હિમડંખ અને સૂર્યદાહ બન્ને એક સાથે લાગી શકે એવું આપણા દેશનું કયું સ્થળ? ફરવાના શોખીન હોય એવા સહુ કોઈને આ સવાલનો જવાબ ખબર ન હોય એમ બને નહીં. એ છે લદાખ, જે હવે જમ્મુ અને કાશ્મીરથી અલગ થયા પછી કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો પામ્યું છે. ત્રણ હજારથી આઠ હજાર સુધીની ઊંચાઈ ધરાવતા આ પ્રદેશને ઠંડુંગાર પહાડી રેગિસ્તાન કહી શકાય. અલબત્ત, આ સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ વિશિષ્ટ છે. અહીં જલવર્ષા નહીં, પણ હિમવર્ષા થાય છે. અતિ ઊંચાઈને લઈને પ્રાણવાયુની તીવ્ર અછત હોવાથી વનસ્પતિ સાવ મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે. અહીંનું ભૂપૃષ્ઠ અતિશય નાજુક છે. મુખ્યત્વે રેતાળ પહાડો છે અને અહીંના ખડકોમાં અનેક પ્રકારના ખનીજોનું વૈવિધ્ય છે.
લદાખ હિમાલયનાં અન્ય સ્થાન જેવું રમણીય, હરિયાળું અને પ્રાકૃતિક સૌંદર્યની આપણી સામાન્ય વ્યાખ્યા ધરાવતું નથી. અહીંના સૌંદર્યને માણવા માટે દૃષ્ટિ કેળવવી પડે. હરિયાળી સિવાયના વિવિધરંગી પહાડોની વચ્ચે જાણે કે અનંત સુધી ચાલ્યા જતા રસ્તા પરથી પસાર થવાનો રોમાંચ માણવા માટે કુદરતી સૌંદર્યને નવેસરથી વ્યાખ્યાયિત કરવું પડે. પહાડો પરથી સતત ફૂંકાતો રહેતો ઠંડોગાર અને સૂકો પવન ત્વચા પરનો ભેજ શોષી લે છે, તો સૂર્યનો તાપ અહીં વધુ પડતો આકરો જણાય છે. આવા સંજોગોમાં અહીં રહેતાં સ્થાનિકોનું રોજબરોજનું જીવન કેટલું કપરું હશે એનો અંદાજ લગાવી શકાય.
ભૌગોલિક વિપરીતતાઓ ઉપરાંત સુરક્ષાની દૃષ્ટિએ પણ આ સ્થાન સંવેદનશીલ છે. અહીં ચીન અને પાકિસ્તાન એમ બન્નેના આક્રમણનો ખતરો છે. વિશ્વભરનું સૌથી ઊંચું રણમેદાન કહેવાતો સિઆચેન વિસ્તાર અહીં આવેલો છે. કોવિડ પછીના કાળમાં અહીં પ્રવાસીઓનો જબ્બર ધસારો શરૂ થયો છે, જેને પગલે અહીં વિવિધ સુવિધાઓ ઊભી થઈ રહી છે. પ્રવાસીઓના ધસારાને પગલે સ્થાનિકો માટે આવકનો સ્રોત ખૂલ્યો છે, પણ ધસારાની સીધી અસર લદાખના પર્યાવરણ પર થઈ રહી છે.
હવામાનની અને ભૂગોળની આવી વિપરીતતા વચ્ચે આ પ્રદેશમાં એક આંદોલનનો આરંભ થયો છે, જેની નોંધ મુખ્ય ધારાનાં પ્રસાર માધ્યમોમાં ભાગ્યે જ લેવાઈ છે. લદાખ પ્રદેશના રહેવાસી, પોતાના ફળદ્રુપ દિમાગ વડે અહીંના વાતાવરણને અનુરૂપ અવનવા મૌલિક ઉપાયો થકી જાણીતા બનનાર તંત્રજ્ઞ, કર્મશીલ અને શિક્ષક સોનમ વાંગ્ચૂક 6 માર્ચ, 2024થી એકવીસ દિવસના ઉપવાસ પર ઊતર્યા હતા.
આ ઉપવાસ આમરણ અનશનમાં પણ તબદીલ થઈ શકે એવી શક્યતા હતી. રાતના શૂન્યની નીચે દસ, અગિયાર અંશ સેલ્સિયસ સુધી પહોંચી જતી હાડ થિજાવી દેતી ઠંડીમાં તેઓ ખુલ્લા મેદાનમાં સૂઈ રહેતા, એટલું જ નહીં, તેમને સાથ આપવા માટે બીજા દોઢસો બસો ટેકેદારો પણ આમ કરતા. આ લખાય છે ત્યારે, 26 માર્ચના રોજ તેમણે એકવીસ દિવસના ઉપવાસ સંપન્ન કર્યા છે. તેઓ ટ્વીટર દ્વારા રોજેરોજનો અહેવાલ આપતી વિડીયો મૂકતા રહ્યા અને બહારના જગત સાથે સંપર્કમાં રહ્યા. આવું દેખીતું આત્મઘાતી વલણ અપનાવવાનું કારણ કંઈ સ્વપ્રસિદ્ધિ માટેનું ન જ હોય, બલ્કે પરિસ્થિતિ કઈ હદની ગંભીર હશે એ સૂચવે છે. પણ કઈ પરિસ્થિતિ? અને કેવી છે તેની ગંભીરતા?
