Columns

નીલા આસમાન મેં સંતૂર સો ગયા

83 વર્ષની વયે, મંગળવારે અલવિદા ફરમાવી ગયેલા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માની (વાંસળીવાદક હરિપ્રસાદ ચોરસિયા સાથે) પહેલી હિન્દી ફિલ્મ “સિલસિલા”(1981) નહોતી. તેમની પહેલી ફિલ્મ 1955માં આવેલી વી. શાંતારામની “ઝનક ઝનક પાયલ બાજે” હતી. ફિલ્મનું મુખ્ય સંગીત વસંત દેસાઈનું હતું પરંતુ એક દ્રશ્યમાં બેકગ્રાઉન્ડ સંગીત તરીકે પંડિતજીએ સંતુર વગાડયું હતું. તે વખતે તેમની ઉંમર 17 વર્ષની હતી. હિન્દી ફિલ્મોમાં સંતુરનો અને પંડિતજીનો એ પહેલો પ્રવેશ હતો. 25 વર્ષ પછી, “સિલસિલા”માં તેમણે પૂરું સંગીત આપ્યું, ત્યારે “ઝનક ઝનક પાયલ બાજે” પ્રત્યેનો આદર વ્યક્ત કરવા માટે, મીરાંનું ભજન “જો તુમ તોડો પિયા” તેમાં દોહરાવામાં આવ્યું હતું. સંયોગ કેવો કે લતા મંગેશકરે પહેલી વાર વસંત દેસાઈના સંગીતમાં એ ભજન ગાયું હતું અને બીજી વાર શિવ-હરિની ધૂન પર ગાયું.

પંડિત શિવકુમાર શર્મા, “સંતુરના સુલતાન” તરીકે હિન્દુસ્તાની શાસ્ત્રીય અને ફિલ્મી સંગીતમાં મશહૂર થયા હતા. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “વસંત દેસાઈને સંતુરવાદનની આંટીઘૂંટીની ખબર નહોતી, એટલે મને જે રીતે ફાવે એ રીતે સંતુર વગાડવા માટે છુટ્ટો દોર આપ્યો હતો. શાંતારામજી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે મને તેમની આગામી ફિલ્મ “તૂફાન ઔર દિયા” ઓફર કરી હતી પણ મેં કહ્યું કે મારે મારા પિતાજીની ઈચ્છા પ્રમાણે પહેલાં ભણતર પૂરું કરવું છે અને હું જમ્મુ પાછો જતો રહ્યો.” સંતુર સાચે જ અનોખું અને અઘરું વાજિંત્ર છે. એ લાકડાનું ચતુર્ભુજાકાર બોક્સ જેવું વાદ્ય છે. તેની ઉપર 2-2 મેરુની 15 પંક્તિઓ હોય છે. એક સૂરથી મેળવાયેલા ધાતુના 4 તાર એક જોડી મેરુ સાથે લાગેલા હોય છે. એ રીતે તારની સંખ્યા 60 થાય છે (ઘણી જગ્યાએ એ 100 હોય છે). તેને વગાડવા માટે આગળથી વાંકી બે દંડીઓનો ઉપયોગ થાય છે.

સંતુર આમ તો વીણા, સરોદ અને સિતારના પરિવારનું જ છે પણ એ સૌ ભિન્ન છે. પંડિતજી એક જગ્યાએ કહે છે, “મારા પિતા પંડિત ઉમા દત્ત શર્મા બનારસના પંડિત બડે રામદાસજીના હાથ નીચે તબલાં શીખ્યા હતા. બાળપણમાં તેમણે કાશ્મીરના મહારાજાના દરબારમાં બડે ગુલામ અલી ખાન સાથે પરફોર્મ કર્યું હતું. તેઓ જયારે જમ્મુ-શ્રીનગર રેડિયોમાં સંગીત સુપરવાઈઝર તરીકે કામ કરતા હતા ત્યારે, સૂફી શૈલીમાં વાગતું સંતુર જોયું હતું અને તેમને થયું હતું કે આ વાદ્ય તો શાસ્ત્રીય શૈલીમાં પણ ચાલે તેવું છે.” એ રીતે પંડિતજીનો પરિચય સંતુરથી થયો હતો. પંડિતજી કહેતા હતા કે સંતુર હિન્દુસ્તાની અને ફારસી સંગીતની જુગલબંધીનું પ્રતીક છે. આમ તે કાશ્મીરનું વાદ્ય કહેવાય છે અને સંસ્કૃત લખાણોમાં પણ તેનો ઉલ્લેખ છે અને બીજી બાજુ તે 1800 વર્ષો પહેલાં ઈરાનમાં પણ પ્રચલિત હતું. સંતુર ફારસી નામ છે, જેનો અર્થ થાય છે “સો તાર.” સંસ્કૃતમાં તેને  શત-તંત્રી વીણા કહે છે-100 તારની વીણા.

