એક તરફ દિવાળીના તહેવારો દરમ્યાન રાજયમાં દ્વારકામાં દર્શનાર્થીઓનો ધસારો વધારે જોવા મળ્યો હતો. જો કે કેટલાંક હોટેલ સંચાલકો દ્વારા જીએસટી નહીં ચૂકવવાના મામલે આજે જીએસટીના ઈન્ટેલિજન્સ તંત્ર દ્વારા આજે દ્વારકામાં 8 જેટલી હોટેલો પર દરોડાની કાર્યવાહી કરીને 26 લાખનો જીએસટી ઓન ધી સ્પોટ વસૂલ કર્યો હતો.
જીએસટીના દરોડાની કાર્યવાહીમાં એવી વિગતો બહાર આવી હતી કે અમુક હોટલો દ્વારા વેરાશાખનો 90 ટકાથી વધુ ઉપયોગ કરીને રોકડેથી વેરો ઓછો ભરતા હતા.આ ઉપરાંત એકાદ કિસ્સામાં જીએસટી નોંધણી નંબર રદ થયો હોવા છતાં હોટેલ ચાલુ રાખીને જીએસટી ભરતા નહોતા.
અમુક હોટેલો 1000થી ઓછી રકમની રૂમ સર્વિસના વ્યવહારો દર્શાવી તેને વેરામુકત્ત વેચાણો દર્શાવીને વેરો ભરવાનું ટાળતા હતા. જેના પગલે દ્વારકા લાઈઉ સ્ટાઈલ રિસોર્ટસ , બાપુ રિસોર્ટસ , વીઆઈટીએસ , હોટેલ મીરા , હોટેલ ઉત્તમ , હોટેલ રાજ પેલેસ , હોટેલ દેવકી નંદન અને ધી દ્વારિકા હોટેલમા તપાસ હાથ ધરાઈ હતી. સ્થળ તપાસ દરમ્યાન 26 લાખનો વેરો વસૂલ કરાયો છે. જયારે વીઆઈટીએસ તથા દ્વારકા લાઈઉ સ્ટાઈલ રિસોર્ટસ સામે તપાસ ચાલુ જ છે