આજના કાળમાં શુદ્ધ શાકાહારી બની રહેવું એ લોઢાના ચણા ચાવવા જેવું દુષ્કર કાર્ય છે. જેઓ ધાર્મિક ભાવનાથી અથવા જીવદયાની ભાવનાથી માંસ, મચ્છી, ચિકન અથવા અન્ય હિંસક પદાર્થો ન વાપરતા હોય તેઓ સામાન્ય રીતે કોઇ પણ ખાદ્યપદાર્થ ખરીદે ત્યારે ‘ગ્રીન માર્ક’ જોઇને ખરીદે છે અને એવો વિશ્વાસ રાખે છે કે આ નિશાની ધરાવતા ખાદ્યપદાર્થમાં કોઇ માંસાહારી પદાર્થ નહીં હોય. આ વિશ્વાસ છેતરામણો પુરવાર થઇ શકે છે. તથાકથિત શાકાહારી પદાર્થોમાં પણ જિલેટીન, ગ્લિસરીન, કૃત્રિમ રંગો અને સુગંધો ઉમેરવામાં આવે છે. આ બધા પદાર્થોમાં પ્રાણીઓનાં હાડકાં, ચામડાં, રક્ત વગેરેના અંશો હોઇ શકે છે.
સરકારના કાયદાઓ રંગો અને રસાયણોના નામે ઉમેરવામાં આવતાં હિંસક પદાર્થો સામે કોઇ સંરક્ષણ આપતા નથી માટે આ કાયદાઓમાં સુધારા કરીને શાકાહારીઓને બચાવવાની જરૂર ઊભી થઇ છે. સાબુના ઉત્પાદકો સાબુ બનાવવા માટે મટન ટેલોનો ઉપયોગ કરે છે. સાબુની બનાવટ દરમિયાન ગ્લિસરીન એક બાય પ્રોડક્ટ તરીકે બહાર પડે છે. ગ્લિસરીન વનસ્પતિજન્ય હોઇ શકે છે પણ બજારમાં મળતું ૯૦% ગ્લિસરીન પ્રાણીજન્ય હોવાથી માંસાહારી છે. આ ગ્લિસરીન દવાઓ ઉપરાંત અન્ય ખાદ્યપદાર્થોમાં પણ વપરાય છે. દવાઓમાં તો શાકાહારી અથવા માંસાહારી પદાર્થોની હાજરી સૂચવવા કોઇ નિશાની જ કરવામાં આવતી નથી. આ કારણે માંસાહારના અંશો ધરાવતી દવાઓ શાકાહારીઓ અજાણતા વાપરે છે અને માંસાહારી બની જાય છે.
ગ્લિસરીનમાંથી જે ‘એડીટીવ’ બનાવવામાં આવે છે તેને E-422 નંબર આપવામાં આવ્યો છે. ફૂડ સેફટીના કાયદા મુજબ ખોરાકના પેકીંગ ઉપર માત્ર આ કોડ નંબર જ લખવામાં આવે છે. બજારમાં મળતી ઘણી બધી ચોકલેટમાં અને કેકમાં ‘એડીટીવ’ તરીકે ગ્લિસરીનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાં તેની ઉપર ‘ગ્રીન માર્ક’ જોવા મળે છે. ટૂથ પેસ્ટનો ઉપયોગ આપણે દાંત સાફ કરવા માટે કરીએ છીએ, પણ કાયદાની દૃષ્ટિએ તેને ‘ફૂડ’ ગણવામાં આવતું નથી. આ કારણે ટૂથ પેસ્ટ ઉપર ક્યારેય ગ્રીન અથવા રેડ માર્ક લગાવવામાં આવતા નથી. સ્નાન કરવા માટેના સાબુઓમાં મટન ટેલો વપરાતો હોવા છતાં શાકાહારીઓ તેને પોતાના શરીર ઉપર ઘસે છે. કાયદામાં સાબુની વ્યાખ્યા કોસ્મેટિક તરીકે કરવામાં આવી છે. લિપસ્ટિકમાં પ્રાણીઓનાં ચરબી અને લોહી વપરાય છે. લિપસ્ટિકને પણ કોસ્મેટિક ગણવામાં આવી હોવાને કારણે તેની ઉપર ‘માંસાહારી’ની નિશાની કરવામાં આવતી નથી.
