પેગાસસ જાસૂસી મામલે દેશમાં કાગારોળ મચી છે. વિપક્ષી દળોએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. સડકથી લઇને સંસદ સુધી વિવાદ છેડાયો છે. પેગાસસ જાસૂસી મામલે જે લિસ્ટ સામે આવ્યું છે એમાં એવું કહેવાયું છે કે, દેશના ૩૦૦થી વધુ ફોનનંબરોની જાસૂસી કરવામાં આવી છે. આ જાસૂસીમાં ભારતની અનેક મોટી હસ્તીઓ સામેલ છે. જેમાં બિઝનેસમેન, જર્નાલિસ્ટ, બ્યુરોક્રેટ્સ, એક્ટિવિસ્ટ, પોલિટિશિયન્સ વગેરે સામેલ છે. જો કે, આ લોકોની ખરેખર જાસૂસી થઈ છે કે કેમ એ હજુ સાબિત થયું નથી. સરકારે તો સ્પષ્ટ એવું કહી દીધું છે કે, આ વાત તદ્દન ખોટી છે. દેશની છબીને ખરડવા માટે ષડયંત્ર છે.
અલબત્ત, દેશના રાજનીતિક ઈતિહાસમાં આ રીતની જાસૂસી કંઈ પહેલી વખત થઈ નથી! આ પહેલાં પણ આવાં અનેક સ્કેન્ડલ્સ થઈ ચૂક્યાં છે. આ સ્કેન્ડલ્સના કારણે સરકારો પણ પડી ગઈ છે! મુખ્ય મંત્રીઓએ રાજીનામાં પણ ધરી દેવાં પડ્યાં છે! મામલાઓ સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યા છે. દેશના ઈતિહાસમાં આવા તો અનેક મામલાઓ છે. તમે કહેશો આ ક્યા મામલાઓ છે? તો ચાલો જોઈએ.
રાજનીતિક જાસૂસીની શરૂઆત દેશમાં પહેલા પ્રધાન મંત્રી જવાહરલાલ નહેરુના જમાનાથી જ થઈ ગઈ હતી! વાત છે ૧૯૬૨ની. જવાહરલાલ નહેરુની કેબિનેટના પાવરફુલ મંત્રી હતા ટી. ટી. કૃષ્ણામાચારી. કૃષ્ણામાચારીએ તેમનો ફોન ટેપ થતો હોવાનો આરોપ મૂક્યો હતો! તેઓેએ એ વખતના ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડિરેક્ટર બી. એન. મલિકનું નામ પણ લીધું હતું. જો કે, આ મામલો પછી ક્યાં દબાઈ ગયો તેની કોઈને જાણ થઈ ન હતી. તત્કાલીન મંત્રી રફી કિડવાઈનું કહેવું હતું કે, સરકારના એક વજનદાર નેતાના કહેવાથી તેમનો ફોન પણ ટેપ કરવામાં આવતો હતો.
જો કે, મજાની વાત તો એ હતી કે, કિડવાઈએ આ બાબતનો ક્યારેય વિરોધ નહોતો કર્યો કે ફરિયાદ પણ નહોતી નોંધાવી. સંદેશાવ્યવહાર મંત્રી હોવાના નાતે તેઓએ AICC મુખ્યાલયના સામાન્ય ટેલિફોનને પોતાની પાસે ટ્રાન્સફર કરાવી લીધો હતો. ઉપરાંત પોતાના પરિવારને સલાહ આપી હતી કે, તેના સત્તાવાર ફોનને ડીનર વખતે, પારિવારિક મામલાઓ પર ચર્ચા સમયે બિઝી રાખવો.
