન છગનભાઈ પટેલના પતિ છગનભાઈ વડોદરા સિટી સર્વેમાં નોકરી કરતા હતા. હાલમાં નિવૃત્ત છે તેઓની વલસાડ અબ્રામા ખાતે ઓવરબ્રિજ દરગાહની પાછળ સિટી સરવે નંબર 11/15 વાળી જમીન શાંતાબેન છગનભાઈ કુકણા પટેલના નામે છે.
ઓવરબ્રિજ દરગાહની પાછળ રહેતા નવીન છગન પટેલની માતાનું નામ પણ શાંતાબેન છગનભાઈ પટેલ હોવાથી તેમનું 10-01-17ના રોજ મોત થયું છે, જેનો મરણનો દાખલો રજૂ કરીને છગનભાઈની જમીનની વારસાઈમાં નવીનભાઈએ પોતાનું નામ દાખલ કરાવી દીધું હતું. આ જમીન ઉપર કાચુ પતારાવાળું ઝૂંપડું બનાવીને પાલિકામાં નોંધ કરાવીને ઘર નંબર પણ મેળવી લીધો છે. જ્યારે જમીનના અસલી માલિક પોતાની જમીન જોવા માટે અહીં આવતા નવીનભાઈએ ઘર બનાવી દીધું હોવાનું જણાતાં શાંતાબેન અને આસપાસના લોકો પણ વિચારમાં પડી ગયા હતા. શાંતાબેનને જમીનમાં ઘુસવા પણ ન દીધા હતા.
આ અંગે કોર્ટમાં કેસ પણ કર્યો હતો. જેમાં જમીનના અસલી માલિક શાંતાબેન કેસ જીતી ગયા હતા. તેમ છતાં શાંતાબેનને જમીનમાં ઘૂસવા નહીં દેતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં શાંતાબેને નવીન વિરૂધ્ધ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.