ગુ. મિ. માં ઉપરોક્ત મથાળાનું ચર્ચાપત્ર પ્રગટ થયું છે જે પૂર્વગ્રહથી ગ્રસિત હોય આ મુજબની નુક્તેચીની કરવી પ્રાસંગિક બને છે: (૧) રાજ્યની ધારાસભાએ પાસ કરેલ કોઈ બિલને રાષ્ટ્રપતિશ્રી દ્વારા ચોક્કસ સમય મર્યાદામાં મુહર લગાવવાની બાબતમાં સુપ્રીમ કોર્ટની બે સદસ્યોની બેન્ચે વર્ડિક્ટ આપ્યો છે, નહીં કે જજમેન્ટ (૨) આ વર્ડિક્ટ આપતી વખતે મા. કોર્ટે ખુદ સરકારશ્રીના ગૃહ વિભાગની ૨૦૧૬ ની એક ગાઇડલાઇનનો આધાર લીધો છે જેમાં રાષ્ટ્રપતિની સંમતિ માટે મોકલાવેલ રાજ્યની ધારાસભાએ પસાર કરેલ બિલની સમયમર્યાદા વિશે અભિપ્રાય આપવામાં આવ્યો છે.
(૩) સુપ્રીમ કોર્ટ પાસે આ બાબત આવવાનું મુખ્ય કારણ એ હતું કે તામિલનાડુની ધારાસભા દ્વારા ત્રણ-ચાર કે પાંચ વર્ષ પહેલાં પસાર કરવામાં આવેલ કેટલાક બિલ પર હજી પણ રાષ્ટ્રપતિશ્રીની મુહર બાકી હતી – કથિતપણે રાજ્યપાલશ્રીની આડોડાઈને કારણે. આ સંદર્ભે એવું ચોક્કસ કહી શકાય કે નવા ઘડવામાં આવેલ કાયદા-કાનૂનને અમર્યાદપણે ટલ્લે ચઢાવી શકાય નહીં. (૪) બંધારણ દ્વારા સુપ્રીમ કોર્ટને લોકશાહી અને નાગરિકોના મૂળભૂત અને મૌલિક અધિકારોના સંરક્ષણ માટે કેટલીક વિશે સત્તાઓ બક્ષવામાં આવી છે અને એ કહેવું સરાસર ગલત છે કે તે સરકાર ધ્વારા પારિત અને રાષ્ટ્રપતિ ધ્વારા મુહર લગાવેલ કોઈ કાયદા વિરુધ્ધની અરજી દાખલ ન કરી શકે.
(૫) એ કહેવું સરાસર ગલત છે કે આ દેશમાં સરકાર (એટલે કે વડાપ્રધાન) કે રાષ્ટ્રપતિથી ઉપરવટ કોઈ છે નહીં. આ સદર્ભે ભૂ. પૂ. વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી વિરુદ્ધનો અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો યાદ કરવો જોઈએ જે થકી તેમને પદ ત્યાગ કરવો પડ્યો હતો. (૬) ‘ઉપ રાષ્ટ્રપતિશ્રીએ સુપ્રીમ કોર્ટને આડે હાથ લીધી છે અને પ્રજાએ તેમને સમર્થન આપવાનો સમય આવી ગયો છે’ એમ લખવું ચર્ચાપત્રી શ્રી, નૈતિકતાની રીતે ગલત છે. (૭) ચર્ચાપત્રનાં લખાણ અને ટોન ધ્વારા ચર્ચાપત્રીશ્રીનો કોઈ ચોક્કસ પક્ષ કે વિચારધારા પ્રત્યેનો ભક્તિભાવ અછતો નથી રહેતો. તેઓ વકફ કાયદાનો ઉલ્લેખ કરી સુપ્રીમ કોર્ટ પ્રત્યે પોતાની નારાજગી જતાવે છે પરંતુ જ્યારે અયોધ્યાનો ચુકાદો (જે વિદ્ધાનોના મતે ઘણે અંશે પક્ષપાતી હતો) આવ્યો ત્યારે એ જ કોર્ટના અછોવાના કરવામાં આવ્યા હતાં!
નવસારી – કમલેશ આર મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
