આંકડાઓનો ઉપયોગ સત્ય ઉજાગર કરવા માટે થતો હોય છે તેમ જૂઠાણાં ફેલાવવા માટે અને સત્ય છૂપાવવા માટે પણ થતો હોય છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું કે ગરીબોને મફતમાં અનાજ આપવાની ભારત સરકારની યોજનાને કારણે ૨૦૨૦ માં ભારતમાં ‘અત્યંત ગરીબ’ લોકોની ટકાવારી ૦.૮૬ ટકા જેટલી નીચી રાખવામાં સરકારને સફળતા મળી છે. આ વિધાન વાંચ્યા પછી હું તમને કહું કે ‘‘૨૦૨૦ દરમિયાન ભારતમાં ગરીબોની અને અત્યંત ગરીબોની સંખ્યામાં વધારો થયો છે’’ તો તમે તે વાત માનશો ખરા? આઈએમએફનો ઉપરોક્ત હેવાલ જ ધ્યાનપૂર્વક વાંચતાં જણાય છે કે ૨૦૧૯ માં ભારતમાં અત્યંત ગરીબોની સંખ્યા ૦.૭૬ ટકા હતી, જે વધીને ૦.૮૬ ટકા થઈ છે. ભારતની વસતિ આશરે ૧૩૪ કરોડની છે તે જોતાં ઉપરના આંકડા મુજબ જ ભારતમાં અત્યંત ગરીબોની વસતિમાં પણ ૦.૧ ટકા અથવા ૧૩.૪૦ લાખનો વધારો થયો છે.
આઈએમએફના જ આંકડાઓ મુજબ ૨૦૨૦ દરમિયાન ભારતમાં ગરીબોની વસતિમાં ૩.૩ ટકાનો વધારો થયો છે. ભારતની ૧૩૪ કરોડની વસતિને લક્ષમાં લેતાં ગરીબોની વસતિમાં એક જ વર્ષમાં ૪.૪ કરોડનો વધારો થયો છે. હજુ વધુ ઊંડા ઊતરીએ તો ૨૦૧૯ માં ભારતમાં ગરીબોની ટકાવારી ૧૪.૮ ટકાથી વધીને ૧૮.૧ ટકા પર પહોંચી ગઈ હતી. બીજા શબ્દોમાં ૨૦૧૯ માં ભારતમાં ૧૯.૮૪ કરોડ ગરીબો હતા, પણ ૨૦૨૦ માં તેની સંખ્યા વધીને ૨૪.૨૬ કરોડ પર પહોંચી ગઈ હતી. જે દેશમાં એક જ વર્ષમાં ગરીબોની સંખ્યામાં ૪.૪ કરોડનો વધારો થયો તેની સરકારને આઈએમએફ દ્વારા શાબાશી આપવામાં આવે છે. હકીકત એ છે કે ભારતમાં ગરીબોની સંખ્યા કેટલી છે? તેના કોઈ પ્રમાણભૂત આંકડાઓ જ મળી શકતા નથી; કારણ કે સરકાર દ્વારા ગરીબી રેખાની કોઈ નિશ્ચિત વ્યાખ્યા જ કરવામાં આવી નથી.
આઈએમએફ દ્વારા ઉપરોક્ત રિપોર્ટમાં ભારતમાં ગરીબોની અને અત્યંત ગરીબોની સંખ્યા નક્કી કરવા માટે વિશ્વબેન્કની ગરીબી રેખાની અવધારણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અવધારણા મુજબ જે માણસ રોજના ૧.૧૯ ડોલર (આશરે ૯૦ રૂપિયા) અથવા તેથી ઓછી રકમમાં પોતાનો જીવનનિર્વાહ કરતો હોય તેને અત્યંત ગરીબ ગણવામાં આવે છે; અને જે માણસ રોજના ૩.૨૫ ડોલર (આશરે ૨૪૫ રૂપિયા) અથવા તેથી ઓછી રકમમાં પોતાનો જીવનનિર્વાહ કરતો હોય તેને ગરીબ માનવામાં આવે છે. ભારતમાં આવાં ગરીબો પણ લગભગ ૨૫ કરોડ છે. જેમને રોજના ૯૦ રૂપિયા પણ ન મળતા હોય તેવાં અત્યંત ગરીબોની સંખ્યા પણ એક કરોડ કરતાં વધુ છે. જો સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ પછી પણ દેશનાં ૨૫ કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જીવતા હોય તો કબૂલ કરવું પડશે કે દેશની તમામ સરકારો ગરીબી નાબૂદ કરવામાં નિષ્ફળ ગઈ છે.
