ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભામાં બજેટ સત્ર (Budget session) ચાલી રહ્યું છે. બજેટ સત્રના ગણતરીના ત્રણ દિવસ ખૂબ ભારે રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (election) પહેલા વિપક્ષ સરકારને અલગ અલગ મુદ્દેથી ઘેરી રહી છે. ત્યારે વિધાનસભાના છેલ્લા દિવસો તોફાની બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આજે વિધાનસભા બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસે (Congress) તાપી રિવર લિંક પ્રોજેક્ટ (Tapi river linking Project) અંગે ભાજપને (BJP) ઘેરી લીધું હતું. અને બંને પક્ષો વચ્ચે હંગામો શરૂ થઈ ગયો હતો.
વિધાનસભા બજેટ સત્ર દરમિયાન વિપક્ષી નેતા સુખારામ રાઠવાએ તેમના વક્તવ્યમાં ભાજપને તાપી રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે વખોડી કાઢી હતી. રાઠવાએ ભાજપ માટે ‘આકા’ શબ્દનો પ્રયોગ કર્યો હતો જે બાદ ભાજપે પણ સામે જવાબ આપતા ગૃહમાં હંગામો મચી ગયો હતો. ભાજપે આ શબ્દનો વિરોધ કર્યો હતો. તો બીજી તરફ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ વન મંત્રી ગણપતસિંહ વસાવાએ હંગામા વચ્ચે નિવેદન આપતા કહ્યું કે આ યોજના તમારા કોંગ્રેસના આકાઓએ જ શરૂ કરી હતી. તેમના આ નિવેદન બાદ ગૃહમાં વાતાવરણ વધુ ઉગ્ર બને તે પહેલા જ અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યાએ કડક તાકીદથી મામલાને શાંત પાડ્યો હતો.
ગુજરાત બજેટ સત્રને માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે વિપક્ષ સરકારે બેરોજગારી, પેપરલીક કાંડ, ગરીબી જેવા મુદ્દેથી ઘેરી રહી છે. જેમાં આજે બજેટ સત્રની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસે સરકારને તાપી પાર મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા જે બાદ ભાજપે પણ વિપક્ષને તાબડતોળ જવાબ આપ્યો હતો. જે બાદ બંને પક્ષ વચ્ચે થોડી ક્ષણો માટે ગૃહમાં હંગામો થયો હતો. જે બાદ અધ્યક્ષના ઓર્ડરથી બધા શાંત થયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સભામાં હંગામા બાદ ભાજપના ધારાસભ્ય અને ફિલ્મ કલાકાર હિતુ કનોડિયાએ પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. અને તેમણે પીએમ નરેન્દ્ર મોદીને જાનદાર, શાનદાર, ઈમાનદાર કહીને સંબોધ્યા હતા, એટલું જ નહીં પણ તેમણે એમ કહ્યું હતું કે બાળકોને બારાખડીમાં ભ એટલે ભમરડો શીખવાડવામાં આવતો હતો, પછી ભ એટલે ભ્રષ્ટાચાર થઈ ગયો હતો. જ્યારે 2014માં નરેન્દ્ર મોદી આવ્યા બાદ ભ એટલે ભારત કહેવાય છે, નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રભક્તિ જગાવી છે.