Comments

ટેક્નોલોજી યુગમાં ભાષાના ઝઘડા માનવજાતની નરી મૂર્ખામી છે

અખા ભગતે ગુજરાતનાં સંસ્કારપ્રિય લોકોને આજથી ૪૯૦ વર્ષ પહેલાં રણ જીતવાનું માહાત્મ્ય જણાવેલું. આમ છતાં વિદ્વજજનો ગુજરાતી ભાષામાં મૂળાક્ષર, જોડણી, દીર્ઘ સ્વર અને વ્યંજન આસપાસ પોતાની સત્ત્વશીલ જિંદગી ખપાવી રહ્યાં છે. વિશ્વમાં સહુથી વધુ માત્રામાં બોલાતી અંગ્રેજી ભાષાની સુધારણા માટે વર્ષ ૧૭૬૮ થી પ્રયત્ન થતા રહ્યા છે અને અમેરિકન સ્પેલ બી. સ્પર્ધાને ૧૦૦ વર્ષ પૂર્ણ થવા આવ્યાં છે ત્યારે પણ અંગ્રેજી શબ્દ કર્નલમાં આર ની બાદબાકીનો મામલો પાર્લામેન્ટ સુધી પહોંચ્યો છે. વર્ષ ૧૮૨૯ માં ઓહાયોના પ્રાધ્યાપક જેમ્સ રગર્લ્સ દ્વારા યુનિવર્સલ લેન્ગ્વેજનો પ્રસ્તાવ મુકાયો છે જે આજે પણ યુરોપિય સંઘમાં વિચારણા આધીન છે તો ગુજરાતી, મરાઠી કે હિન્દી ભાષાના વપરાશ માટેના આગ્રહ માટે ઝઘડા શાથી! અને બીજી તરફ જે વિદ્યાર્થીઓ ભાષાનું હલેસું પકડીને પોતાનું નાવડું આગળ ખેંચે છે, તેમની હાલત તો સો ડુંગળી અને સો કોરડા વેઠતાં ધોબી જેવી થઈ જાય છે.

કોઈ પણ ભાષા માહિતી અથવા તો જ્ઞાનના માધ્યમથી વિશેષ, સમાજ અને સંસ્કૃતિ સાથે અભિન્નપણે વણાયેલી છે. આમ છતાં જે પાઠ્યપુસ્તકોનાં પગથીએ વિદ્યાર્થી ભાષાનું લેખિત સ્વરૂપ જાણે છે તે પાઠયપુસ્તકોમાં વપરાતી ભાષામાં નર્યું શહેરીપણું અભિવ્યકત થાય છે. વિદ્યાર્થીઓ માટેનાં આ પુસ્તકોની ભાષા જોતાં જણાય છે કે પાઠ્યપુસ્તક મંડળનાં પુસ્તકોને આંતરિયાળ આદિવાસી બોલી સાથે કોઈ સ્નાનસૂતકનો સંબંધ નથી. પરિણામે, અભ્યાસક્રમના ભાગ રૂપે સ્વીકારાયેલાં પુસ્તકો વિદ્યાર્થીઓનાં નિજી જીવનથી દૂર રહી જાય છે.

તાજેતરમાં ભાષા અને સ્કૂલ ડ્રોપ- આઉટ્સ વિષયના ૧૩,૦૦૦ બાળ શ્રમિકો સાથેના અભ્યાસથી જણાય છે કે શાળા છોડી દેનાર ૬,૭૦૦ બાળકોએ શાળા છોડી દેવાનું કારણ જણાવતાં કહ્યું કે અમને ભણવાની મજા નથી આવતી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના અભ્યાસમાં સ્કૂલ ડ્રોપ-આઉટ્સ સંબંધે જણાવાયું છે કે શહેરી સંસ્કૃતિમાં ઉછરેલાં બૌદ્ધિકો દ્વારા તૈયાર થતાં પુસ્તકો અને તેની ભાષા ગ્રામ્ય બાળકોની સમજમાં જ આવતી નથી.

કરુણતાની ચરમસીમા ત્યારે આવે છે કે ભરૂચ જિલ્લાના એક ગામની સાર્વજનિક શાળામાં ધોરણ-૧૦ની સત્રાંત પરીક્ષામાં માત્ર ૧૦ % વિદ્યાર્થી ઉત્તીર્ણ થયાં. વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરવામાં મદદ કરવા છતાં આવું પરિણામ મળવા અંગે શાળાના એક શિક્ષક મિત્રે દિલ ખોલતાં કહ્યું, “સાહેબ,  અમારાં વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રની ભાષા જ પકડાતી નથી!” અને આથી જ તો ગુજરાતની મહાનગરપાલિકાઓ અને એ જ જિલ્લાનાં ગામડાઓમાં આવેલ શાળાઓનાં પરિણામોમાં પણ ખાસ્સો ફરક જોવા મળે છે.