પ્રાણીઓની કતલ કર્યા પછી જે હાડકાંઓ મળે છે તેમાંથી જિલેટીન બનાવવામાં આવે છે. જિલેટીન ખાદ્યપદાર્થ નથી પણ ઔદ્યોગિક કચરો છે માટે જિલેટીનના પેકીંગ ઉપર તે શાકાહારી છે કે માંસાહારી એવું બતાવવું જરૂરી નથી માનવામાં આવતું. આ જિલેટીનનો ઉપયોગ ચ્યુઇંગમ અને અમુક ચોકલેટો બનાવવા માટે થાય છે. મેન્ટોસ નામની ચીકણી પીપરમાં પણ જિલેટીન વપરાય છે. આ ચોકલેટોમાં જિલેટીન ‘એડીટીવ’ તરીકે વપરાતું હોવાથી તેને ખાદ્યપદાર્થનો એક હિસ્સો ગણવામાં નથી આવતો. આ કારણે જે ખોરાકમાં જિલેટીન હોય છે તેને પણ ‘ગ્રીન માર્ક’ આપવામાં આવે છે. સરકારના કાયદા મુજબ જે ખાદ્યપદાર્થમાં માંસાહારી પદાર્થ વપરાતો હોય તેને જ ‘રેડ માર્ક’ આપવામાં આવે છે. જે ‘એડીટીવ’માં માંસાહારી પદાર્થ વપરાતો હોય તેને ‘રેડ માર્ક’ આપવાની જોગવાઇ કાયદામાં નથી.
કતલખાનાંમાં કોઇ પણ પ્રાણીની કતલ કરવામાં આવે ત્યારે તેમાંથી ૨૫% ટકા ટેલો નીકળે છે, જેમાંથી ગ્લિસરીન બનાવવામાં આવે છે. આ સિવાય તેમાંથી ૨૦% માંસ મળે છે અને ૪૫% હાડકાં, ચામડા તેમ જ લોહી મળે છે. હાડકાંમાંથી જિલેટીન મળે છે, જેનો ઉપયોગ અનેક કહેવાતા શાકાહારી પદાર્થોની બનાવટમાં કરવામાં આવે છે. લોહીનો ઉપયોગ હિમોગ્લોબીન માટેની અનેક એલોપથી દવાઓમાં કરવામાં આવે છે. જે ૧૦% કચરો નીકળે છે તેમાં નકામાં હાડકાં, ચામડાં, વાળ, રૂંવાટી, પીંછા વગેરે હોય છે. આ નકામા પદાર્થોને બાળીને તેમાંથી કોલસો બનાવવામાં આવે છે.
આ કોલસાનો ઉપયોગ ખાદ્ય તેલને રિફાઇન કરવા માટે કરવામાં આવે છે. આ કારણે રિફાઇન્ડ તેલ ખાનારા શાકાહારીઓ આડકતરી રીતે પ્રાણીઓની કતલને પણ પ્રોત્સાહન આપે છે. અત્યારે બજારમાં જે જિલેટીન મળે છે તે સીધું કતલખાનાંના કચરામાંથી બનાવવામાં નથી આવતું. આ કચરામાંથી જાતજાતના ઔદ્યોગિક પદાર્થો બનાવવામાં આવે છે. તેમાંના એક પદાર્થમાંથી જિલેટીન બનાવવામાં આવે છે. આ કારણે જિલેટીનનો સમાવેશ ‘એડીટીવ’ અથવા ‘કેટેલિસ્ટ’ની યાદીમાં પણ કરવામાં આવતો નથી. વળી તે ખાદ્યપદાર્થ પણ નથી. તેમ છતાં તેને ખાદ્યપદાર્થમાં ઉમેરવામાં આવે છે. જિલેટીન ધરાવતા મોટા ભાગના ખાદ્યપદાર્થો આજે શાકાહારી પદાર્થો તરીકે બજારમાં વેચાય છે. ફૂડ સેફ્ટી કાયદાની ૧.૨.૭ કલમમાં જિલેટીનની વ્યાખ્યા માંસાહારી તરીકે કરવી જરૂરી બની જાય છે.
કેન્દ્ર સરકાર દ્વારા ‘ફૂડ’ની જે વ્યાખ્યા કરવામાં આવી છે તેમાં ટૂથપેસ્ટ, ટૂથપાવડર, લિપસ્ટિક, લિપ બામ વગેરેનો સમાવેશ કરવામાં આવતો નથી. આ કારણે શાકાહારીઓ પણ હાડકાંના ભુક્કામાંથી બનાવવામાં આવતી ટૂથપેસ્ટનો અને પ્રાણીઓનાલોહીમાંથી બનાવવામાં આવતી લિપસ્ટિકનો છૂટથી ઉપયોગ કરે છે. બ્રિટનના કાયદામાં ‘ફૂડ’ની જે વ્યાખ્યા કરવામાં આવી છે તેમાં ચ્યુઇંગમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતના જીવદયા પ્રેમીઓની માંગણી છે કે હવે ફૂડની વ્યાખ્યામાં ટૂથપેસ્ટ, ટૂથ પાવડર, લિપસ્ટિક અને લિપ બામનો પણ સમાવેશ કરવામાં આવે. આ પદાર્થો ઉપર જ્યાં સુધી ‘ગ્રીન માર્ક’ ન હોય ત્યાં સુધી શાકાહારીઓએ આ પદાર્થો વાપરવા જોઇએ નહીં.