- વ્યારાનાં નવીન ખટિકે સુરતના પ્રતિક ચુડાસમાને સાપુતારામાં મળી બિલ્ડર નિશિષના હાથ- ટાંટિયા તોડવા રૂ. ૮૦ હજારની સોપારી આપી હતી !
- નવીને સુરતના ચાર હત્યારાઓને બોલાવી પોતાના જૂના ઘરમાં રાખ્યા, હત્યા કરવા કાર આપી હતી: તેમણે નિશિષની ત્રણ દિવસ રેકી કરી
વ્યારા: વ્યારા વૃંદાવાડીમાં હનુમાન મંદિર સામે બિલ્ડર નિશિષ શાહ ઉપર તીક્ષ્ણ હથિયારો વડે ત્રાટકી ચાર હત્યારાઓએ તેનું ખુબ જ નિર્દઈતાથી ઢીમ ઢાળી દઈને નાસી ગયા હતા. આ ક્રૂર હત્યાની ઘટનાના છ દિવસ પછી ચાર હત્યારાઓ પૈકી બેની સુરતના અમરોલીથી અને હત્યામાં મદદ કરનાર બે શખ્સો મળી કુલ ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ હત્યા સુરતના ચાર શખ્સોએ કરી હતી. હત્યામાં સામેલ અન્ય સાગરિતો ફરાર છે. પોલીસે ચારેય આરોપીઓને કોર્ટનાં હવાલે કરી રિમાંડની ગતિવીધિ આરંભી છે.
વ્યારાનો નવીન ખટીકએ ૧૦મી મેનાં રોજ સાપુતારા ફરવા ગયો હતો, ત્યારે પ્રતિક ચુડાસમાને વ્યારાનાં નિશિષ શાહના હાથ- ટાંટીયા તોડવા રૂ. ૮૦ હજારની સોપારી આપી હતી. તેણે તેના સાગરિતો સાથે વ્યારા રાયકવાડ મહોલ્લાનાં નિશિષભાઇ મનુભાઇ શાહ (ઉ.વ. ૫૧)ની ૧૪મી મેનાં રોજ રાત્રિનાં ૮:૧૫થી ૮:૩૦ વાગ્યાનાં અરસામાં હત્યા કરી હતી.
આ બનાવમાં પોલીસે ઘટના સ્થળનાં સીસીટીવી ફુટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોની મદદથી પોલીસ દ્વારા અનેક શકદારોની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં શકદાર તરીકે પરિમલભાઇ જશવંતભાઇ સોલંકી (રહે. બેથેલ કોલોની, અંધારવાડી રોડ, વ્યારા) અને સંજયભાઇ ઉર્ફે ટીકલો ગોવિંદભાઇ રબારી (કરમટીયા) (રહે. બાબુનગર, રામકબીર મીલ, ગામ- મઢી, તા. બારડોલી) આ બન્નેની કડકાઈથી પુછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે વ્યારા તોરણ રેસિડન્સીનો નવીનભાઇ ભવરલાલ ખટીક (મારવાડી)એ તેના સુરત અમરોલીનાં મિત્રો પ્રતીક ખીમજીભાઇ ચુડાસમા, નવીન ઉર્ફે રવિ ચુડામણ, દેવા મરાઠી તથા મન્નુ માલીયા ઓરિસ્સાવાલા (હાલ રહે. કતારગામ, સુરત)ને હત્યા કરવા વ્યારા બોલાવ્યા હતા. પોતાના જુના ઘરમાં રાખી પોતાની પાસેની સિલ્વર કલરની મહિન્દ્રા કંપનીની KUV ફોર વ્હીલ ગાડી નં. જીજે ૦૫ જેપી ૨૪૪૫ આપી હતી. જે કારનો ઉપયોગ બિલ્ડરની હત્યા માટે કરાયો હતો.