જ્યારે પરીક્ષા ખંડની બહાર વાસ્તવિક જીવનમાં તો ૮૦ % કંપનીઓ પોતાને ત્યાં સ્કીલને પ્રાધાન્ય આપી યુવકોને નોકરી આપી રહ્યાં છે. તાજેતરના ઇન્ડિડના અહેવાલ અનુસાર ૪૨% યુવકો અભિવ્યક્તિના અભાવે પસંદગીની પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય છે. ભવિષ્યની જરૂરિયાત સંબંધે ઇન્ડિડના રિપોર્ટ અનુસાર એ.આઈ. અને સાઇબર સિક્યોરિટી જેવા વર્ચ્યુઅલ ફિલ્ડમાં તો નોટ-પેનનું કામ જ નથી રહેવાનું. કોશિયો પણ સમજી શકે તેવું સરળ સાહિત્ય સર્જવા ગાંધીજીએ કહ્યું. તેઓએ કુંભાર, ચમાર, સુથાર, ખેડૂ અને મોચી જે ભાષા વાપરે છે તેવી સરળ ભાષાનો આગ્રહ રાખ્યો.

તે પછી સ્વામી આનંદે ભાર દઈને કહ્યું કે, “મારું ચાલે તો ગુજરાતી જોડણીમાંથી બધા વિકલ્પો કાઢી નાખું, જોડણી ઉચ્ચારણો પ્રમાણે રાખું, જોડણીમાંથી બધા વિકલ્પો કાઢી જોડાક્ષરોને સમૂળગા કાપી નાખું.’ બોલવા, લખવા, વાંચવા અને છાપવાનું કામ સૌના માટે સાવ સહેલું કરી મૂકું.” અહીં લિપિને સરળ અને અનુરૂપ કરવાની વાત છે. પરંતુ કમનસીબે સાક્ષરો અને હવે રાજકારણીઓ આજે પણ આગ્રહ રાખે છે કે વિદ્યાર્થી અમારા પ્રદેશની અને શુદ્ધ ભાષા લખતાં અને સ્પષ્ટ રીતે અભિવ્યકત કરતાં પહેલાં શીખે અને પછી જ બીજા વિષયનું જ્ઞાન મેળવે.

સંસ્કૃત જેવી વિશ્વની શ્રેષ્ઠ ભાષા પણ તેની કિલષ્ટતાના કારણે મૃત:પ્રાય બની, એ વાતનો ખ્યાલ દલપતરામ સમિતિને વર્ષ ૧૮૫૯માં આવ્યો. પરંતુ સાહિત્યકારોએ ભાષાના સ્વરૂપ પ્રત્યે મમત પકડી રાખ્યું છે જે દરમિયાન આમપ્રજામાં સસ્તાં ફિલ્મ સામયિકો અને ટી.વી.માં વપરાતી મિશ્ર ગુજરાતી ભાષા પ્રચલિત બનતી ચાલી છે. જેને રોગનાં એંધાણ તરીકે મૂલવવી જોઈએ. જે સામે કેટલાંક સંગઠનોએ આલબેલ પણ પોકારી છે. પરંતુ હજુ શિક્ષણના સાર્વત્રિક સંદર્ભ તરીકે ભાષાની સરળતા સ્વીકારાઈ નથી. આથી એક જ પ્રકારનાં પાઠ્યપુસ્તકોનો વપરાશ કરતાં ગુજરાતનાં વિભિન્ન પ્રદેશનાં વિદ્યાર્થીઓને નછૂટકે અભ્યાસ છોડી દેવો પડે છે.

આપણી લોકશાહી અમૃત મહોત્સવ ઉજવી રહી છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ શતાયુ બનવા તરફ ગતિ કરી રહ્યા છે. પરંતુ આપણા પાયાના પ્રશ્નો હજુ બાલ્યાવસ્થામાં જ પડ્યા છે અને આજે ૩૨ થી ૪૦ ટકાના દરે બાળકો શિક્ષણ છોડી દે છે, તે જોતાં વર્ષ ૨૦૩૦ની સાલમાં તો વિશ્વનો તમામ બીજો માતૃભાષાથી દૂર થયેલ નાગરિક કદાચ ભારતીય હોય તો આવી સ્થિતિ આશ્ચર્યજનક નહીં હોય. શિક્ષણ પાછળનો પાર વિનાનો ખર્ચ એળે જાય તે પહેલાં જે પાણીએ મગ ચડે તે ઉપાય અજમાવીએ. શિક્ષણના સાધન તરીકે ભાષાને સરળ કરીએ. ટેક્નોલોજીના ઉપયોગથી સમજાય તેવી ભાષાને વહેતી કરીએ. ફરજિયાત શિક્ષણ સ્વયં એકસો ડુંગળી જેવું થઈ રહ્યું છે ત્યારે ઈચ્છીએ કે સારસ્વતો અને રાજકારણીઓ ભાષાની સોટીએ વિદ્યાર્થીઓને બીજા એકસો કોરડાની શિક્ષા નહીં ફટકારે.
ડો.નાનક ભટ્ટ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top