આ મામલાઓ તો કંઈ ન હતા, ૧૯૫૯માં સૌથી પહેલાં એક એવો મામલો સામે આવ્યો હતો, જેમાં સેનાના પ્રમુખ સામેલ હતા! આર્મીના જનરલ કે. એસ. થિમય્યાએ તત્કાલીન રક્ષામંત્રી કૃષ્ણ મેનન સામે રાજીનામું ધરી દીધું હતું. થિમય્યાનું કહેવું હતું કે, તેમની ઓફિસ અને ઘર બંને સ્થળોએ બગ છે. તેઓએ પોતાના એક ઇલેક્ટ્રોનિક નિષ્ણાતની મદદથી બંને સ્થળ ડીબગ કરાવ્યાં હતાં. મતલબ કે, આર્મી જનરલની જાસૂસી થઈ રહી હતી.
પત્રકાર અને લેખક વિજય ત્રિવેદીએ એક મીડિયાને જણાવ્યું હતું કે, વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ પોતાના જ ગૃહમંત્રી જ્ઞાની ઝૈલસિંહનો ફોન ટેપ કરાવ્યો હતો. IBના ડિરેક્ટર રહી ચૂકેલાં એમ. કે. ધરે પોતાના પુસ્તકમાં આ વાત લખી હતી. ઈન્દિરા ગાંધીએ ખુદ પોતાના હોમ મિનિસ્ટરની જાસૂસી કરવાનું IBને કહ્યું હતું. આવું કરવા પાછળનો હેતુ ઓપરેશન બ્લ્યૂ સ્ટાર વખતે જનરલ સિંહ અને જ્ઞાની ઝૈલસિંહ વચ્ચે થયેલી વાતચીતને ટેપ કરવાનો હતો.
આ ઉપરાંત મેનકા ગાંધી અને તેના પરિવારના ફોન ટેપિંગ મામલે પણ ઘણા વિવાદો થઈ ચૂક્યા હતા. એમ. કે. ધરે એવું માન્યું હતું કે, તેઓએ મેનકા ગાંધીનાં માતા અમતેશ્વર આનંદના જોહર બાગ સ્થિત ઘરમાં વ્યક્તિગત રૂપે એક ફોન ટેપિંગ ડિવાઇસ ઇન્સ્ટોલ કરાવ્યું હતું. મેનકા ગાંધીની મેગેઝિન સૂર્યાની કચેરી પર દરોડા કરવામાં આવ્યા હતા. મેનકા ગાંધીના મિત્રોના ફોન પણ રેકોર્ડ કરાયા હતા.
પત્રકાર અને લેખક વિજય ત્રિવેદીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ સાથે તેમના સંબંધો સારા નહોતા. તે વખતે રાષ્ટ્રપતિની જાસૂસીનો પહેલો મામલો સામે આવ્યો હતો, જેમાં IB દ્વારા રાજીવ ગાંધીએ એ વખતના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહની જાસૂસી કરાવી હતી. આ વાત એમ.કે. ધરના પુસ્તક ઓપન સિક્રેટમાં નોંધવામાં આવી છે. અલબત્ત, જ્ઞાની ઝૈલસિંહ આ જાણતાં હોવાથી તેઓ હંમેશાં પોતાના મહેમાનોને રાષ્ટ્રપતિભવનના ગાર્ડનમાં મળતા હતા.
વર્ષ ૧૯૯૦ની વાત છે. ચંદ્રશેખરે તત્કાલીન પ્રધાનમંત્રી વી. પી. સિંહ અને તેના નેશનલ ફ્રન્ટ પર આરોપ લગાવ્યો હતો કે, તેમનો ફોન ટેપ કરવામાં આવે છે. જો કે, આ આરોપ આરોપ જ રહી ગયો હતો. વી. પી. સિંહના રાજીનામા પછી જનતા દળના નેતા ચંદ્રશેખરે પોતાના સમર્થકો સાથે પાર્ટી છોડી દીધી હતી અને સમાજવાદી જનતા પાર્ટી બનાવી હતી. ૧૯૯૦માં ચંદ્રશેખરે કોંગ્રેસના સમર્થન સાથે સરકાર બનાવી હતી.