31 ઑક્ટોબર, 2019ના રોજ લદાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો પ્રાપ્ત થયો ત્યારે ત્યાંનાં રહેવાસીઓએ આ ઘટનાની ઉજવણી કરી હતી. સોનમ વાંગ્ચૂકે વડા પ્રધાનનો આભાર માન્યો હતો અને સરકારે ઘોષિત કરેલા છઠ્ઠી અનુસૂચિના અમલના નિર્ણયને આવકાર્યો હતો. સોનમે પોતે સરકારને પત્ર દ્વારા કરેલું સૂચન અને જનજાતીય કાર્ય મંત્રી અર્જુન મુંડા દ્વારા સોનમને ઉદ્દેશીને લખાયેલો, લદાખને અનુસૂચિ 6માં મૂકવાની જાણ કરતો પત્ર ટ્વીટર પર મૂક્યો હતો. દેશની લોકશાહીમાં પોતાનો વિશ્વાસ દૃઢ બન્યો હોવાનું સોનમે જણાવ્યું હતું. એ પછી સાડા ચાર વર્ષ વીત્યાં, પણ સરકારે પોતાની ઘોષણાનો અમલ કર્યો નથી. આ અનુસૂચિના અમલ બાબતે સરકાર પર દબાણ લાવવા માટે વાંગ્ચૂક સહિત અન્ય લદાખવાસીઓ ઉપવાસ પર ઊતર્યા.
રેલી કાઢીને તેમણે આ મહત્ત્વના મુદ્દે સૌનું ધ્યાન ખેંચ્યું. તેમના જણાવ્યા અનુસાર લદાખવાસીઓના ભ્રમનું હવે નિરસન થઈ ગયું છે અને તેમને પોતે છેતરાયા હોવાનું અનુભવાઈ રહ્યું છે. સોનમે જણાવ્યું છે કે પોતે એટલું જ કહી શકે એમ છે કે સત્તાધારી પક્ષ કેવળ ચૂંટણીલક્ષી જ વિચારે છે કે પોતાને કેટલી બેઠક મળી શકશે. લોકોની તેને કશી પડી નથી. ઉઘાડેછોગ હોવા છતાં સ્વાનુભવે તેમને આ સચ્ચાઈ જાણવા મળી અને તેમણે વિરોધ શરૂ કર્યો. ધીમે ધીમે આ આંદોલનની જાણ દેશભરમાં થઈ અને મુંબઈ, પૂણે, હૈદરાબાદ સહિતનાં વીસેક શહેરોમાંથી પણ તેને સમર્થન પ્રાપ્ત થતું ગયું.
દેશનાં પ્રસાર માધ્યમોની સ્થિતિ એવી છે કે સરકારની છબી ખરડાય એવા મોટા સમાચાર તેમાં આવતા જ નથી. બીજી તરફ સરકાર સંચાલિત સાઈબર સેલ પોતાના લાભમાં હોય એવી નાનામાં નાની ઘટનાને જોતજોતાંમાં ચોમેર ફેલાવી દે છે. સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોનો વ્યાપક ઉપયોગ કરતાં લોકો તેને પ્રસરાવવાની સાથોસાથ સરકારના સ્વઘોષિત તરફદારની ભૂમિકામાં આવી જાય છે. કોઈ પણ ઘટનાને ધાર્મિક, કોમી રંગ આપવામાં તેઓ નિષ્ણાત છે.
આવા માહોલમાં અને સાવ વિપરીત હવામાનમાં આપણા જ દેશના એક પ્રદેશના લોકો જાતની ચિંતા કર્યા વિના સતત એકવીસ દિવસ સુધી રોજ રાતે મોતની આગોશમાં સૂતા રહ્યા. સોનમે જણાવ્યું છે કે ઉપવાસ ભલે પૂરા થયા, પણ લડત ચાલુ રહેશે. મહિલાઓનાં કેટલાંક જૂથે આ જ માગણીઓ સાથે નવેસરથી ઉપવાસ કરવાની ઘોષણા કરી છે. પોતે લીધેલા નિર્ણયની ઘોષણા પછી સરકાર શા માટે અનુસૂચિ 6ને અમલી નથી બનાવી રહી એ એક રહસ્ય છે, છતાં ગૂઢ નથી. પણ એ માટે પહેલાં અનુસૂચિ 6ની જોગવાઈ શી છે એ જાણવું જરૂરી છે. તેના વિશે આગામી સપ્તાહે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.