Comments

યુધ્ધની સ્થિતિમાં નાગરિક ધર્મ બજાવજો, વેપારી ના બનતાં

કશ્મિરના પહેલગાંવમાં નિર્દોષ ભારતીયોને આતંકવાદીઓએ મોતને ઘાટ ઊતાર્યાં તેના જવાબમાં ભારત તરફથી ‘‘ઓપરેશન સિંદૂર’’પાર પાડવામાં આવ્યું. આમ તો પાકિસ્તાન સત્તાવાળા કહે છે કે અમે આતંકવાદનું સમર્થન કરતા નથી. એટલે આંતકવાદીઓ પર ભારતની એરસ્ટ્રાઈકને પાકિસ્તાન સાથે કોઈ લેવા દેવા નથી. પણ રખે ને પાકિસ્તાન સામું કોઈ અડપલું કરે અને યુધ્ધ જેવી સ્થિતિ ઊભી થાય તો ભારતીય નાગરિકો આકસ્મિક સ્થિતિને સમજી શકે તે માટે સરકારે સાતમી મે એ મોકડ્રિલનું આયોજન કર્યું. જેથી નાગરિકોને સાયરનના અવાજ, અંધારપટ કે બીજાં નિયંત્રણો સામે જીવવાની ટેવ પડે! ગભરામણ ન ફેલાય અને ખોટી અફવાઓ ન ફેલાય! સંસ્કૃતમાં કહેવાય છે કે‘‘યુધ્ધસ્ય કથા રમ્યા!’’ યુધ્ધની વાતો જેવો આનંદ, મનોરંજન અને ઉત્તેજના ભાગ્યે જ બીજા કશામાં હોય છે પણ આ વાક્યમાં ‘કથા’ શબ્દ છે. મતલબ કે ‘‘વાતો!’’ યુધ્ધની વાતો જ આનંદ આપે છે.

યુધ્ધ નહિ. પહેલગામ હુમલા પછી તરત ભારતમાં ચોરે ને ચૌટે, પાનના ગલ્લે અને ટી.વી. ચેનલોમાં બધે જ ‘‘પાકિસ્તાનને બતાવી આપો, હુમલો કરી દો,‘‘પાકિસ્તાનને ભારતમાં ભેળવી દો’. આપણે પણ ઈઝરાયલ જેવું જ કરવું જોઈએ ના જુસ્સાભર્યા સંવાદ શરૂ થઈ ગયા હતા. પણ ભારત સરકારે પૂરતા આયોજન અને વ્યૂહરચના પછી પંદર દિવસે યોગ્ય પગલાં લીધાં. આપણી બાજુએ નુકસાન ન થાય અને મિશન પાર પડે! તે જવાબદારીપૂર્વકનું વર્તન કહેવાય! આપણે અગાઉ લખ્યું હતું કે કેન્દ્ર સરકાર તો તેનું કાર્ય કરશે જ! આપણે આપણો નાગરિક ધર્મ બજાવવાનો છે. યુધ્ધની સ્થિતિમાં, આપત્તિના સમયમાં આપણી ફરજ શું છે?

કશ્મિરમાં આતંકી હુમલા પછી ભારતભરમાંથી કશ્મિર પ્રવાસમાં ગયેલાં પ્રવાસીઓએ ટૂર કેન્સલ કરી પરત ફરવાનો નિર્ણય કર્યો એટલે સ્થિતિનો ગેરલાભ લઈ એરલાઈન્સથી માંડીને તમામ વાહનવ્યવહાર સગવડ આપનારાએ ભાવ વધારી દીધા. પ્રવાસીઓને લૂંટવાનું શરૂ કરી દીધું. આતંકવાદની ચર્ચામાં વ્યસ્ત સમાચાર માધ્યમોએ આ ‘‘આપત્તિને અવસર બનાવનારી વેપારી વૃત્તિ’’ની ચર્ચા કરી નહીં. સરકારે પણ આ મામલે મૌન સેવ્યું. આતંકવાદીઓએ નિર્દોષોને માર્યાં તો આ વેપારીઓએ ‘‘લૂંટ્યાં’’! હવે આવું ના થાય તે આપણે સૌ એ જોવાનું છે.

યુધ્ધનો એક નિયમ છે. ક્રૂર નિયમ છે અને તે એ કે તમે શરૂ કરી શકો છો. પણ તમે ઈચ્છો ત્યારે અંત લાવી શકતા નથી. મતલબ કે પાકિસ્તાન પર હુમલો કરી દો, ઈઝરાઈલ જેવું કરો. આ બોલવું સહેલું છે. એરસ્ટ્રાઈકના સમાચારથી જુસ્સો આવી જાય તે સ્વાભાવિક છે. પણ આ જુસ્સો ટકાવી રાખવાનો છે. સૌમ્ય નાગરિક વર્તનમાં રસ્તા પર ફટાકડા ફોડવા, ટ્રાફિક જામ કરવો એ યોગ્ય નથી. આ તણાવ લાંબો સમય ચાલી શકે છે. આ આતંકવાદીઓ સામા પ્રહાર કરી શકે છે. શક્ય છે થોડુ નુકસાન આપણા પક્ષે પણ આવે તો પછી એ સમયે અકળાઈ નઈ જવાનું. સરકારને સાથ આપવાનો.

આજે માત્ર ટ્રેનિંગ માટે મોકડ્રિલ થઈ પણ આવનારા સમયમાં ખરેખર અંધારપટ થાય. નિયંત્રણો આવે તો સહન કરવાનું. એ વખતે કાયદો તોડવા આગેવાની નહીં લેવાની! કોરોનાકાળ હોય કે અન્ય આકસ્મિક પરિસ્થિતિ આપણે ‘નાગરિક’બનવાને બદલે પરિસ્થિતિનો લાભ લેનારા ‘વેપારી’ બની જઈએ છીએ. સરકારે જીવનજરૂરી ચીજો સાથે રાખવાનું કહ્યું છે. આપણે બિનજરૂરી ચીજોનો પણ સંગ્રહ કરવા મંડીએ છીએ. સંગ્રહખોરી, કાળાબજાર, ભાવવધારો, કૃત્રિમ અછત આ બધી જ યુધ્ધ સમયની આડ પેદાશ છે.

ભારતમાં અગાઉ પણ યુધ્ધ થયાં છે. પાકિસ્તાન સાથે, ચીન સાથે. પણ તે સમયે સોશ્યલ મિડિયા ન હતું! આ વખતે જે સૌથી વધારે સાચવવાનું છે તે સોશ્યલ મિડિયાના બેજવાબદાર વાયરલ મેસેજથી! વળી અગાઉ જ્યારે જ્યારે પાકિસ્તાન સાથે યુધ્ધ થયું ત્યારે ભારતમાં આપણે સ્થાનિક મુસ્લિમો સાથે કદી સંઘર્ષ કે નફરત ફેલાવા દીધી નથી. આ વખતે આવું નથી. કેટલાંક તત્ત્વો તકનો લાભ લઈ ભારતમાં આંતરિક વૈમનસ્ય સર્જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાજનીતિમાં રહેલા કટ્ટરવાદી નેતાઓએ ઓવૈશી પાસેથી રાજનીતિના પાઠ શીખવા જેવા છે. તદ્દન કટ્ટરવાદી ગણાતા આ નેતા અત્યારે કેન્દ્ર સરકાર સાથે ઊભા છે. તેઓ આંતરિક વૈમનસ્ય ઉપર પણ નથી બોલતા. બોલે છે માત્ર પાકિસ્તાનના વિરોધમાં! આપણે ત્યાં ઘણા નેતાઓ મુસ્લિમોના આર્થિક બહિષ્કાર કે અન્ય તિરસ્કારની વાતો જાહેરમાં કરવા માંડ્યા છે. ઘણી વાર રાજકીય પાર્ટીમાં આંતરિક રાજકારણ ચાલતું હોય છે તેનો પણ અવસર જોઈને લાભ લેનારા લાભ લઈ લેતા હોય છે. ટૂંકમાં, એરસ્ટ્રાઈકના સમાચારથી એમ થાય કે હાશ! ભારતે બદલો તો લીધો!

આપણા લશ્કરે આયોજનપૂર્વક, નાગરિક નુકસાન વગર, આતંકી થાણાંઓ નષ્ટ કર્યાં…. પણ… આ એટલે અટકવાનું નથી. યુધ્ધમાં સૌથી મોટું નુકસાન સત્યને થતું હોય છે. રશિયા-યુક્રેન, ઈઝરાયેલ ગાઝા અને હવે ભારત-પાકિસ્તાન! દુનિયાના કેટલા મોટા ભાગમાં પ્રજા યુધ્ધના માહોલમાં જીવી રહી છે. ‘‘હિંસાના વિચાર’’ને મારી શકાતો નથી! યુધ્ધના સાચા આંકડા કદી બહાર આવતા નથી. આપણે ઈચ્છીએ કે આતંકવાદીઓને યોગ્ય સબક મળે. આને ફરીથી ધર્મ પૂછીને મારવા જેવી કાયર હરકત ન કરે! આપણે પણ મુશ્કેલ સ્થિતિમાં રાષ્ટ્રધર્મ નિભાવીએ!  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top