એ વખતે ૨ માર્ચ, ૧૯૯૧ના રોજ હરિયાણા પોલીસના બે જવાન પ્રેમ સિંહ અને રાજ સિંહ રાજીવ ગાંધીના નિવાસ સ્થાન ૧૦, જનપથની બહાર જાસૂસીના આરોપમાં પકડાઈ ગયા હતા. બંને સાદા વેશમાં હતા અને પકડાયા પછી બંનેએ કબૂલ્યું હતું કે, તેઓને અમુક ગુપ્ત માહિતી ભેગી કરવા ત્યાં મોકલવામાં આવ્યા હતા. આ મામલે મોટો વિવાદ થયો હતો. ચંદ્રશેખરે એક સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે, કોંગ્રેસે આ મામલે સરકારને આપેલું પોતાનું સમર્થન પરત લેવાની જાહેરાત કરી દીધી હતી.
એ પછી ચંદ્રશેખર માટે સંસદમાં વિશ્વાસનો મત પ્રાપ્ત કરવાની નોબત આવી હતી. ફ્લોર ટેસ્ટ થવાનો હતો એ પહેલાં ચંદ્રશેખરે બધાને આશ્ચર્યમાં મૂકીને ૭ માર્ચ, ૧૯૯૧ના રોજ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. આ પહેલાં વર્ષ ૧૯૮૮માં આવો જ એક મામલો કર્ણાટકમાં બન્યો હતો. કર્ણાટકમાં રામકૃષ્ણ હેગડેની સરકાર હતી. આ દરમિયાન ફોન ટેપિંગનો મામલો સામે આવ્યો હતો.
ફોન ટેપિંગના મામલે મુખ્ય મંત્રી રામકૃષ્ણ હેગડેએ રાજીનામું આપવું પડ્યું હતું. એ વખતના કર્ણાટકના DGPને ૫૦થી વધુ નેતાઓના ફોન ટેપ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એકચ્યુઅલી ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા. બોફોર્સ મામલે રાજીવ ગાંધી ઘેરાયેલા હતા. એવામાં જનતા પાર્ટીના નેતૃત્વવાળી હેગડે સરકાર સામે કેન્દ્રને તપાસનો મોકો મળી ગયો હતો. દબાણમાં આવીને આ ચર્ચિત ફોન ટેપિંગ મામલે CMએ રાજીનામું આપવું પડ્યું હતું.
બહુ દૂર ન જઈએ તો સૌથી ચર્ચાસ્પદ મામલો રહ્યો હતો તાતા અને નીરા રાડિયા ટેપકાંડ. મોટી માત્રામાં ઇન્ટરસેપ્ટ કરાયેલી વાતચીત લીક થઈ જવાનો ભારતના ઈતિહાસનો આ સૌથી મોટો ટેપકાંડ હતો. આ ટેપમાં ભારતના ત્રણ સૌથી મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ નસ્લી વાડિયા, રતન તાતા અને કેશવ મહિન્દ્રાની વાતચીત હતી. આ ટેપમાં યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ (ઉલ્ફા) કઈ રીતે આસામમાં તાતાના માલિકીના ચાના બગીચાઓમાંથી પૈસા પડાવતું હતું તેની વાત હતી. આ ટેપ સામે આવી ગયા પછી તત્કાલીન પ્રધાન મંત્રી આઇ. કે. ગુજરાલે ઓડિયો ટેપ લીક મામલે CBIની તપાસના આદેશ પણ આપ્યા હતા.
જો કે, કોઈ પણ પ્રકારના પુરાવાના અભાવે આ તપાસને બંધ કરવી પડી હતી. આ ટેપ મામલે એ જવાબ ક્યારેય જનતાને ન મળ્યો કે, આ ઉદ્યોગપતિઓના ફોન ટેપ કરવાનો આદેશ કઈ એજન્સીએ આપ્યો હતો અને શા માટે? આ મામલાના બરાબર એક દાયકા પછી ફરી વર્ષ ૨૦૦૮માં કોર્પોરેટ લોબિઇસ્ટ નીરા રાડિયા ટેપકાંડ સામે આવ્યો હતો. નીરા રાડિયા ટેપકાંડ સૌથી ચર્ચાસ્પદ રહ્યો હતો. આવકવેરા વિભાગે વર્ષ ૨૦૦૮થી ૨૦૦૯ વચ્ચે નીરા રાડિયા, અમુક નેતાઓ અને કોર્પોરેટ હાઉસ વચ્ચેની વાતચીતને ટેપ કરી હતી.
