વડોદરા: મોબાઇલ ફોનનું વેચાણ કરતી દુકાનમાં ફરજ બજાવતા મેનેજરે રૂપિયા 10.75 લાખ ઓફિસમાં જમા કરાવવાને બદલે બારોબાર ચાઉ કર્યા હોવાના બનાવ અંગે નોધાયેલી ઉચાપતની ફરિયાદમાં પાણીગેટ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર સિલ્વરલિપ સોસાયટીમાં રહેતા જયદેવ ભટ્ટ એસ.કે. ઇન્ફીનિટી નામે કંપનીમાં ઉપ-પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. મોબાઇલ ફોનનું વેચાણ કરતી કંપનીની શહેર જિલ્લા તથા નર્મદા જિલ્લામાં કુલ દસ દુકાનો આવેલી છે તમામ દુકાનોનું દર મહિને ઓડિટ કરવામાં આવે છે અને એકાઉન્ટ વિભાગના મીનલ ભાઈ શીરસાગર ઓડિટ ની કામગીરી કરે છે.
વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે આવેલી દુકાનમાં સ્ટોર મેનેજર તરીકે દર્શન તાંદલેકર ફરજ બજાવતા હતા. સ્ટોર ઓડિટરની તપાસમાં માલ સામાન ઓછો નજરે પડ્યો હતો અને તેની સામે વડી કચેરી ખાતે નાણાં જમા કરાવવામાં આવ્યા ન હોવાની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી.
દુકાનમાં તપાસણી હાથ ધરવામાં આવતા ગત તારીખ 19મી મેથી તારીખ 18 નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન નવા અને જૂના મોબાઇલ ફોન , એસેસરીઝ સહિતના વેચાણના રૂપિયા ૧૦.૭૫ લાખ જેટલીરકમ ઓફિસમાં જમા કરાવવામાં આવી ન હતી.
તદુપરાંત દુકાનના સ્ટોર મેનેજર દર્શન તાંદલેકર કોમ્પ્યુટર ઉપર બિલ બનાવવાને બદલે કાઉન્ટર સ્લીપોના મેન્યુઅલી બિલો બનાવીને રજુ કરવામાં આવ્યા હતાં ઓડિટના એહવાલ માં સ્ટોકમાં તફાવત અને વડી કચેરી ખાતે રૂપિયા ૧૦.૭૫ લાખ ની ભરપાઈ નહીં કરવા બદલ સ્ટોર મેનેજર દર્શન તાંદલેકર ની પુછપરછ કરવામા આવતા તેઓએ ગલ્લાતલ્લા કર્યા હતાં.
તેથી પાણીગેટ પોલીસ મથકે છેતરપિંડી અને વિશ્વાસઘાતના બનાવવા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે.