Editorial

દેશમાં અચાનક જ એક પછી એક કોમી તોફાન પાછળ કોઇનો દોરીસંચાર તો નથીને

દેશની શાંતિમાં પલિતો ચાંપવાની શરૂઆત રાજસ્થાનના કરૌલી શહેરથી શરુ થઇ હતી. અહીં 2 એપ્રિલએ હિંદુ નવ સંવત્સર પર ભગવા રેલીમાં અચાનકથી થયેલા પથ્થરમારા અને આગની ઘટના બાદ દોડાદોડ અને બૂમાબૂમ મચી ગઈ. શહેરની દુકાનોના શટલ પડવા લાગ્યા, લોકો ઘર તરફ દોડવા લાગ્યા. ચારે તરફ અફરાતફરીનો માહોલ બની ગયો. આગ અને પથ્થરમારાથી દરેક લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળ શોધી રહ્યા હતા. કરૌલીમાં જે ઘટના બની હતી તે અચાનક ભડકેલી હિંસા ન હતી પરંતુ એક સુનિયોજીત કાવતરુ હતું.

અહીં અગાશીઓમાં પહેલેથી જ પથ્થર રાખવામાં આવ્યા હતા. જેવી શોભાયાત્રા ચોક્કસ વિસ્તારમાંથી પસાર થઇ એટલે તેની ઉપર સીધી જ પથ્થરબાજી શરૂ થઇ ગઇ હતી. અહીં કાવતરાના ભાગરૂપે જ તલવાર અને લાઠી જેવા ઘાતક હથિયારો સાથે લોકો ધસી આવ્યા હતા અને દુકાનોને આગને હવાલે કરી દીધી હતી. તેવી જ અન્ય ઘટના મધ્યપ્રદેશના ખરગોનમાં સામે આવી હતી. ખરગોનમાં 10 એપ્રિલે રામનવમીની શોભાયાત્રા દરમિયાન સાંજે 5:30 વાગ્યા બાદ ઘણી જગ્યાએ સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી.તવડી વિસ્તારમાં પેટ્રોલ બોમ્બ ફેંકીને આગ ચાંપવામાં આવી હતી  અને સાંજના સમયે ઈંટ અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.

ખરગોનમાં તળાવ ચોક કરીને વિસ્તાર આવેલો છે અહીં પોલીસ ચોકી પણ છે અને તેની બરાબર સામે મસ્જિદ પણ આવેલી છે. અહીં વર્ષોની પરંપરા મુજબ જુદા જુદા મંડળો ઝાંખી કાઢે છે અને આ બધી ઝાંખીઓ અહીં જ ભેગી થાય છે. મુખ્ય ઝાંખી આવ્યા પછી અહીંની ઝાંખીઓ સરઘરરૂપે શહેરમાં ફરે છે. આ ઘટના ઉપર સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન શનિવારે દિલ્હીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા ઉપર એક કાવતરાના ભાગરૂપે હુમલો  કરવામાં આવ્યો હતો. ઉત્તર-પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શનિવારે હનુમાન જયંતી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.

જેમાં ઘણા લોકો ઘાયલ થયા  છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા એક અહેવાલ અનુસાર હનુમાન જયંતી નિમિત્તે યોજવામાં આવેલી શોભાયાત્રામાં અંદાજે 300 લોકો સામેલ હતા. આ હિંસામાં આઠ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે અને એક સ્થાનિક નાગરિકને પણ ઈજા થઈ છે. આ હિંસાની શરૂઆત કઈ રીતે થઈ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અહેવાલમાં પોલીસ સૂત્રોને ટાંકીને લખ્યું છે કે જ્યારે આ શોભાયાત્રા જહાંગીરપુરી વિસ્તારના સી-બ્લૉક પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે મારામારીથી શરૂ થયેલી આ ઘટના હિંસા અને પથ્થરમારામાં ફેરવાઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલા લોકોએ ઘણાં વાહનોને આગ ચાંપી દીધી હતી અને આસપાસની દુકાનોને પણ નુક્સાન પહોંચાડ્યું હતું. હિંસામાં દિલ્હી પોલીસના એક સબ-ઇન્સ્પેક્ટરને ગોળી પણ વાગી  છે.

આ પહેલા ગુજરાતમાં પણ હિંસા ભડકી ઉઠી હતી. ગુજરાતના હિંમતનગરમાં પણ આ રીતે જ રામનવમીની શોભાયાત્રા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અહીં પણ ભારે પથ્થરમારો અને આગચંપી કરવામાં આવી હતી. આ ઘટના બાદ સોમવારે દિવસ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સિનિયર પોલીસ અધિકારીઓ સાથે બેઠકોનો દોર યોજીને સમગ્ર ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક હાથે પગલાં લેવા તાકીદ કરી હતી. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા પણ તેમાં હાજર રહ્યા હતા. સંઘવીએ કહ્યું હતું કે, આરોપીઓ સામે ગુના દાખલ કરાયા છે. કડક હાથે કાર્યવાહી કરાશે.

આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, હિંમતનગરમાં તો રેપિડ એક્શન ફોર્સ ગોઠવી દેવાઈ છે. આરએએફ દ્વારા ફ્લેગ માર્ચ પણ કરાઈ હતી. આ ઉપરાંત હિંમતનગરમાં 144ની કલમ એટલે કે પ્રતિબંધિત આદેશ જારી કરી દેવાયો છે. હિંમતનગરમાં 39 જેટલા આરોપી સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ છે. જ્યારે વધુમાં 700 લોકોનાં ટોળાં સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. હિંમતનગરમાં બે આઈજી તથા ચાર એસપી કક્ષાના સિનિયર અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ત્રણ અલગ અલગ ફરિયાદ અહીં દાખલ કરાઈ છે. 39 આરોપી સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ છે. તેવી જ રીતે ખંભાતમાં પણ શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયો હતો. અહીં આઠ જેટલી દુકાનનોમાં આગચંપી કરવામાં આવી હતી. અહીં એક વ્યક્તિનું મોત પણ થયું હતું અને તેમાં સંડોવાયેલા ત્રણ મૌલવીઓએ કબૂલાત કરી હતી કે, આ હુમલો પૂર્વનિયોજિત હતો અને તેના માટે બહારથી માણસો બોલાવવામાં આવ્યા હતા.

આ તો થઇ દેશમાં બનેલી જુદી જુદી ઘટનાઓની પરંતુ, વિચારવા જેવી વાત એ છે કે, કોરોનાના બે વર્ષને બાદ કરીએ તો વર્ષોથી આ પ્રકારની ધાર્મિક  યાત્રાઓ નીકળતી જ આવી છે. તો આ વર્ષે જ કેમ શોભાયાત્રાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. તેની પણ તપાસ થવી જોઇએ અને સૌથી મહત્વની વાત તો એ છે કે, કોઇપણ કોમની વ્યક્તિ કોમી તોફાન મચાવે તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઇએ. દેશની શાંતિ ડહોળવાની કોશિશ કોઇ પણ કરે તો તે સાંખી લેવું જોઇએ નહીં. એટલું જ નહીં આવી અસામાજિક પ્રવૃતિ કરનારા પાછળ દોરીસંચાર કોણ કરે છે તે પણ સરકારે શોધવું જોઇએ.

Most Popular

To Top