ભારત સરકાર દ્વારા ગરીબોની સંખ્યા નક્કી કરવા માટે જુદા જુદા સમયે જુદી જુદી ગરીબી રેખાનો ઉપયોગ કરવામાં આવે છે. ઇ.સ. ૨૦૦૪ માં ભારત સરકારે ગરીબી રેખા નક્કી કરવાનું કામ સુરેશ તેંડુલકર સમિતિને સોંપ્યું હતું. તેણે પોતાના હેવાલમાં જણાવ્યું હતું કે જે માણસ રોજનો ૩૩ રૂપિયા ખર્ચ પણ ન કરી શકતો હોય તે ગરીબ ગણાય. અર્થાત્ જે માણસ રોજનો ૩૩ રૂપિયા કે તેથી વધુ ખર્ચ કરી શકતો હોય તેને ગરીબ ગણી શકાય નહીં. આ ૩૩ રૂપિયામાં માણસનું બે ટંકનું ભોજન, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, મનોરંજન વગેરે તમામ ખર્ચાનો સમાવેશ થઈ જતો હતો. જે સમયે એક ટંકનું ભોજન પણ ૩૩ રૂપિયામાં નહોતું મળતું તે કાળમાં તેંડુલકર સમિતિએ રોજના ૩૩ રૂપિયામાં જીવનનિર્વાહ કરી શકાય, તેમ માની લીધું હતું. આ વ્યાખ્યા મુજબ પણ ભારતમાં ૨૦૦૪ માં ૪૦ કરોડ ગરીબો હતા. ૨૦૦૯ ની સાલમાં મોંઘવારી વધી હતી, પણ સરકારે ગરીબીની રેખા રોજના ૩૩ રૂપિયા પર જ કાયમ રાખી હતી. તેને કારણે સરકારી વ્યાખ્યા મુજબનાં ગરીબોની સંખ્યા ૪૦ કરોડથી ઘટીને ૩૫ કરોડ પર આવી ગઈ હતી. ૨૦૧૧ માં તે વધુ ઘટીને ૨૭ કરોડ પર આવી ગઈ હતી. ગરીબોની સંખ્યામાં થયેલો આ ઘટાડો કાગળ પર જ હતો.
સરકારની ગરીબી રેખા નક્કી કરવાની પદ્ધતિની બહુ ટીકા થઈ ત્યારે ૨૦૧૨ માં ભારત સરકારે નવી ગરીબી રેખા નક્કી કરવાનું કામ સી. રંગરાજન સમિતિને સોંપ્યું હતું. તેમણે જાણે ગરીબો ઉપર ઉપકાર કરતા હોય તેમ શહેરો માટે રોજની ૪૭ રૂપિયા અને ગામડાં માટે રોજની ૩૨ રૂપિયાની આવક નક્કી કરી હતી. આજે પણ આ મુજબ જ ગણતરી કરવામાં આવે છે. સરકારી તંત્ર જ્યારે રોજના ૪૭ રૂપિયામાં જીવનનિર્વાહ ચલાવતા નાગરિકને ગરીબી રેખાની ઉપર માનવા તૈયાર થઈ જાય છે ત્યારે ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સર્વે વાસ્તવિકતાની નજીક જણાય છે. અજીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા ગરીબીની વ્યાખ્યા લઘુતમ વેતન ધારાને આધારે નક્કી કરવામાં આવી છે.
