SURAT

કોરોનાના વિસ્ફોટ વચ્ચે પણ સરકારને પતંગ મહોત્સવ ઉજવવાનાં અભરખા, સુરતમાં આ ઠેકાણે કર્યું આયોજન

સુરત: શહેરમાં કોરોનાના (Corona) વિસ્ફોટ વચ્ચે સુરત (Surat) મનપા (SMC) દ્વારા પતંગ મહોત્સવ (Kite Festival) અને પુસ્તક મેળા (Book fair) જેવાં આયોજનો નહીં કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ રાજ્યમાં કોરોનાના ભયાવહ સ્વરૂપ છતાં રાજ્ય સરકાર હજુ પણ સરકારી મેળાવડા પર બ્રેક મારવાના મૂડમાં નથી.

  • પતંગ મહોત્સવની ઉજવણી માટે મહાનગર પાલિકા અને સરકારી ઓફિસોમાં બેઠકોનો દૌર શરૂ થઈ ચૂક્યો છે
  • પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના ૧૦૦થી વધુ પતંગબાજો હાજર રહે તેવી શક્યતા
  • પતંગ મહોત્સવમાં ૪૦૦ નાગરિકને જ પ્રવેશ આપવામાં આવે તેવી સંભાવના

આગામી 8મી તારીખે અમદાવાદ (Ahmedabad) રિવરફ્રન્ટ (Riverfront) અને 9મી જાન્યુઆરીના રોજ અડાજણ ખાતે સ્વામીનારાયણ મંદિર (Swaminarayan Temple) નજીક રિવર ફ્રન્ટ ખાતે પતંગ મહોત્સવના આયોજનની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના માટે મહાનગર પાલિકા અને સરકારી ઓફિસોમાં બેઠકોનો દૌર શરૂ થઈ ચૂક્યો છે. આ પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના ૧૦૦થી વધુ પતંગબાજો (Kitesurfers) હાજર રહેશે. જ્યારે કોવિડ-૧૯ ગાઈડ લાઈનને (Covid-19 guide line) ધ્યાને રાખીને રિવર ફ્રન્ટ ખાતે યોજાનાર પતંગ મહોત્સવમાં ૪૦૦ નાગરિકને જ પ્રવેશ આપવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આશ્ચર્યની વાત તો એ છે કે, એક બાજુ વિશ્વભરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે ફ્લાઇટો પર બ્રેક મારવાની સંભાવના છે અને વિદેશથી આવતા લોકોને ફરજિયાત ક્વોરન્ટાઇન કરવાનો નિયમ છે. ત્યારે બીજી બાજુ આ આયોજન થઇ રહ્યું હોવાથી ઈન્ટરનેશનલ પતંગબાજો આવશે કે કેમ તે અંગે પણ સવાલ છે. હાલ 14 જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજોની યાદી તૈયાર હોવાનું સંબંધિત અધિકારીઓ જણાવી રહ્યા છે.

મંગળવારે રાજ્યમાં ઓમિક્રોન કોરોનાના 154 કેસ નોંધાયા

મંગળવારે રાજયમાં કોરોનાના નવા વેરીએન્ટ એવા ઓમિક્રોનના 2 કેસો નોંધાયા છે. જયારે આ સાથે રાજયમાં ઓમિક્રોનના કુલ 154 કેસો નોંધાયા છે. જે પૈકી રાજયમાં હાલમાં 58 દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે 96 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. રાજયમાં અમદાવાદ મનપા વિસ્તારમાં એક મહિલા તથા પુરૂષ સહિત બે દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હવે ઓમિક્રોનના દર્દીઓ છે. આ બન્ને દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

રાજયમાં મનપા વિસ્તાર તથા જિલ્લાવાર ઓમિક્રોનના કેસો જોઈએ તો અમદાવાદ મનપામાં 59 કેસો છે જેમાં 27 દર્દી ડિસ્ચાર્જ કરાયા છે. વડોદરા મનપામાં 25 કેસો છે જેમાં 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. સુરત મનપામાં 17 કેસો છે જેમાં 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આણંદમાં 15 કેસો છે જેમાં 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ખેડામાં 8 કેસો છે જેમાં 6 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. રાજકોટમાં 6 કેસો છે જેમં 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે.

ગાંધીનગર મનપામાં 5 કેસો પૈકી 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, જામનગર મનપામાં 4 કેસો છે જેમાંથી 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાં છે મહેસાણામાં 4 દર્દીઓ પૈકી 4 દર્દીઓને દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. કચ્છમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે. ભરૂચમા 2 દર્દી સારવાર હેઠળ છે, જયારે 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયો છે. વડોદરામાં એક દર્દી સારવાર છે. પોરબંદરમાં એક દર્દી નોંધાયો છે અને એક દર્દીને ડિસ્ચાર્જ કરી દેવાયો છે.જુનાગઢ મનપામાં 1 દર્દી છે 1 દર્દીને રજા અપાઈ છે. બનાસકાંઠામા 1 દર્દી સારવાર હેઠળ છે, જયારે 1 દર્દીને ડિસ્ચાર્જ કરી દેવાયો છે. જામનગર અને અમરેલીમાં 1-1 દર્દી સારવાર હેઠળ છે.

Most Popular

To Top