નડિયાદ: નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની ચુંટણી યોજાયાંના સાડા પાંચ મહિના બાદ ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં ચેરમેન પદે અતુલ પંડ્યા અને વાઈસ ચેરમેન પદે હિનલ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની કુલ ૧૧ બેઠકો માટે ગત તારીખ ૧૭ મી ફેબ્રુઆરીના રોજ ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રેરિત ૧૧ અને કોંગ્રેસ પ્રેરિત ૩ મળી કુલ ૧૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. લગભગ ૧૭ વર્ષ બાદ યોજવામાં આવેલી આ ચુંટણીમાં તમામ ૧૧ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોએ ભવ્ય જીત મેળવી હતી.
જેના સાડા પાંચ મહિના બાદ તારીખ ૨૯ મી જુલાઈને શુક્રવારના રોજ નગર પ્રા.શિક્ષણ સમિતીના ચેરમેન અને વાઈસ ચેરમેન માટેની ચુંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન પદે અતુલભાઈ ઈન્દ્રવદનભાઈ પંડ્યા અને વાઈસ ચેરમેન પદે હિનલકુમાર જગદીશભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં કરવામાં આવી હતી. નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેનને તેમની સમિતીના સાથી સભ્યો તેમજ પાલિકાના કાઉન્સિલરો અને ભાજપના હોદ્દેદારો, આગેવાનો તેમજ કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
૧૧ પૈકી ૬ સભ્યોએ સ્કુલ સુધીનું શિક્ષણ માંડ માંડ મેળવ્યું છે
નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં ૧૧ સભ્યો પૈકી માત્ર પાંચ સભ્યો જ ગ્રેજ્યુએટ તેમજ એન્જિનીયર સહિતની ઉચ્ચ ડીગ્રી ધરાવે છે. જ્યારે, ૪ સભ્યો ૧૨ ધોરણ પાસ, ૧ સભ્ય ૧૦ પાસ તો વળી, ૧ સભ્ય માત્ર ૯ ધોરણ જ પાસ થયેલો છે. આમ, અડધા કરતાં પણ વધુ સભ્યો ડીગ્રી વગરના હોવાથી નડિયાદ નગર પ્રા.શિક્ષણ સમિતીનો વહીવટ દિન-પ્રતિદિન કથળી રહ્યો છે. જેની સીધી અસર શાળાઓ અને શિક્ષણકાર્ય ઉપર પડી રહી છે. ત્યારે શિક્ષણ સમિતીની ચુંટણીમાં માત્ર શૈક્ષણિક લાયકાત ધરાવતાં વ્યક્તિઓ જ ઉમેદવારી નોંધાવી શકે તેવો કોઈ નિયમ બનાવવામાં આવે તે જરૂરી છે.
વાઈસ ચેરમેન હિનલ પટેલ માત્ર ૧૨ ધોરણ પાસ
નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં ચુંટાયેલાં ૧૧ સભ્યો પૈકી પાંચ સભ્યો ગ્રેજ્યુએટ, એન્જિનીયર સહિતની ડીગ્રી ધરાવે છે. જે પૈકી બી.બી.એ થયેલાં અતુલભાઈ પંડ્યાને નગર પ્રા.શિક્ષણ સમિતીના ચેરમેન પદે નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે વાઈસ ચેરમેન પદે માત્ર ૧૨ ધોરણ સુધી ભણેલા હિનલકુમાર પટેલની વરણી કરવામાં આવી છે.
એક સભ્ય ગેરહાજર રહ્યો
નડિયાદ નગર પ્રા.શિક્ષણ સમિતીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી શુક્રવારના રોજ નગરપાલિકાના સભાખંડમાં યોજવામાં આવી હતી. પાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ ચુંટણીમાં સરકારી પ્રતિનિધિ તરીકે મિતેશકુમાર પંચાલ, બિનસરકારી પ્રતિનિધિ તરીકે રૂચીર પટેલ ઉપરાંત શિક્ષણ સમિતીના 11 સભ્યો પૈકી 10 સભ્યો હાજર રહ્યાં હતાં. પ્રિયેશ ગીરીશભાઈ દેસાઈ ચુંટણીમાં ગેરહાજર રહ્યાં હતાં.
શિક્ષણનું સ્તર ઉંચુ લાવીશું : ચેરમેન
નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન તરીકે સર્વાનુમતે ચુંટાયેલા અતુલભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, નગર પ્રા.શિક્ષણ સમિતી હસ્તકની શાળાઓમાં ભણવા આવતાં ગરીબવર્ગના બાળકોને સારામાં સારૂ શિક્ષણ અને સુવિધા આપીશું. શિક્ષણ સમિતીના તમામ સભ્યો આ બાબતે સક્રિય છે. આ માટે તમામ શાળાઓની મુલાકાત લઈને વિવિધ મુદ્દા પણ તૈયાર કરી દેવામાં આવ્યાં છે. જેના આધારે આવનાર દિવસોમાં સ્કુલોનું સ્તર ઉંચુ લાવી, બાળકોને સારૂ શિક્ષણ આપવામાં આવશે.