હાલના ધારાધોરણ મુજબ કોઈ પણ કામદારને રોજનો ઓછામાં ઓછો ૩૭૫ રૂપિયા પગાર મળે તો જ તે પોતાનું ગુજરાન ચલાવી શકે છે. આ વ્યાખ્યા મુજબ ભારતના ૩૫ ટકા કે ૪૬ કરોડ લોકો ગરીબી રેખાન હેઠળ જીવે છે. અજીમ પ્રેમજી યુનિવર્સિટીના રિપોર્ટ મુજબ કોરોનાનાં પ્રથમ વર્ષમાં જ ભારતના ૨૩ કરોડ લોકો ગરીબી રેખા હેઠળ ધકેલાઈ ગયા હતા. ૨૦૨૦ ના એપ્રિલ અને મે મહિનામાં શહેરના ૨૦ ટકા સૌથી ગરીબ લોકોની સંપૂર્ણ આવક બંધ થઈ ગઈ હતી. કોરોનાનાં બે વર્ષમાં તેમની લગભગ બધી બચત ધોવાઈ ગઈ હતી. હકીકતમાં કોરોના આવ્યો તે પહેલાં જ ભારતનો આર્થિક વિકાસ મંદ પડી ગયો હતો અને ફુગાવો ૬ ટકા પર પહોંચી ગયો હતો. કોરોના પછીના કાળમાં તો ફુગાવામાં પ્રચંડ વધારો થયો છે. વર્લ્ડ ઇન્ઇક્વાલિટી રિપોર્ટ ૨૦૨૨ મુજબ ભારતમાં સતત ગરીબો અને શ્રીમંતો વચ્ચેની ખાઈ પહોળી થઈ રહી છે.
ભારતમાં તળિયાના જે ૫૦ ટકા લોકો છે તેમની સરેરાશ મૂડી માત્ર ૧.૧૫ લાખ છે. આ ૫૦ ટકા પાસે ભારતની માત્ર ૬ ટકા સંપત્તિ છે. તેથી વિરુદ્ધ ટોચના માત્ર એક ટકા ધનકુબેરો પાસે દેશની ૩૩ ટકા સંપત્તિ છે. ૧૯૯૦ ના દાયકામાં ભારતમાં ઉદારીકરણ શરૂ થયું તે પછી ટોચના ૧૦ ટકા અને બોટમના ૫૦ ટકા વચ્ચેના તફાવતમાં ખાસ્સો વધારો થયો છે. કોરોનાના કાળમાં તો ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ વધુ પહોળી બની છે. કોરોનાનાં બે વર્ષ દરમિયાન દેશના ટોચના ૧૦૦ ધનિકોની સંપત્તિ વધી છે, જ્યારે મધ્યમ વર્ગ ધોવાઈને સાફ થઈ ગયો છે.
માત્ર ભારતની જ નહીં પણ આખા વિશ્વની અર્થનીતિ એવી રીતે ઘડવામાં આવે છે કે ગરીબો વધુ ગરીબ થતા રહે અને શ્રીમંતો વધુ શ્રીમંત થતા રહે. આ નીતિનું રહસ્ય સેન્ટ્રલ બેન્કો દ્વારા પેપર કરન્સી છાપીને તેનો ઉપયોગ શ્રીમંતોના લાભાર્થે કરવામાં પડેલું છે. જે કરન્સી છાપવામાં આવે છે, તેનો ઉપયોગ સરકારી ખર્ચાઓ અને વિકાસનાં કામો માટે કરવામાં આવે છે. તેનો સૌથી વધુ ફાયદો નેતાઓને, સરકારી અમલદારોને અને કોન્ટ્રાક્ટરોને થાય છે. બેફામ પેપર કરન્સી છાપવાને કારણે ફુગાવો વધે છે, તેનો માર ગરીબ અને મધ્યમ વર્ગને પડે છે. અબજોપતિઓ દ્વારા રાજકીય પક્ષોને ચૂંટણી જીતવા અબજો રૂપિયા અપાતા હોવાથી આર્થિક નીતિઓ તેમના લાભાર્થે જ ઘડાય છે.