આમાં અમુક પત્રકારો પણ સામેલ હતા. નીરા રાડિયા પર બિઝનેસ હાઉસ માટે કોર્પોરેટ લોબિંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ટેપકાંડમાં એવું બહાર આવ્યું હતું કે, નીરા રાડિયા ક્યા નેતાને ક્યું મંત્રીપદ મળશે, એ માટે લોબિંગ કરતી હતી. આમાં એ વખતના ટેલિકોમ પ્રધાન એ.રાજાનું નામ પણ સામેલ હતું. એ.રાજાએ 2G સ્પેક્ટ્રમ મામલે રાજીનામું ધરવું પડ્યું હતું. કોર્ટના દિશાનિર્દેશ મુજબ CBIએ આ મામલે ગુનાહિત એંગલ શોધવાની કોશિશ કરી હતી, પણ કંઈ મળ્યું નહોતું.
આ પછી વર્ષ ૨૦૧૧માં નાણાંમંત્રી પ્રણવ મુખર્જીએ એવી શંકા વ્યક્ત કરી હતી કે, તેની ઓફિસમાં સુરક્ષામાં છીંડા છે. તેઓએ પ્રધાન મંત્રી મનમોહન સિંહને આ વિશે તપાસ કરવા વિનંતી કરી હતી. તેઓએ એક ચિઠ્ઠી લખી કહ્યું હતું – ઓફિસમાં ૧૬ જગ્યાએ ચોંટી જાય એવા ચીકણા પદાર્થ મળ્યા છે. તેઓએ શંકા વ્યક્ત કરી હતી કે, કદાચ નાણાં મંત્રાલયના કામકાજ ઉપર કોઈ નજર રાખવાની કોશિશ કરી રહ્યું છે. જો કે, IBએ એ ચોંટી જતાં પદાર્થને ચૂઈંગ ગમ ગણાવી હતી. IBની તપાસમાં કંઈ ન મળતાં મામલો રફેદફે થઈ ગયો હતો.
છેલ્લે ૨૦૧૩માં અરૂણ જેટલી રાજ્યસભામાં ભાજપના નેતા હતા. તેઓએ ફોન ટેપ થતો હોવાનો આરોપ મૂક્યો હતો. આ મામલે પોલીસે અનેક લોકોની ધરપકડ કરી હતી. ૩૨ પેજની ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ મામલે જે ચાર લોકોને આરોપી બનાવવામાં આવ્યાં હતાં, તેમાં દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ અરવિંદ ડબાસ અને બીજા ત્રણ પ્રાઇવેટ ડિટેક્ટિવ સામેલ હતા.
ગયા વર્ષે ૨૦૨૦માં રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્ય મંત્રી સચીન પાયલોટ વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો ત્યારે પાયલોટ ગ્રુપે તેઓના વિધાનસભ્યોના ફોન ટેપ થતાં હોવાનો આરોપ મૂક્યો હતો કારણ કે ગેહલોતે એવું કહ્યું હતું કે, પાયલોટ ગ્રુપ સરકારને પછાડવાની સાજિશ રચી રહ્યું છે. પેગસાસ જાસૂસી મામલો સામે આવ્યા પહેલાં ભારતના ઈતિહાસમાં આવી અનેક રીતની જાસૂસી કરાઈ હોવાના આરોપ વારંવાર લાગતા રહ્યા છે. અહીં કોઈ દૂધે ધોયેલું નથી, જેના હાથમાં પાવર હોય છે તે આવું સતત કરતા રહ્યા છે. જાસૂસીનો હેતુ સીધો હોય છે – જાસૂસી કરાવનારા એવું જાણવા માગતા હોય છે કે, તેઓની વિરુદ્ધ તો કંઈ નથી ચાલી રહ્યું ને?