Comments

કલિયુગે સંઘ શક્તિ; આજની સ્થિતિમાં યથાર્થ સાબિત થાય છે

દુનિયાના પ્રત્યેક દેશોમાં ઉગ્રવાદીઓ તો હોય જ છે. પરંતુ ત્રાસવાદીઓનો કોઇ દેશ હોય તો તે પાકિસ્તાન છે. આઇ.એસ.આઇ.એસ. લશ્કરે તોયબા, જેશે મહોમ્મદ પ્રકારે ૨૪થી વધુ આતંકી જૂથોનાં આશ્રયસ્થાન, રક્ષક અને સંવર્ધક તેવા પાકિસ્તાનમાં આર્મી દ્વારા ઉગ્રવાદીઓને તાલીમ, સાધન અને સંરક્ષણથી સજ્જ રાખવામાં આવે છે. તો વળતે પક્ષે આતંકીઓ દ્વારા પણ પાકિસ્તાનની કહેવાતી લોકશાહી સરકાર વતી પડોશી દેશોમાં પ્રોકસી વોર ચલાવી લશ્કરી અધિકારીઓને રૂપિયે ટેકે માલામાલ રાખવા એટલું જ નહીં પણ પાકિસ્તાનમાં જરૂરી વિરોધીઓને કાં તો જેલના સળિયા પાછળ અથવા કબ્રસ્તાનમાં તેની જગ્યા દેખાડવામાં આવે છે.

ભારતનો ઇતિહાસ ધર્મ, જાતિ અને સંપ્રદાયોનાં અનેક સંગઠનથી સભર છે. પરંતુ તે બધા વચ્ચે ડૉ. કે.બી.હેડગેવારજીએ રાષ્ટ્ર એ જન્મભાવ અને અનુશીલનના આચરણથી શરૂ કરેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજે એક નોખી પ્રસ્તુતતા દાખવી રહ્યો છે. ર૭ સપ્ટેમ્બર ૧૯૨૫ના વિજયાદશમીએ નાગપુર (મહારાષ્ટ્ર)થી શરૂ થએલ ચળવળ દ્વારા ભારતની નવી પેઢીમાં (૧) શક્તિના માર્ગથી શાંતિ પ્રિયતાને અગ્રતાક્રમ આપ્યો છે. (૨) રાજનૈતિક જાગ્રતિથી સત્તા પ્રાપ્તિનો માર્ગ પ્રશસ્થ કર્યો છે. (૩) રાષ્ટ્રહિત માટે થઇ સમાજ સુધાર અને (૪) જ્ઞાન વિજ્ઞાનથી પરંપરાના આદરથી દરિદ્રતા ઉપરનો વિજય વિસ્તાર્યો છે.

સંઘની ભાવના આત્મસાત્ કરતા લોકશાહી જાગરણ માટે, અખંડ ભારત વર્ષનાં નાગરિકો પોતાના ધર્મ અને રાષ્ટ્ર ખાતર ઊંડો આત્મવિશ્વાસ ધરાવતા થાય તેવા પ્રયત્નો સાથે દેશને નવી દિશા પ્રદાન કરી. માત્ર શાસકીય વ્યવસ્થાઓથી પર આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ માટે ૨૮ એપ્રિલ ૧૯૨૭ના પ્રથમ એકત્રીકરણમાં જ સંઘે દિશાનિર્દેશ તય કરતાં જણાવ્યું કે ‘‘સંપૂર્ણ નિઃસ્વાર્થ ભાવનાથી દેશ અને સમાજ માટે કામ કરવાની ધગશ રાખતાં સ્વયંસેવકોને જ સભ્યપદ મળશે. ’’

ભગવા ધ્વજને ગુરુપદે સ્થાપી અને ગુરુ દક્ષિણામાં યુવાનોની રાષ્ટ્રભાવનાને સ્વીકારનાર રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે ભારતવર્ષમાં અટલબિહારી બાજપાઇ અને નરેન્દ્ર મોદી જેવા ઉત્કૃષ્ટ વડા પ્રધાનો આપ્યા છે. તો ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા તેમ અનેક રાજયોનાં મુખ્યમંત્રી અને મુખ્ય સચિવો આપી એક નવો રાષ્ટ્રવાદી ઇતિહાસ રચી આપ્યો છે. ૧ લાખ ૯૫ હજારથી વધુ પ્રકલ્પો સાથે જોડાયેલ ૨ કરોડ ૫૦ લાખથી વધુ સ્વયંસેવકો તેમજ રાષ્ટ્રસેવિકા સમિતિના માધ્યમથી નારીશક્તિનું સંયોજન ત્રિરંગાનું ગૌરવ બને છે.

રશિયાના કારણે આઝાદ ભારત ઉપર હાવી માર્કેસિસ વિચારધારા અને નહેરુ યુગમાં સેકયુલર વોટ બેંક થિયરીવશાત્ કોમી સંગઠન તરીકે સતત અપમાનિત આર.એસ.એસ.નાં અનેક દેશભક્તોને જેલવાસ ભોગવવો પડયો છે. તો ઇમરજન્સીમાં રાષ્ટ્રહિત વિરોધી તત્ત્વ તરીકે સ્થગિત કરાયું છે. આમ છતાં આ દેશનાં તમામ મુસલમાનોનાં જીન્સ સમાન છે તેવી સચ્ચાઇ વ્યકત કરનાર સર સંચાલક મોહન ભાગવતની વાત ૧૦૦ વર્ષ પછી વૈજ્ઞાનિક સત્ય બની રહી છે ત્યારે કબૂલવું પડે છે કે ઇતિહાસ દેશનાં આમલોકોના કારણે બને છે.

મહાપુરુષો, વિચારધારાઓ, તત્ત્વજ્ઞાન આ બધું સહાયક હશે પણ સામાન્ય વ્યક્તિઓનાં કર્તવ્યોથી જ દેશનો પરમ વૈભવ પ્રજવલિત થાય છે. પોતાની પીઠ થાબડવાની ખેવના વિના નિજની ફરજ જાણનાર સંઘની નિ:સ્વાર્થ ચતુરાઈથી આજે દુનિયાભરમાં ત્રિરંગો વિસ્તર્યો છે જે સ્વયં સંઘબળ બને છે. સરહદ પાર દુશમનોનાં કારનામાં માટે પડકાર બન્યો છે. આજની પરિસ્થિતિમાં એકજુટ રાષ્ટ્રની ધરા ઉપરથી કળિયુગે સંઘ શક્તિનો પૌરાણિક મંત્ર સાચો ઠર્યો છે.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top