સુરતઃ શહેરમાં દારૂબંધી છે, પરંતુ દારૂના શોખીનો જાહેર રસ્તા પર કારમાં બેસી દારૂ પીતા પણ ગભરાતા નથી. આવી જ એક ઘટના શહેરના સરથાણા વાલક પાટીયા વિસ્તારમાં બની છે. અહીં ગઈકાલે રાત્રિના 3 વાગ્યે કેટલાંક ઈસમો કારમાં દારૂની પાર્ટી માણી રહ્યાં હતાં.
સ્થાનિક રહીશોએ વિરોધ કરતા નબીરાઓએ ઈસમોએ દાદાગીરી કરી હતી. કારના ડેશબોર્ડ પર પોલીસનું પાટિયું મુકી આ નબીરાઓ અંદર દારૂની મહેફિલ માણી રહ્યાં હતાં. સ્થાનિક રહીશોના ટોળાએ દારૂડિયાઓને ઘેરી લઈ કારમાં તપાસ કરતા અંદરથી દારૂ અને બિયરની બોટલો મળી હતી. જેથી સ્થાનિકોએ હંગામો મચાવ્યો હતો. લોકોએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે કારચાલક વિરુદ્ધ બે ગુના નોંધી તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 20 સપ્ટેમ્બરની મધરાત્રે સરથાણા વાલક પાટિયા પર એક નંબર પ્લેટ વગરની બલેનો કારનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કારના ડેસબોર્ડ પર પોલીસ લખેલું પાટિયું મુક્યું છે. કારની અંદર બે ઈસમો દારૂ પી રહ્યાં છે. લોકોએ તપાસ કરતા બિયર અને દારૂની બોટલો મળી હતી. ટોળાંએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ડિટેઈન કરી બે ઈસમની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓ જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો શાબુર સાબડ હોવાની વિગતો બહાર આવી છે. આ બંને ઈસમો કાર લે-વેચનું કામ કરે છે. તેમની પાસે પોલીસનું પાટિયું ક્યાંથી આવ્યું તે તપાસનો વિષય છે.
વધુમાં જાણવા મળ્યા અનુસાર પોતે પોલીસ હોવાનો રોફ જમાવી નજીકની હોટલમાં જમ્યા બાદ આ બંને ઈસમોએ નાણાં ચૂકવ્યા નહોતા, એટલે ટોળું ભેગું થયું હતું અને પોલીસને બોલાવી હતી. ત્યારે તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે આ બંને ઈસમો પોલીસના પ્લેટની આડમાં દારૂ પીતા હોવાના અને લોકોને ધમકાવતા હતા. પોલીસે બંને વિરુદ્ધ રેસ ડ્રાઇવિંગ, પોલીસની ઓળખનો ખોટો ઉપયોગ કરવા બદલ બે ગુના નોંધ્યા છે. આ બંને જણા ઉત્રાણથી કાર માલિકનું અપહરણ કરી લાવ્યાની પણ ચર્ચા છે.