મઢીના સંજય ઉર્ફે ટીકલો રબારીએ ગુનામાં વપરાયેલી કારને મઢી નહેરમાં નાંખી પુરાવાનો નાશ કર્યો
વ્યારા: નવીન મારવાડી સાથે હત્યારાઓએ ભેગા મળી બિલ્ડર નિશિષ શાહની ૩ દિવસ સુધી રેકી કરી, હાઇવેની હોટલ પરથી ચપ્પુ, બેઝ બોલના ડંડા તથા હાથની લોખંડની ફેટ ખરીદી ૧૪મી મેનાં રોજ રાત્રિનાં ૮થી ૮:૩૦ દરમ્યાન ચારેય જણાએ ગુનાને અંજામ આપી નવીન ખટીકની સુચના મુજબ હાઇવેની હોટલ પાસે ભેગા થઈ સ્વીફ્ટ ગાડીમાં નવીન ખટીક અને પરિમલ સોલંકી તથા KUV ફોરવ્હીલ ગાડી નં. જીજે ૦૫ જેપી ૨૪૪૫માં પ્રતીક ચુડાસમા, નવીન ઉર્ફે રવિ ચુડામણ, દેવા મરાઠી તથા મન્નુ માલીયા ઓરિસ્સાવાળા આ લોકો મઢી રહેતા સંજયભાઇ ઉર્ફે ટીકલો ગોવિંદભાઇ રબારી પાસે ગયા હતા. ત્યાંથી ગુનામાં વાપરેલ KUV ફોરવ્હીલ ગાડી નં જીજે ૦૫ જેપી ૨૪૪૫ને મઢી ગામની સીમમાંથી પસાર થતી નહેરના પાણીમાં નાંખી પુરાવાનો નાશ કર્યો હતો.
વ્યારાનો પરિમલ સોલંકી હત્યારા પ્રતીક ચુડાસમા અને રવિ ચુડામણને અગાઉથી જ ઓળખતો હતો
વ્યારા: મઢીનો સંજય ઉર્ફે ટીકલો ગોવિંદભાઇ રબારી પોતાની એક્સયુવી નં. જીજે ૦૫ જેઆર ૧૫૭૦માં અંકલેશ્વર- ભરૂચ હાઇવે રોડ પર ચારેય જણાને ઉતારી આવ્યો હતો. પરિમલ સોલંકી તે પ્રતીક ખીમજીભાઇ ચુડાસમા, નવીન ઉર્ફે રવિ ચુડામણને અગાઉથી ઓળખતો હોય તેણે માહિતી આપતા વ્યારા પોલીસ તથા એલસીબીએ ડી.સી.બી.કાઇમ બ્રાંચ સુરતની મદદ મેળવી પ્રતીક ચુડાસમા અને નવીન ઉર્ફે રવિ ચુડામણ આ બન્નેની સુરતનાં અમરોલીથી અટક કરી હતી. આ ગુનામાં સંડોવાયેલ ફોર વ્હીલ ગાડી KUV ફોરવ્હીલ ગાડી નં. જીજે ૦૫ જેપી ૨૪૪૫ છેલ્લા એકાદ વર્ષથી વ્યારાનો નવીન ખટીક વાપરતો હતો.
પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
(૧) નવીન ભવરલાલ ખટીકની વિરૂદ્ધમાં વ્યારા પોલસી સ્ટેશનમાં દારૂની હેરફેર સહિતના અનેક ગુના નોંધાયા છે. (૨) સંજયભાઇ ઉર્ફે ટીકલો ગોવિંદભાઇ રબારી (કરમટીયા) રહે. બાબુનગર)ની વિરુદ્ધમાં મારામારી, રાયોટિંગ તથા મારી નાંખવાની કોશિષનો ગુનો (૩) પ્રતીક ખીમજીભાઇ ચુડાસમા (રહે. અમરોલી, સુરત)ની વિરૂદ્ધમાં રાયોટિંગ, લુંટનાં ગુના નોંધાયેલા છે. પાસા એકટ હેઠળ સજા ભોગવી છે. (૪) નવીન ઉર્ફે રવિ ચુડામણની વિરૂદ્ધ લુંટ, રાયોટિંગના ગુના સુરત શહેરમાં નોંધાયા છે.
કબજે લેવાયેલો મુદામાલ
(૧) ફોર વ્હીલ ગાડી KUV ફોરવ્હીલ ગાડી નં. જીજે ૦૫ જેપી ૨૪૪૫ (૨) ફોર વ્હીલ ગાડી XUV નં. જીજે ૦૫ જેઆર ૧૫૭૦ (૩) બેઝ બોલ દંડા અને ચપ્પુ