સંતુરની એક દિલચસ્પ ખાસિયત એ છે કે દુનિયાના અલગ-અલગ હિસ્સાઓમાં આ પ્રકારનાં વાદ્યો લોકપ્રિય છે  અને તેમને ભિન્ન-ભિન્ન નામથી બોલવામાં આવે છે. જેમ કે ચીનમાં તેનું નામ યાંગ ક્કિન છે, મધ્ય એશિયાના દેશોમાં તેને સિમ્બાલે, ઈરાન-ઈરાકમાં સંતુર, ગ્રીસમાં સંતારી, જર્મનીમાં હેમ્બ્રટ, હંગેરીમાં સિમ્બલમ અને યુરોપ-અમેરિકામાં હેમર-ડુલસીમર કહે છે. ઈરાન અને મેસોપોટેમીયા ઉત્ખનન દરમિયાન, અસિરિયન અને બેબીલોનની પથ્થરોની નક્કાશીમાં ગળામાં લટકાવીને સંતુર વગાડતા હોય તેવા માણસોનાં ચિત્રો મળ્યાં છે. એવું મનાય છે કે આ વાદ્ય મધ્ય પૂર્વના અલગ-અલગ હિસ્સાઓમાં ગયું હતું અને લોકોએ તેને ભિન્ન-ભિન્ન નામથી બોલવાનું શરૂ કર્યું હતું.

પંડિત શિવકુમાર શર્માની પહેલી તાલીમ તબલાંમાં હતી. તે વખતે તેમની ઉંમર 5 વર્ષની હતી. તેમણે કહ્યું હતું, “તબલાં અને ગાયકીમાં 13 વર્ષ સુધી મારી સખત તાલીમ ચાલી હતી. તે દરમિયાન, મારા પિતા સંતુર પર હિન્દુસ્તાની શાસ્ત્રીય રાગ બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 13 વર્ષની ઉંમરની આસપાસ તેમણે મને સંતુર પર હાથ અજમાવવાનું કહ્યું. ખબર નહીં કેમ પણ મારો હાથ ઝડપથી બેસી ગયો. ત્યાં સુધી કે 2-3 વર્ષમાં જ હું રેડિયો પર બાળ-કાર્યક્રમોમાં સંતુર વગાડતો હતો. 18 વર્ષની ઉંમરે, મુંબઈમાં હરિદાસ સંગીત સંમેલનમાં મેં પહેલી વાર સાર્વજનિક રીતે સંતુર વગાડ્યું હતું.” પંડિત શિવકુમાર શર્માના સંતુરવાદનને લોકો સદીઓ સુધી યાદ રાખશે પરંતુ એક બીજી વાત શીખવા જેવી એ છે કે વ્યક્તિમાં ધગશ અને ખંત હોય તો તે સંતુર જેવા અજાણ્યા અને અઘરા વાદ્યની સુલતાન બની શકે છે. પંડિતજીએ તેમની એ શીખવાની વૃત્તિ વિશે અમુક સરસ વાતો કરી હતી, તેને ગાંઠે બાંધવા જેવી છે:

  • શીખવાનો ક્યારેય અંત નથી હોતો, બશર્તે કે તમારી નજર શીખવા માટે તૈયાર હોય.
  • જેટલા પણ દૌરમાંથી પસાર થયો છું; દરેક દૌરમાં, દરેક પરિસ્થિતિમાં, દરેક વ્યક્તિ પાસેથી, ચાહે એ કલાકાર હોય, શ્રોતા હોય અથવા શિષ્ય, હું કાયમ તેની પાસેથી કંઇક ને કંઇક શીખ્યો છું.
  • તમારામાં શીખવાની વૃત્તિ જીવતી હોય તો સડક પર કામ કરતો મજદૂર, ઘરની સફાઈ કરવાવાળો કે રસોઈ બનાવવાવાળો પણ આપણને કશુંક ને કશુંક શીખવાડી જાય.
  • આપણને સૌથી વધુ શીખવા ત્યારે મળે જયારે નિષ્ફળતા મળે. સફળતા બહુ ખતરનાક ચીજ છે. – તારીફ માણસ સામે રૂકાવટનું સંકટ છે. આપણે ટીકામાંથી વધુ શીખીએ છીએ. એક જૂની કહેવત છે; “જ્યાં તમારી ખરાબીઓનો ઉલ્લેખ થતો હોય ત્યાં જાવ.” ત્યાં તમને તમારી વાસ્તવિક સ્થિતિથી પરિચય થશે.
  • જેને તારીફ પચાવતાં આવડી ગયું, તેની પ્રગતિનો માર્ગ કોઈ રૂંધી ન શકે.
  • મોટા-મોટા લોકો ઊંચાઈ પર જઈને નીચે આવે છે. પહાડોમાં આપણે જોઈએ છીએ કે જેને ઉપર ચઢવું હોય તેણે ઝૂકીને (નમ્ર થઇને) ચાલવું પડે. જેને નીચે આવવું હોય તે છાતી આગળ કરીને (અહંકારથી) ઊતરે છે.
  • કલાકારની અસલી કસોટી એવોર્ડ નથી, મંચ છે. દરેક પરફોર્મન્સ એક પ્રકારની પરીક્ષા છે. ત્યાં ન તો કોઈની સાથે હરીફાઈ છે કે ન તો પ્રેક્ષકો પર છાકો પાડી દેવાનો પ્રયાસ.
  • શીખવામાં લક કે ચાન્સ ના હોય. સખત પ્રયાસ, સંપૂર્ણ એકાગ્રતા અને સમર્પણ હોય તો કશું પણ શીખી શકાય.

Most Popular

To Top